દ્વાદશાર નયચક્ર

March, 2016

દ્વાદશાર નયચક્ર (ઈ. સ.ની ચોથી શતાબ્દી) : વિશિષ્ટ પ્રકારનો અતિ મહત્વનો પ્રાચીન સંસ્કૃત દર્શનસંગ્રહ. સંભવત: વલભીપુરના વતની મહાતાર્કિક ‘વાદિપ્રભાવક’ મલ્લવાદી ક્ષમાશ્રમણે આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથનામ અન્વર્થક છે. જેમ રથના ચક્રમાં બાર આરા હોય છે તેમ આમાં પણ અરાત્મક બાર પ્રકરણો છે. એક એક અરમાં વિધિ આદિ બાર નયોના નિરૂપણમાં તે તે નય સાથે સંબંધ ધરાવતા તે સમયના બધા જ દાર્શનિક વિચારોને મલ્લવાદીએ નયચક્રમાં સમાવી લીધા છે. જેમ ચક્રના અરો નાભિ સાથે જોડાયેલા હોય તો જ ટકી રહે છે તેમ આ નયરૂપી અરો પણ સ્યાદવાદરૂપ નાભિ વિના ટકી શકતા નથી એમ દર્શાવ્યું છે. તે સમયનાં સર્વદર્શનોની વિચારણા તેમાં હોવાથી દાર્શનિક વિચારોનું સ્વરૂપ તથા ઇતિહાસ જાણવા માટે તે અત્યંત ઉપયોગી છે. ગ્રંથ-ગ્રંથકારોનાં નામોના અને પાઠોના અન્યત્ર દુર્લભ એવા અનેક ઉલ્લેખો એમાં વિપુલ પ્રમાણમાં છે. અત્યારે અનુપલબ્ધ એવા મહત્વના ગ્રંથોમાંથી ઘણાં ઉદ્ધરણો તેમાં મળે છે. કુમારિલ–ધર્મકીર્તિના પૂર્વકાલીન અને દિઙ્નાગના સમીપકાલીન સિંહસૂરિ ક્ષમાશ્રમણે દ્વાદશાર નયચક્ર ઉપર અઢાર હજાર શ્લોક પ્રમાણે વિસ્તૃત સંસ્કૃત ટીકા લખી છે. આ ટીકા સાથે નયચક્રનું સંપાદન મુનિશ્રી જંબૂવિજયજીએ કર્યું છે અને તે જૈન આત્માનંદ સભા, ભાવનગરથી પ્રકાશિત થઈ છે.

નગીનભાઈ જીવણલાલ શાહ