દ્રૌપદી : મહાભારતનું મુખ્ય સ્ત્રી-પાત્ર. દ્રૌપદી એટલે પાંચાલરાજા દ્રુપદની સાધ્વી પુત્રી, જેનું પ્રાકટ્ય, શચીના અંશથી યજ્ઞકુંડમાંથી થયું હતું. એનું સૌન્દર્ય અનુપમ હતું અને કાંતિ ગૌર હોવા છતાં વર્ણ થોડો શ્યામ હોવાને કારણે, પિતાએ તેને મજાકમાં ‘કૃષ્ણા’ કહી, તેથી તેને ‘કૃષ્ણા’ નામ પણ મળ્યું.

એના સ્વયંવરમાં વિભિન્ન દેશોમાંથી રાજાઓ આવ્યા હતા, પરંતુ સ્વયંવર-શરત પ્રમાણેનો લક્ષ્યવેધ તો એકમાત્ર અર્જુન જ કરી શક્યો, જેના કંઠમાં તેણે વરમાળા પહેરાવી. પાંડવો તે સમયે કુન્તી સાથે કુંભારના ઘરમાં રહેતા હતા. પુત્રોએ માતાને કહ્યું : ‘‘આજે અમે મોટી પ્રાપ્તિ કરી છે,’’ ત્યારે માતાએ રોજના નિયમ પ્રમાણે સહજભાવે સૂચવ્યું : ‘‘એને સરખે હિસ્સે વહેંચીને ભોગવો !’’ પરિણામે, દ્રૌપદીને અર્જુન પ્રત્યે સવિશેષ પ્રેમ હોવા છતાં, તે પાંચેય પાંડવોની ધર્મપત્ની બની. આથી દ્રુપદ નારાજ થયો, પરંતુ વ્યાસે તેને દ્રૌપદીનો પૂર્વજન્મ-વૃત્તાન્ત સંભળાવ્યો. પાંચ પતિ વિશેના શંકર-ભગવાનના વરદાનની વાત કરી અને દ્રૌપદીને સ્વર્ગલોકની લક્ષ્મી તરીકે વર્ણવી, તેથી દ્રુપદને મનમાં શાંતિ થઈ. પછી તો ધૌમ્યમુનિએ પ્રત્યેક પાંડવ સાથે તેના વિધિપૂર્વક વિવાહ-સંસ્કાર સંપન્ન કર્યા.

કૌરવો સાથેના દ્યૂતપ્રસંગે, છેલ્લે, યુધિષ્ઠિર દ્રૌપદીને પણ હોડમાં મૂકીને હારી ગયા, દુ:શાસન તેના કેશ ખેંચીને દ્યૂતસભામાં લઈ આવ્યો અને ભરસભામાં તેનું રજસ્વલા અવસ્થામાં હોવા છતાં વસ્ત્રાહરણ કરવા લાગ્યો ત્યારે, એક સતી સન્નારી તરીકે, તેણે શ્રીકૃષ્ણને આર્તભાવે પ્રાર્થના કરી, ભગવાને સ્વયં વસ્ત્રરૂપ બનીને તેનું લજ્જારક્ષણ કર્યું અને ઈશ્વરશ્રદ્ધાની કસોટીમાં તે સફળ થઈ; પરંતુ તે પહેલાં : “સ્વયં હારી ચૂકેલા યુધિષ્ઠિરને મને હોડમાં મૂકવાનો અધિકાર હોઈ શકે ? મને ન્યાય આપો !” એવો પુણ્યપ્રકોપયુક્ત પ્રસ્તાવ તેણે ભીષ્મ, દ્રોણ, વિદુર, ધૃતરાષ્ટ્ર વગેરે સમક્ષ આક્રોશપૂર્વક મૂક્યો ત્યારે, સમગ્ર સભામાં સન્નાટો વ્યાપી ગયો અને એ વૃદ્ધો પણ શરમિંદા –ભોંઠા–મૂંગા થઈ ગયા હતા.

કીચકના મહેલ ભણી પ્રયાણ કરી રહેલી ચિંતાવ્યથિત દ્રૌપદી
(રાજા રવિવર્માનું કલ્પનાચિત્ર)

દ્યૂતની શરત પ્રમાણે, પરાજિત પાંડવો બાર વર્ષ વનમાં અને તેરમું વર્ષ અજ્ઞાતવાસમાં રહ્યા તે દરમિયાન, યુધિષ્ઠિરની કડક ધર્મપાલન-શિસ્તથી દ્રૌપદીની અસહિષ્ણુતા અનેક વાર પરાકાષ્ઠાએ પહોંચી જતી તે છતાં, આ સમગ્ર સમયગાળામાં તે, સાચા અર્થમાં, પતિઓની ‘સહધર્મચારિણી’ બની રહી હતી. 60,000 શિષ્યો સાથે દુર્વાસા અતિથિ તરીકે આવ્યા ત્યારે, એની એકનિષ્ઠ કૃષ્ણભક્તિએ જ પાંડવોના આતિથ્યધર્મનું સંરક્ષણ કર્યું હતું. અજ્ઞાતવાસ દરમિયાન વિરાટરાજાના સાળા કીચકે તેના પર કુર્દષ્ટિ કરી ત્યારે, રાણી સુદેષ્ણાની દાસી ‘સૈરન્ધ્રી’ તરીકે રહેતી દ્રૌપદીએ પ્રચ્છન્ન રીતે ભીમને મળીને કીચકવધ-પ્રસંગનું સફળ આયોજન કર્યું. તેમાં તેની હિંમત, પ્રગલ્ભતા અને સૂઝનાં દર્શન થાય છે અને કૌરવોએ વિરાટનગરી પર આક્રમણ કર્યું ત્યારે, બૃહન્નલારૂપધારી અર્જુનને સારથિ બનાવીને નિર્ભયતાપૂર્વક લડવાનું સૂચન પણ તેણે જ ગભરાયેલા ઉત્તરકુમારને કર્યું હતું.

વનવાસ-સમાપ્તિ પછી, શાંતિદૂત તરીકે કૌરવો પાસે જતા શ્રીકૃષ્ણ સમક્ષ, પોતાનાં કેશ-વસ્ત્રાકર્ષણ અને પાંડવોનાં અન્યાય-અપમાનનાં દુ:ખદ સ્મરણો રજૂ કરીને દ્રૌપદીએ યુદ્ધના પ્રસ્તાવનું જુસ્સાપૂર્વક સમર્થન કર્યું હતું.

યુદ્ધમાં પાંડવ-વિજયની રાત્રે અશ્વત્થામાએ પાંડવશિબિરમાં છૂપી રીતે પ્રવેશીને દ્રૌપદીના પાંચેય પુત્રોની નિર્મમ હત્યા કરી ત્યારનું દ્રૌપદીનું આક્રંદ સહુ માટે હૃદયવિદારક બની રહ્યું; પરંતુ અશ્વત્થામા-વધ માટે પાંડવોને પ્રેરતી એ જ દ્રૌપદીએ, પકડી આણવામાં આવેલા, અશ્વત્થામાનો મસ્તક-મણિ યુધિષ્ઠિરને સોંપીને પુત્ર-હત્યારાને જીવતો જવા દીધો એમાં દ્રૌપદીનું વત્સલ માતૃહૃદય પ્રતીત થાય છે.

યુધિષ્ઠિરે રાજ્યધુરા સંભાળ્યા પછી, દ્રૌપદીએ કુન્તી ઉપરાંત, ધૃતરાષ્ટ્ર-ગાંધારીની પણ ખૂબ સેવા કરી અને અનેક વર્ષો પછી એ ત્રણેય વનમાં સંચર્યાં ત્યારે તેણે તેમને સ-વિલાપ વિદાય આપી; એટલું જ નહિ, પણ ત્યારપછી યુધિષ્ઠિર સાથે તેમનાં દર્શને પણ તે જતી હતી.

મહાપ્રસ્થાન દરમિયાન, માર્ગમાં પતિઓ સાથે તે હંમેશ અગ્રેસર રહી અને સૌપ્રથમ અવસાન પણ કર્મન્યાયે એનું જ થયું.

સ્વર્ગલોકમાં યુધિષ્ઠિરે દિવ્યકાંતિથી શોભતી દ્રૌપદીનાં દર્શન કર્યાં અને મૃત્યુલોકમાંથી સ્વર્ગમાં આવેલી લક્ષ્મી તરીકે તેનો પરિચય ઇન્દ્રને આપ્યો.

જૈન પરંપરા પ્રમાણે દ્રૌપદી સોળ સતીઓમાંની એક છે અને પુરાણોમાં તેની ગણના અહલ્યા, સીતા, તારા અને મંદોદરી સાથે પ્રાત:સ્મરણીય પાપનાશક પાંચ સતીઓમાં થાય છે.

જયાનંદ દવે