દ્વારકાધીશનું મંદિર

March, 2016

દ્વારકાધીશનું મંદિર : ભારતપ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું, સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે આવેલું હરિધામ. તે ગોમતી નદીના ઉત્તરના કિનારે આવેલું છે. તેનું સ્થાપત્ય અન્ય હિંદુ મંદિરોના જેવું તેરમી સદીનું છે. તેમાં ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ, ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, વિશાળ સભાગૃહ તથા મહામંડપનો સમાવેશ થાય છે. તેની છત ગ્રૅનાઇટ અને રેતિયા પથ્થરના 60 સ્તંભ ઉપર ટેકવેલી છે. સાત માળના આ મંદિરના ચોથા માળે શક્તિદેવીની મૂર્તિ તથા પાંચમા માળે 72 કોતરણીવાળા સ્તંભો પર લાડવા મંડપ આવેલ છે. મંદિરનું શિખર 52 મીટરની ઊંચાઈ પર છે. મંદિરની પરસાળની લંબાઈ 27 મીટર તથા પહોળાઈ 6.4 મીટર છે. મંદિરની બહારની દીવાલોના પાયાથી શિખર સુધી કોતરણી છે. પરંતુ અંદરનો ભાગ સાદો છે. દ્વારકાધીશની મૂર્તિ અનેક અલંકારોથી શણગારવામાં આવે છે. તેના પ્રવેશદ્વાર પાસે ગણપતિની મૂર્તિ છે.

દ્વારકાધીશ મંદિર, દ્વારકા

આ મંદિર ઐતિહાસિક ર્દષ્ટિએ જ વિચારીએ તો, વિષ્ણુપુરાણમાં (5-3-8-9) કહેલું ‘વાસુદેવગૃહ’ છે. ભાગવત મહાપુરાણમાં (11-31-23) કહેલું ‘ભગવદાલય’ એ આ જ છે. વિષ્ણુપુરાણે અને ભાગવતપુરાણે (4-24-104 અને 12-2-26 અનુક્રમે) અંદાજે ઈ. પૂ. 1500 એટલે કે આજથી આશરે 3500 વર્ષ જેટલું જૂનું ગણાય. સમજવા જેવું એ છે કે વિષ્ણુપુરાણ રચાયાનો સમય ગુપ્તો સત્તા ઉપર આવ્યા એ પછીનો છે અને ભાગવતનું મહાપુરાણ તરીકેનું રૂપાંતર અનેક ઉમેરાઓ સાથેનું છે. આદિ શંકરાચાર્યજીએ દ્વારવતી – દ્વારકાના મંદિરસંકુલમાં પૂર્વ બાજુએ લગોલગ શારદાપીઠની સ્થાપના ઈ. સ.ની આઠમી સદીના અંતભાગમાં કરી એ પહેલાં મંદિર અસ્તિત્વમાં આવી ગયેલું હતું. છઠ્ઠી સદીના ગારુલક રાજવીઓ પોતાને ‘દ્વારકાપતિ’ કહે છે એટલે છઠ્ઠી સદીમાં મંદિર હોવાનું તો સિદ્ધ છે, જે વિષ્ણુપુરાણમાં મળે છે, એટલે ચોથી સદીમાં ત્યાં મંદિર હોવાની વાતનું સમર્થન મળે છે. દ્વારકાને સમુદ્રે ડુબાડી દીધી ત્યારે કોઈ મંદિર બચી ગયાનું મહાભારતના મૌસલ પર્વમાં મળતું નથી. તો ઈ. પૂ. બીજી સદી લગભગના હરિવંશમાં પણ કશો નિર્દેશ મળતો નથી; તેથી આજના સ્થળ ઉપર મંદિર અસ્તિત્વમાં આવ્યું હોય તો તે ઈ. સ.ની પહેલી સદીથી લઈ ચોથી સદી સુધીમાં જ. ગુપ્ત સમ્રાટો ‘પરમ ભાગવત’ હતા એટલે ગુપ્તયુગમાં રચના થઈ હોઈ શકે. અત્યારનું અનેક માળવાળું મંદિર 400થી 500 વર્ષથી જૂનું નથી લાગતું, પણ તળ નજીકની ઊભણી દોઢ-બે હજાર વર્ષ જૂની હોઈ શકે. સ્કંદગુપ્તના સમયમાં ગિરનાર તરફથી ગિરિનગર તરફ જતા માર્ગે સુદર્શન તળાવના પૂર્વ કાંઠે ‘ચક્રભૃત્ વિષ્ણુ’નું મંદિર ઈ. સ. 457માં ગિરિનગરના પ્રતિનિધિ અધિકારી ચક્રપાલિતે કરાવ્યું તે જ આજનું શ્રી દામોદરજીનું મંદિર છે, જેમાં શ્રી દામોદરજી અને કહેવાતાં રાધાજીની (હકીકતે રુક્મિણી યા લક્ષ્મીની) મૂર્તિઓ ઈ. સ. 457 જેટલી પ્રાચીન છે, બેશક ઊભણી એટલી જ પ્રાચીન છતાં ઉપરનું બાંધકામ 400થી 500 વર્ષ જૂનું નથી. તેથી શક્ય છે કે સ્કંદગુપ્તના સમયમાં ‘જગન્મંદિર’ નવી દ્વારકાના તળભાગે દક્ષિણના સમુદ્રતટને મથાળે રચાયું હોય.

જૂનાગઢના પૂર્વસ્વરૂપ ગિરિનગર નજીકના સુવર્ણરેખા નદીના દક્ષિણ કાંઠે ‘ભેંસલા’ નામથી કહેવાતી ડુંગરની ધારની તળેટીના શ્રી દામોદરજીના મૂળ મંદિરમાં મૂર્તિઓ ઈ. સ. 457 જેટલી જૂની સચવાઈ રહી છે, પણ દ્વારકામાં અસલ મૂર્તિ કે મૂર્તિઓ સચવાઈ નથી. મુસ્લિમ આક્રમણોમાં ભાંગતૂટ થઈ હશે અને મરામત પામેલા મંદિરમાં મૂર્તિ તો વૈષ્ણવાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીએ થોડે દૂર પૂર્વમાં આવેલા લાડવા ગામથી પધરાવી પ્રતિષ્ઠિત કરી એ આ જ મંદિરમાં બિરાજે છે.

આમ અસલ દ્વારકા ડૂબી ગયા પછી સમુદ્રકાંઠા ઉપરની સપાટ અને પ્રમાણમાં ઊંચી જમીન ઉપર નવી દ્વારકા છેલ્લાં 2200 વર્ષમાં અસ્તિત્વમાં આવી અને તીર્થનું માહાત્મ્ય પામી, જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશ શ્રીરણછોડજીનું પવિત્ર તીર્થ સંભવિત રીતે ગુપ્તયુગમાં સ્થાપિત થયું અને સમગ્ર ભારતીય ઉપખંડમાંનાં (1) હિમાલયમાં બદરીનાથ, (2) ઓરિસામાં શ્રી જગન્નાથજી, (3) આંધ્રમાં તિરુપતિ બાલાજી અને (4) પશ્ચિમે સૌરાષ્ટ્રમાં શ્રી દ્વારકાધીશ – એમ ચાર વિષ્ણુધામ ભારતીય પ્રજાનાં પરમ યાત્રાધામ બની રહ્યાં. આજનો શ્રી દ્વારકાધીશની સેવાનો ક્રમ પુષ્ટિમાર્ગીય સેવાપ્રણાલી પ્રમાણે શ્રી વલ્લભાચાર્યજી(1472થી 1530)ના સમયમાં ચાલુ થયો.

શંખોદ્ધાર બેટમાં પણ શ્રી દ્વારકાધીશનું મંદિર શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથ ગુસાંઈજી(1515થી 1607 અંદાજે)એ વ્યવસ્થિત કરી આપ્યું. શ્રી વલ્લભાચાર્યજીની ચાર બેઠકો (1) ગોમતીકાંઠે (જગન્મંદિરનાં સમુદ્ર બાજુનાં પગથિયાંની લગભગ સામે), (2) પૂર્વમાં છએક કિમી. મૂળ ગોમતામાં, (3) દ્વારકાથી ગોપીના માર્ગે ગોપીતળાવ ઉપર અને (4) બેટ શંખોદ્ધારમાં શંખોદ્ધાર તળાવ ઉપર, જ્યારે શ્રી ગુસાંઈજીની બેઠક જામનગર-પોરબંદર બાજુથી બંને માર્ગ જોડાય છે, ત્યાંથી ઉત્તરે બરંઢિયા ગામથી પશ્ચિમે સાંબ લક્ષ્મણના મંદિરના ખંડેરોની નજીક આવેલી છે. આ રીતે દ્વારકાનો વિસ્તાર વૈષ્ણવોનું તીર્થધામ બની રહ્યો છે.

અત્રે નોંધવું જોઈએ કે શ્રીકૃષ્ણના સમયની દ્વારકા સમુદ્રે ડુબાડી દીધી એ દ્વારકાના અવશેષ આજની દ્વારકા નજીકના સમુદ્રમાં દરિયાઈ પુરાતત્ત્વ(Marine Archaeology)ના સંશોધક એસ. આર. રાવે  શોધી અસલ સ્થાન નિશ્ચિત કરી આપ્યું છે. અસલ દ્વારકા આજથી પાંચ હજાર વર્ષ ઉપર હતી એ પૌરાણિક મત પ્રાપ્ત પ્રમાણોથી સિદ્ધ થઈ શક્યો નથી.

કે. કા. શાસ્ત્રી