દ્રોણ : મહાભારતનાં મુખ્ય પાત્રોમાંનું એક. મહર્ષિ ભરદ્વાજના તેઓ પુત્ર. સ્નાન પછી વસ્ત્રો બદલતી અપ્સરા ઘૃતાચીના સૌન્દર્યદર્શને અનર્ગલ કામાવેશાવસ્થામાં ભરદ્વાજનું વીર્ય સ્ખલિત થયું, જેને તેમણે ‘દ્રોણ’(યજ્ઞકલશ)માં સાચવી રાખ્યું. તેમાંથી પુત્રનો જન્મ થયો, જેથી તેને ‘દ્રોણ’ નામ મળ્યું.
આચાર્ય અગ્નિવેશના ગુરુકુળમાં દ્રોણ દ્રુપદના સહાધ્યાયી સુહૃદ હતા, ત્યારે દ્રુપદે તેમને સહાયવચનો આપેલાં, પરંતુ ત્યારપછી દરિદ્ર દ્રોણ રાજા દ્રુપદ પાસે ગયા ત્યારે દ્રુપદે તેમનો તિરસ્કાર કર્યો. આ અપમાન દ્રોણ માટે અસહ્ય નીવડ્યું.
વેદ-વેદાંગો તથા સર્વ શાસ્ત્રોમાં બહુશ્રુત દ્રોણ શસ્ત્રાસ્ત્રવિદ્યાના પણ તજ્જ્ઞ હતા. અસ્ત્રવિદ્યામાં તો પરશુરામ તેમના ગુરુ હતા. સમાજમાં પ્રથમ પંક્તિના શસ્ત્રશાસ્ત્રજ્ઞ તરીકે લબ્ધપ્રતિષ્ઠ દ્રોણ શરદ્વાનપુત્રી કૃપીને પરણ્યા. અશ્વત્થામા તેમનો એકનો એક લાડકો પુત્ર હતો. દરિદ્ર દશામાં ભમતાં, તેઓ હસ્તિનાપુર આવ્યા. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વનો પરિચય થતાં, ભીષ્મની ભલામણથી, કૌરવ-પાંડવોના આચાર્યપદે તેઓ નિયુક્ત થયા. આ દરમિયાન ધનુર્વિદ્યા શીખવા તેમની પાસે આવેલા નિષાદપુત્ર એકલવ્યની વિનંતીનો તેમણે અસ્વીકાર કર્યો. દ્રોણની મૃત્તિકામૂર્તિને ગુરુપદે સ્થાપીને એકલવ્ય ધનુર્વિદ્યા-નિષ્ણાત થયો. આશીર્વાદ માટે દ્રોણ સમક્ષ તે આવ્યો ત્યારે, અર્જુનને ખુશ કરવા, ગુરુદક્ષિણામાં તેમણે તેનો અંગૂઠો માગી લીધો.
બે કારણે અર્જુન પ્રત્યે તેમને પક્ષપાત હતો. મગરના જડબામાં ફસાયેલા દ્રોણાચાર્યને અર્જુને બચાવ્યા, તેથી આચાર્યે તેને ‘બ્રહ્મશિરસ્’ અસ્ત્ર ભેટ આપ્યું હતું અને ગુરુદક્ષિણા તરીકે દ્રુપદને બંદીવાન બનાવીને હાજર કરવામાં એકમાત્ર અર્જુન જ સફળ થયો હતો. ઉપાલંભોના પ્રહાર વડે દ્રુપદની માનહાનિ કરીને, અર્ધું રાજ્ય પાછું આપીને પછી દ્રોણે તેને છોડી મૂક્યો હતો.
કુરુક્ષેત્રયુદ્ધ-પ્રસંગે, અંત:કરણગત અનિચ્છા છતાં, વફાદાર રાજ્યાશ્રિત વ્યક્તિવિશેષ તરીકે, તેઓ કૌરવપક્ષે લડ્યા. યુદ્ધના દશમા દિવસે, ભીષ્મપતન પછી, પંદરમા દિવસ સુધી, તેઓ કૌરવોના સેનાધિપતિ રહ્યા. પ્રચંડ રૌદ્રરૂપ ધારણ કરીને તેમણે પાંડવસેનાનો મહાસંહાર આદર્યો ત્યારે, શ્રીકૃષ્ણની સલાહ અનુસાર અશ્વત્થામા-હત્યા વિશેના યુધિષ્ઠિરના અર્ધસત્યકથનના આધારે, પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તેમણે શસ્ત્રત્યાગ કર્યો અને ધૃષ્ટદ્યુમ્ને ખડ્ગ વડે તેમનો શિરચ્છેદ કર્યો; પરંતુ તેને બ્રહ્મહત્યાનું પાપ ન લાગે, તે ઉદ્દેશથી દ્રોણે યોગાવસ્થા ધારણ કરીને સમાધિમરણ પસંદ કર્યું.
વ્યાસના આવાહનના પરિણામે, કૌરવપાંડવ બંને પક્ષના પરલોકવાસી વીરોની સાથે દ્રોણ પણ ગંગાજળમાંથી પ્રગટ થયા પછી તે સહુની સાથે તેમને પણ સ્વર્ગપ્રાપ્તિ થઈ. સ્વર્ગમાં બૃહસ્પતિ સાથે તેમનો મેળાપ થયો અને તેમના જ અંશથી જન્મેલા દ્રોણ તેમનામાં જ અંતે લીન થઈ ગયા.
જયાનંદ દવે