દ્રાક્ષ : દ્વિદળી વર્ગમાં આવેલા વાઈટેસી કુળની મોટી પર્ણપાતી આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vitis vinifera Linn. હિં. અંગુર; ગુ. મ. તે. કન્ન. ઓ. દ્રાક્ષ; અં. common grape છે. તે આરોહણની ક્રિયા પર્ણની સામે આવેલા લાંબા, ઘણુંખરું દ્વિશાખી સૂત્ર દ્વારા કરે છે. પ્રકાંડ લગભગ 35 મી. લાંબું હોય છે. જોકે છાંટણીને કારણે ઘણું ઘટી જાય છે. પર્ણો 3થી 5 કે 7 ખંડી, ઉપરની સપાટીએ અરોમિલ અને નીચેની સપાટી ભૂખરા રોમવાળી, પર્ણકિનારી અનિયમિત રીતે દંતુરવાળી, પુષ્પો લીલાં, પર્ણની સામે લઘુ પુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે આવેલાં, લઘુ પુષ્પગુચ્છ પરિમિત પુષ્પ-વિન્યાસનો બનેલો, ફળ અનષ્ઠિલ, ગોળ કે અંડાકાર, લીલાં, જાંબલી અથવા વાદળી પડતાં કાળાં, ખાદ્ય, મોટેભાગે મીઠાં, બીજ 2થી 4.
તે શીતકટિબંધનો ખૂબ અગત્યનો ફળપાક છે અને વિશ્વમાં ફળપાકોના વિસ્તારમાં પ્રથમ સ્થાન ધરાવે છે. વિશ્વમાં દ્રાક્ષ હેઠળનો વિસ્તાર આશરે 105 લાખ હેક્ટરનો છે. દ્રાક્ષના ઉત્પાદનનો 80 % ભાગ દારૂ બનાવવામાં વપરાય છે. 10 % ભાગ કિસમિસ (સૂકી દ્રાક્ષ) બનાવવામાં વપરાય છે. 10 % જેટલું ઉત્પાદન ફળ તરીકે ખાવામાં વપરાય છે. યુરોપમાં ભૂમધ્ય સમુદ્રના પ્રદેશો જેવા કે ફ્રાન્સ, સ્પેન તથા ઇટાલી અને અમેરિકા વગેરે દેશોમાં દ્રાક્ષનું વાવેતર ઘણું થાય છે. ભારતમાં પણ સ્વાતંત્ર્ય પહેલાં દ્રાક્ષનું વાવેતર થોડા પ્રમાણમાં હતું. તે 600 હેક્ટરથી વધીને 1962માં 3000 હેક્ટરનું થયું; પરંતુ હાલમાં દ્રાક્ષનું વાવેતર કૂદકે અને ભૂસકે વધતાં 17,000 હેક્ટર સુધી પહોંચેલ છે. ભારતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિળનાડુ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં વત્તાઓછા પ્રમાણમાં દ્રાક્ષની ખેતી થાય છે. ભારતમાં દ્રાક્ષની ખેતીમાં મહારાષ્ટ્ર મોખરે છે (6400 હેક્ટર), ત્યારબાદ કર્ણાટક (5700 હેકટર આવે છે. દ્રાક્ષના વાવેતર માટે ખૂબ જાણીતા અને મહત્ત્વના વિસ્તાર મહારાષ્ટ્રમાં નાસિક અને પુણે, આંધ્રપ્રદેશમાં હૈદરાબાદ અને ઔરંગાબાદ તથા પંજાબ અને હરિયાણા રાજ્યોમાં છે. પંજાબ અને હરિયાણામાં દ્રાક્ષનો વિસ્તાર ખૂબ ઝડપથી વધી રહેલ છે. ગુજરાતમાં પહેલાં આશરે 50.6 હેક્ટર વિસ્તારમાં દ્રાક્ષનું વાવેતર થયું હતું અને અગત્યનાં કેન્દ્ર જૂનાગઢ, માંગરોળ, અમરેલી, મુન્દ્રા, કચ્છ વગેરે હતાં. હવે દ્રાક્ષનું વાવેતર આર્થિક ર્દષ્ટિએ ગુજરાતમાં પોષણક્ષમ રહેલ નથી.
દ્રાક્ષની ખેતી માટે ગરમ, સૂકી, વરસાદ વિનાની ઉનાળુ ઋતુ અને સાધારણ ઠંડો અને ટૂંકો શિયાળો વધુ અનુકૂળ આવે છે. જે પ્રદેશમાં 250 થી 1000 મિમી. વરસાદ હોય ત્યાં ખેતી સારી રીતે કરી શકાય છે. છાંટણી વખતે 30o સે. ની આસપાસ તાપમાન રહેવું જરૂરી છે. છાંટણી બાદ માવઠું અથવા હિમ પાકને નુકસાન કરે છે અને ફળની ગુણવત્તા બગડે છે. ઠંડા પવનથી રક્ષણ માટે એરંડા અથવા શેવરીની પવનઅવરોધક વાડ આવશ્યક ગણાય.
હલકી તથા ફળદ્રૂપ જમીનમાં દ્રાક્ષની ખેતી થઈ શકે છે. સમગ્રતયા સારા નિતાર તથા ચૂનાના તત્ત્વવાળી જમીન વધુ માફક આવે છે. તેનાં મૂળ 60થી 90 સેમી. ઊંડાં હોય છે. આથી બહુ ઊંડી જમીન ન હોય તોપણ ચાલે.
દ્રાક્ષનું પ્રસર્જન કટકા-કલમથી થાય છે. એપ્રિલ અથવા ઑક્ટોબરની છાંટણી વખતે ચારથી પાંચ સારી આંખો ધરાવતા દાતણ જેટલી જાડાઈના કટ પસંદ કરી તેને ક્યારાઓમાં અથવા પૉલિથીનની કોથળીઓમાં મૂલોત્પાદન માટે રોપવામાં આવે છે. અગાઉ 3 : 3 : 50 ના બોર્ડો મિશ્રણની તથા ઝડપી અને સારા મૂલોત્પાદન માટે સીરેડીક્સ-બી અથવા ટૉરૂન જેવા હૉર્મોનોની માવજત ઇચ્છનીય હોય છે. રોપેલા કટકા ચારથી પાંચ માસમાં રોપવાલાયક થઈ જાય છે.
હેક્ટરે 50 ટન છાણિયા અથવા ગળતિયા ખાતર સાથે ક્લોરડેન 5 % ડસ્ટ 25થી 30 કિગ્રા. નાખી હળની તથા કરબની ચાર ચાર ખેડ કરી સમાર મારી બે હાર વચ્ચે ચાર મીટર અને બે છોડ વચ્ચે 2.75 મીટર અંતર રાખી 1 મીટર લાંબા, પહોળા, ઊંડા ખાડા ખોદવામાં આવે છે. હાર હંમેશાં ઉત્તર-દક્ષિણ દિશામાં રખાય છે જેથી દ્વિતીય શાખા તે જ દિશામાં વાળી શકાય અને સૂર્યના પૂરેપૂરા તડકાનો લાભ લઈ શકાય. ઓછા નિતારવાળી જમીનમાં ખાડા ખોદવાને બદલે હાર ઉત્તર-દક્ષિણ રહે તે રીતે ચાર મીટરના અંતરે એક મીટર પહોળી અને એક મીટર ઊંડી ચર ખોદી તેમાં મધ્યમ કદનાં ઈંટોનાં રોડાં અથવા મુરમનો એકથી દોઢ સેમી.નો થર કરવામાં આવે છે. ખાડા અથવા ચર તૈયાર થયા બાદ હેકટરે 200 કિગ્રા. ફૉસ્ફરસ (1250 ક્ગ્રિા. સિંગલ સુપર ફૉસ્ફેટ), 500 કિગ્રા. પોટાશ (1000 કિગ્રા. સલ્ફેટ ઑવ્ પોટાશ), 2.5 ટન દિવેલીનો ખોળ તથા 7.5 ટન છાણિયું ખાતર ચરમાં અથવા ખાડામાં અપાય છે. ખાડા તથા ચરની ગણતરી કરી દરેકમાં ખાતર તથા માટીનું સરખા પ્રમાણમાં મિશ્રણ કરી એકસરખું ભરવામાં આવે છે અને ત્યારબાદ અપાય છે .માટી બેસી ગયેથી રોપણી કરવી પડે છે. એપ્રિલ તથા ઑક્ટોબર છાંટણીમાંથી તૈયાર થયેલ રોપનું વાવેતર અનુક્રમે ઑકટોબર અને જાન્યુઆરી માસ દરમિયાન થઈ શકે. છોડનું થડ સીધું રહે તે માટે રોપણીની શરૂઆતથી જ છોડની બાજુમાં 2.5 મીટર લાંબો વાંસનો સીધો ટેકો મુકાય છે. છોડનો વિકાસ થતો રહે તેમ થડને કપડાની પટ્ટીથી વાંસના ટેકા સાથે 15–15 સેમી.ના અંતરે બાંધવાનું કામ નિયમિત કરવામાં આવે છે. તેવી જ રીતે મુખ્ય છોડ ઉપર જે નવી ફૂટ થાય તેને જૂનાં બે પાન રાખી કાઢતા રહેવાનું હોય છે. છોડ મંડપની ઊંચાઈ સુધી પહોંચે ત્યારે તેની આશરે 15 સેમી. નીચે છોડના મુખ્ય થડની ટોચનો ભાગ આંખ રાખીને કાપી નંખાય છે અને છોડમાંથી બે ડાળીઓ નીકળવા દેવી પડે છે, જેને મુખ્ય (primary) ડાળી કહે છે.
દ્રાક્ષની ખેતીમાં વેલાની કેળવણી (training) અને છાંટણી-(pruning)નું કાર્ય તેના વિકાસ તથા સારી ગુણવત્તાવાળાં ફૂલોત્પાદન માટે ખૂબ મહત્વનું ગણાય છે. કેળવણીની મુખ્ય ચાર પદ્ધતિઓ પ્રચલિત છે :
(1) નીફન–પદ્ધતિ : આ પદ્ધતિથી ફળનાં વધુ ઝૂમખાં બેસે છે. આ પદ્ધતિમાં 7થી 8 મીટર દૂર એક જ લાઇનમાં લોખંડ, સિમેન્ટ અથવા લાકડાના જમીનની સપાટીથી બે મીટર ઊંચા થાંભલા નાંખી તેના ઉપર 10થી 12 ગેજના બે ગૅલ્વનાઇઝ્ડ તાર જમીનથી દોઢ અને બે મીટર ઊંચે ઊભા થાંભલા ઉપર આડા ખેંચવામાં આવે છે. એકી નંબરના છોડને તાર તથા બેકી નંબરના છોડને નીચેના તાર ઉપર બંને બાજુ કેળવવામાં આવે છે.
(2) કૉર્ડન–પદ્ધતિ : નીફન પદ્ધતિમાં જણાવ્યા મુજબ મંડપ બનાવ્યા બાદ એકી તથા બેકી નંબરના છોડની મુખ્ય ડાળીઓને અનુક્રમે ઉપલા તથા નીચલા તાર ઉપર એક જ દિશામાં કેળવવામાં આવે છે.
(3) મંડપ–પદ્ધતિ : અનાબે શાહી તથા કાળી સાહેબી જેવી વધુ વિકાસ પામતી જાતો માટે આ પદ્ધતિનો ઉપયોગ ખાસ કરીને હૈદરાબાદ અને ઉત્તરપ્રદેશમાં વધુ થાય છે. છોડની બે મુખ્ય ડાળીઓને પૂર્વ-પશ્ચિમ તાર ઉપર ત્રણ મીટરની લંબાઈ સુધી પહોંચે ત્યારે તેને છેડેથી કાપી નખાય છે. મુખ્ય ડાળીઓમાંથી બંને બાજુ 60 સેમી.ના અંતરે ઉપશાખારૂપ ડાળીઓ નીકળવા દેવાય છે. તેની લંબાઈ બે મીટર રખાય છે. દ્વિતીય ડાળીઓમાંથી જે ડાળીઓ ફૂટે છે તેને પેટાડાળ (tertiary shoots) કહે છે અને તેની છાંટણી ઑક્ટોબર માસમાં કરવાથી જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં તેમાંથી ફળ મળે છે.
(4) ટેલિફોન–પદ્ધતિ : આ પદ્ધતિમાં તારની ગોઠવણી ટેલિફોનના તારની ગોઠવણી માફક કરવામાં આવે છે. આ પદ્ધતિમાં બધા જ છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે છે. દ્રાક્ષના ઝૂમખાનો રંગ, ફળની પરિપક્વતા અને ગુણવત્તા સુધરે છે. જીવાત-રોગનું પ્રમાણ ઓછું રહે છે તથા જીવાત અને રોગનાશક દવાઓના છંટકાવમાં, અન્ય કૃષિકાર્યોમાં તેમજ પાકેલી દ્દાક્ષની કાપણીમાં સુગમતા રહે છે. આ બધાં કારણોને લીધે પ્રમાણમાં આ પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે.
છાંટણી : ગુજરાતમાં છાંટણી એપ્રિલ તથા ઑક્ટોબર માસ દરમિયાન – એમ બે સમય દરમિયાન કરવામાં આવે છે. આથી તે એપ્રિલ-છાંટણી અને ઑક્ટોબર-છાંટણી કહેવાય છે. એપ્રિલની છાંટણી માર્ચના છેલ્લા અથવા એપ્રિલના પહેલા પખવાડિયામાં દિવસનું તાપમાન 34° થી 38° સે. રહેતું હોય ત્યારે કરવામાં આવે છે. છાંટણીના બે દિવસ અગાઉ તેનાં બધાં જ પાન કાઢી નાખ્યા બાદ ઉપશાખા ઉપર એક બે સારી ભરાવદાર આંખો રાખી છાંટણી કરવામાં આવે છે. ત્યારબાદ 20થી 25 દિવસ પછી દ્વિતીય ડાળ ઉપર 30 સેમી. લંબાઈની ત્રણ સારી વિકાસ પામેલી પેટાડાળ રાખી બાકીની વધારાની પેટાડાળ મૂળમાંથી કાઢી નંખાય છે. ચોમાસા દરમિયાન પેટાડાળની લંબાઈ 7–8 સેમી. થી વધુ થવા દેવાતી નથી અને જો થાય તો ચૂંટી કઢાય છે.
ફળ લેવા માટેની છાંટણી ઑક્ટોબરના બીજા કે ત્રીજા અઠવાડિયા દરમિયાન દિવસનું તાપમાન 30o સે. થી વધુ રહેતું ન હોય ત્યારે કરાય છે. પેટાડાળ ઉપર કેટલી આંખો રાખી છાંટણી કરવી તેનો આધાર દ્રાક્ષની જાત અને પેટાડાળની પરિપક્વતા ઉપર રહે છે. આમ છતાં, સામાન્ય રીતે ગુલાબીમાં 4, થૉમસન સીડલેસમાં 8થી અને બાકીની જાતોમાં 6થી 7 આંખો રાખી છાંટણી કરવામાં આવે છે.
છાંટણીનું કાર્ય પતી ગયા બાદ દેશી હળથી અથવા લોખંડી હળથી થોડાં મૂળ તૂટે તેવી રીતની ખેડ કરવી જરૂરી છે. જરૂરી સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો માટીમાં મિશ્ર કરી પાણી આપવામાં આવે છે. પહેલા પાણ બાદ બીજું પાણ 20થી 25 દિવસે અપાય છે. જો ફૂલ પૂરતાં બેઠાં ન હોય અને પાણીની ખેંચ ન જણાતી હોય તો પાણી થોડું થોડું અપાય છે.
સામાન્ય રીતે દ્રાક્ષને મધ્યમ પ્રમાણમાં નાઇટ્રોજન અને વધુ પ્રમાણમાં પોટાશ સિવાય વધુ ખાતરની જરૂરિયાત હોતી નથી, પરંતુ ભારતમાં છોડનો વિકાસ આખું વર્ષ ચાલુ રહેતો હોવાથી ખાતરના પ્રમાણમાં પ્રદેશવાર વિવિધતા છે. મહારાષ્ટ્રમાં એપ્રિલ-છાંટણી બાદ છોડદીઠ 40 કિગ્રા. છાણિયું ખાતર, હાડકાંનો ભૂકો, પોટૅશિયમ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ દરેકનો 50 કિગ્રા. જથ્થો આપવામાં આવે છે. જોકે ખાતરનું આ પ્રમાણ વધારે ગણાય. પરંતુ ઑક્ટોબર-છાંટણી બાદ ખાતર અપાતું નથી. ગુજરાતમાં 20 : 10 : 10 ના પ્રમાણનું એન. પી. કે મિશ્ર ખાતર હેક્ટરે કિગ્રા. તથા 100 કિગ્રા. મગફળીનો ખોળ બે સરખા જથ્થામાં ઑક્ટોબર-છાંટણી વખતે તથા ત્યારબાદ 40થી 50 દિવસે આપવામાં આવે છે.
વૃદ્ધિનિયંત્રકની માવજત : હૈદરાબાદ, ઉરૂલીકાંચન, જૂનાગઢ વગેરે સ્થળોએ દ્રાક્ષના ફળનું કદ વધારવા વૃદ્ધિનિયંત્રક જીબરેલિક ઍસિડની માવજત આપવાના અખતરાઓ થયેલા છે. ઉરૂલીકાંચન ખાતે જીબરેલિક ઍસિડનું 80 પી. પી. એમ.ના દ્રાવણમાં દ્રાક્ષના મગના દાણા જેટલું કદ હોય ત્યારે ઝૂમખાં બોળવાથી વધુ ફાયદો થયેલો છે. જૂનાગઢ ખાતે 50 પી. પી. એમ. દ્રાવણથી અખતરો થયેલ છે. ઉપરાંત ઝૂમખામાં દાણાનું પ્રમાણ ઓછું કરી ફળનું કદ વધારવાનો અખતરો પણ થયેલો; પરંતુ ખાસ સફળતા મળી ન હતી. હવે તો દ્રાક્ષના વ્યાપારિક ધોરણે થતા વાવેતરના લગભગ બધા ખેડૂતો જીબરેલિક ઍસિડની માવજત કરતા થઈ ગયા છે.
જાતોનું વર્ગીકરણ : દ્રાક્ષની એકંદરે સો ઉપર જાતો છે; પરંતુ સામાન્ય રીતે પચ્ચીસેક જાત ભારતમાં થાય છે. તેમાં મુખ્યત્વે ભોકરી, ફકડી, સિલેક્શન–7, સિલેક્શન–94, અનાબે શાહી, બૅંગાલુરુ પર્પલ, ગુલાબી, કંધારી, થૉમ્પ્સન સીડલેસ, પરલેટી, કૅલિફૉર્નિયા સીડલેસ, પંઢરી સાહેબી, કાલી સાહેબી વગેરે જાતો વાવેતરમાં પ્રચલિત છે. દ્રાક્ષની જાતોનું ગુણધર્મ પ્રમાણે આ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવેલ છે : (1) ખાવા માટેની દ્રાક્ષ: થૉમ્પ્સન સીડલેસ, અનાબે શાહી, પંઢરી સાહેબી વગેરે. (2) સૂકી દ્રાક્ષ માટે સુલતાના અથવા કિસમિસ જેમાં ખાંડનું પ્રમાણ વધુ તથા ખટાશ પ્રમાણમાં ઓછી હોય છે. (3) રસ માટે : ગુલાબી વગેરે દારૂ અથવા રસ માટે. તેમાં ખાંડનું પ્રમાણ વધારે તથા તે સહેજ ખાટી તથા સુગંધવાળી હોય છે.
વધુ ઉત્પાદન આપતી જાતો ભોકરી, ફકડી, સિલેક્શન–7, સિલેક્શન–94, અનાબે શાહી, બૅંગાલુરુ પર્પલ વગેરે છે. દૂરનાં અંતરે લઈ જવામાં બગડે નહિ તથા ઓછું ઉત્પાદન આપતી જાતોમાં ગુલાબી, કંધારી, થૉમ્પ્સન સીડલેસ, કાલી સાહેબી, ઇટાલિયન ઇલિક્વીના વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં બી વગરની અને વધારે મીઠાશવાળી થૉમ્પ્સન સીડલેસ જેવી જાતની ખૂબ માંગ રહે છે; પરંતુ કમનસીબે ભારતના ઘણા પ્રદેશોમાં તે અનુકૂળ રહેતી નથી. વધારે ઉત્પાદન બીજવાળી જાતોમાં મળે છે. મોટા પ્રમાણમાં વવાતી જાત ભોકરી છે. તે વધુમાં વધુ ઉત્પાદન આપે છે; પરંતુ ફળની ગુણવત્તા મધ્યમસરની છે તથા સાચવણીમાં નબળી છે. ઉત્તર ભારતમાં તે માફક આવતી નથી. ત્યાં સિલેક્શન–7 જાત વધુ અનુકૂળ રહે છે અને સાચવણીમાં પણ સારી રહે છે. લંબગોળ, દાણાવાળી બીજી જાત સિલેક્શન–94 ગુણવત્તા તથા ઉત્પાદનમાં સારી ગણાય છે.
દ્રાક્ષના રોગો : ભારતમાં દ્રાક્ષના છોડને નુકસાન કરતા રોગો. તેમાંથી પીંછારો, ભૂકી છારો, અને કાલવ્રણ દર વર્ષે નુકસાન કરતા હોવાથી પાકમાંથી નહિવત્ આવક થાય છે, જ્યારે ગેરુ અને ભૂખરાં ખૂણિયાં ટપકાંનો રોગ પણ નોંધાયેલ છે.
1. પીંછારો (તળછારો – downy mildew) : પીંછારાનો રોગ plasmopara viticola નામની ફૂગથી થતો જોવા મળે છે. આ ફૂગ છોડના નવા નાજુક ભાગોમાં આક્રમણ કરે છે, જે શરૂઆતમાં નાજુક નવા પાનની ઉપરની સપાટી પર ઝાંખાં પીળાં ધાબાં કરે છે અને તેની નીચેના ભાગમાં સફેદ ફૂગની વૃદ્ધિ જોવા મળે છે, જે નીચેની સપાટીએ ઝડપથી ફેલાય છે અને ઉપરની સપાટી પર લીલાં ધાબાં કરે છે. સમય જતાં ધાબાં પીળાં દેખાય છે. ફૂગની વૃદ્ધિ પાનની નીચેની બાજુઓને ઝડપથી આવરી લેતાં પાન ભૂખરાં થઈ કરમાઈ સુકાઈ જાય છે. થોડા દિવસોમાં નવી ડાળીઓની કૂંપળો પર આક્રમણ થતાં પાણીપોચા જખમો ઉત્પન્ન થાય છે અને ફૂગની સફેદ વૃદ્ધિ દેખાય છે. પરિણામે કૂંપળો કરમાઈ સુકાઈ જાય છે. સાથે સાથે ફૂલ અને ફળ પર પણ આક્રમણ થતાં ફૂલ અને ફળ રંગે ભૂખરાં બને છે. ફળની છાલ જાડી થવાથી ફળ ચીમળાઈ ખરી પડે છે.
નિયંત્રણ : સાવચેતી તરીકે બોર્ડો મિશ્રણનો છંટકાવ પાંચ વખત કરવાથી રોગ કાબૂમાં રહે છે. પ્રથમ છંટકાવ વેલાની છટણી કરીને, બીજો છંટકાવ સંપૂર્ણ વેલાની વૃદ્ધિ સમયે, ત્રીજો છંટકાવ ફૂલ આવવાના સમયે, ચોથો છંટકાવ ફળ બેસે પછી અને છેલ્લો છંટકાવ ફળ ઉતારવાના 10થી 15 દિવસ પહેલાં કરવામાં આવે છે.
2. ભૂકી છારો (powdery mildew) : આ રોગ Uncinula necatorની ફૂગથી થાય છે. આ ભૂકી છારાની ફૂગ પાન, ડાળી, ફૂલ અને ફળ પર આક્રમણ કરે છે. રોગની શરૂઆત કુમળા પાનની બંને બાજુ સફેદ ધાબાંથી થાય છે. તે ઝડપથી વૃદ્ધિ પામીને પાનની બંને સપાટીને આવરી લે છે અને પાનની સપાટી પર બીજાણુ સફેદ ભૂકીના જોવા મળે છે. સમય જતાં આક્રમણનો ભોગ બનેલાં પાન ભૂખરાં સફેદ થાય છે, સંક્રમિત (infected) પાન બળી જાય છે અને વૃદ્ધિ ન થતાં વેલા નાના રહી બેડોળ દેખાય છે. સંક્રમિત ડાળી ઘેરા ભૂખરા રંગની થઈ સુકાઈ જાય છે.
ફૂલગુચ્છમાં આક્રમણ થતાં ફૂલના ભાગો પર ફૂગની સફેદ છારી જોવા મળે છે. ફૂલ ખરી પડતાં તેની દાંડી ભૂખરી થયેલી જોવા મળે છે. ફળની છાલ અને પર્ણ ઘેરાં ભૂખરાં થાય છે અને યોગ્ય વૃદ્ધિના અભાવે નાનાં અને બેડોળ થઈ જાય છે. કેટલીક વાર છાલ ફાટી જાય છે.
નિયંત્રણ : સલ્ફરની ભૂકીનો છંટકાવ કરવાથી રોગને કાબૂમાં રાખી શકાય છે. પ્રથમ છંટકાવ નવી કૂંપળો અઠવાડિયાંની થતાં, બીજો છંટકાવ ફૂલો આવે તે પહેલાં અને ત્રીજો છંટકાવ ફળો અડધાં પરિપક્વ થતાં કરવામાં આવે છે. બીજા રોગોના નિયંત્રણ માટે કરવામાં આવતા બોર્ડો મિશ્રણ કે રીડોમીલના છંટકાવથી પણ આ રોગને કાબૂમાં રાખી શકાય છે.
3. કાલવ્રણ (anthracnose) : આ કાલવ્રણ Gloesporium ampelophagum નામની ફૂગથી થાય છે, જે ઉગાડતાં આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિળનાડુ રાજ્યોમાં દર વર્ષે નુકસાન કરે છે. આ ફૂગ ડાળી, નવી કૂંપળો, પાન અને ફળ પર આક્રમણ કરે છે. ફૂગના આક્રમિત ભાગ પર પીળા રંગની કિનારીવાળાં નાનાં ગોળ ટપકાં દેખાય છે, જે મધ્યમાં ઘેરા ભૂખરા રંગનાં હોય છે. આ ટપકાંને લીધે પેશીઓ નિર્જીવ બની સુકાઈને ખરી પડે છે, જેનાથી પાછળની અવસ્થામાં પાનમાં બંદૂકની ગોળીથી છિદ્ર થયું હોય એવાં લક્ષણો જોવા મળે છે. સંક્રમિત ડાળી અને નવી કૂંપળો પર અનિયમિત કાળાં ગોળ ટપકાં પેદા થાય છે. તે પાછળથી ઊપસી સડેલી ગાંઠ સ્વરૂપે વિકસે છે. ફળ પર ગોળ ભૂખરા રંગનાં ચપટાં ટપકાં થાય છે, જે દેખાવમાં પક્ષીની આંખ જેવાં લાગે છે. તેથી કેટલાક પ્રદેશમાં આ રોગ પક્ષીની આંખના રોગના નામે ઓળખાય છે. આ ફૂગ સંક્રમિત ફળમાં સીમિત ન રહેતાં ફળના માવામાં પણ દાખલ થાય છે, જેને લીધે ફળમાં સડો કરીને પાકને ખૂબ જ નુકસાન કરે છે.
ડાળીની છટણી કરવા છતાં સંક્રમિત ડાળીમાં આ ફૂગ એક ઋતુથી બીજી સુધી સુષુપ્ત અવસ્થામાં જીવન વિતાવે છે અને નવી ઋતુમાં નવી કૂંપળો નીકળતાં તેના પર આક્રમણ કરી રોગ ફેલાવે છે અને ફૂગના બીજાણુઓ પવનથી ફેલાય છે. પવનની સાથે ગરમ ભેજવાળું અથવા વરસાદવાળું વાતાવરણ રોગોના ફેલાવા માટે ખૂબ જ અનુકૂળ હોય છે. આ ફૂગના બીજાણુઓ એકલિંગી અને દ્વિલિંગી સંતતિ પેદા કરે છે.
નિયંત્રણ : પીંછારા માટે બોર્ડો મિશ્રણનો છંટકાવ આ રોગને કાબૂમાં રાખવા કેટલેક અંશે મદદરૂપ થાય છે. છટણીથી શરૂ કરી ફળ પરિપક્વ થાય ત્યાં સુધીમાં બોર્ડો મિશ્રણના ચાર જેટલા છંટકાવ કરવા પડે છે. નવી વાવણી માટે બગીચામાંથી મેળવેલ રોગિષ્ઠ ડાળીઓ પસંદ ન કરવી.
અન્ય રોગોમાં – મૃત શાખા(dead arm)નો રોગ viticola દ્વારા, મૂળનો સડો Rosellinia necatrix દ્વારા, કાળો સડો Guignardia bidwellii દ્વારા અને ગેરુનો રોગ phakospora cronartilormis syn. phacopsis vitis દ્વારા થાય છે.
જીવાતમાં માઇટ્સ, સ્કેલ, થ્રિપ્સ, મીલી બગ, ફ્લી બીટલ વગેરેનો સમાવેશ થાય છે. તે પૈકી અગત્યની અને નુકસાનકર્તા જીવાત ફ્લી બીટલ (scelodonta strigicollis) છે. તેના નિયંત્રણ માટે બોર્ડો મિશ્રણમાં 0.5 કિગ્રા. પેરસગ્રીન પાઉડર ઓગાળી દેવાય છે અથવા છાંટણી બાદ ડી.ડી.ટી. અને બી.એચ.સી.ના મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે.
લણણી અને સુવેષ્ટન (Packeging) : દ્રાક્ષ પાકવા લાગે ત્યારે તેનો રંગ બદલાય છે અને ફળમાં સહેજ પારદર્શકતા આવે છે. વેલા ઉપર દ્રાક્ષ પૂરેપૂરી પાકે ત્યારે તેને ઉતારી લેવામાં આવે છે. દ્રાક્ષનાં ઝૂમખાં કાતરની મદદથી ઉતારવાથી સારી રીતે ઉતારી શકાય છે અને દાણા ખરી પડતા નથી. દ્રાક્ષનો ઉતારો તેની જાત અને અન્ય સમયસરની માવજતો ઉપર આધાર રાખે છે. આમ છતાં પૂર્ણ વિકસિત પાકમાંથી હૅકટરે 15થી 45 ટન જેટલો ઉતારો મળે છે.
દ્રાક્ષને ઉતાર્યા બાદ લાકડાના નાના ખોખા (35 x 25 x 7.5 સેમી.) અથવા કરંડિયામાં ભરવામાં આવે છે. દરેક ખોખામાં લગભગ ચાર કિગ્રા. દ્રાક્ષ રાખવામાં આવે છે. દ્રાક્ષનાં ઝૂમખાંને ખોખામાં મૂકતાં પહેલાં તેમાંથી ખરાબ, વધુ પાકેલી, સૂકી, ફાટી ગયેલી અને રોગવાળી દ્રાક્ષ ચૂંટી કાઢવામાં આવે છે. ખોખામાં દ્રાક્ષની સાથે કાગળના ટુકડા કે ડાંગરનું પરાળ ભરવામાં આવે છે; જેથી દ્રાક્ષને સારી સ્થિતિમાં સ્થળે મોકલી શકાય.
સારણી : ભારતમાં ઉગાડવામાં આવતી કેટલીક દ્રાક્ષની જાતોનું રાસાયણિક બંધારણ | |||||||||||
પ્રકાર | સ્રોત | ભેજ % | કુલ શર્કરા% | અમ્લતા (ટાર્ટરિક ઍસિડ%) | ટૅનિન% | અશુદ્ધ પ્રોટીન% | મેદ% | ભસ્મ% | Ca મિગ્રા. % | P મિગ્રા. % | Fe મિગ્રા. % |
બૅંગાલુરુ બ્લૂ | કર્ણાટક | 82.6 | 13.4 | 1.49 | 0.60 | 0.8 | – | 0.61 | – | – | – |
ભોકરી | મહારાષ્ટ્ર | 80.8 | 13.8 | 0.72 | 0.33 | 0.7 | 0.3 | – | – | – | – |
સિલેક્શન – 7 | મહારાષ્ટ્ર | 82.3 | 13.5 | 0.58 | 0.33 | 0.9 | 0.3 | 0.46 | – | – | – |
અનાબે શાહી | આંધ્રપ્રદેશ | 85.0 | 14.6 | 0.41 | 0.31 | 0.9 | – | 0.57 | 14.2 | 32.0 | 1.5 |
ગુલાબી | મહારાષ્ટ્ર | 72.9 | 20.6 | 0.55 | – | 1.1 | 0.3 | 0.58 | 34.3 | 29.3 | 1.2 |
કિસમિસ | તમિળનાડુ | 76.5 | 19.6 | 0.65 | 0.36 | 1.0 | – | 0.61 | 36.0 | 32.9 | 1.0 |
દ્રાક્ષમાં વિટામિનનું પ્રમાણ ઓછું હોય છે. તેના 100 ગ્રા. ખાદ્ય ભાગમાં કૅરોટિન 2 માઇક્રોગ્રા., થાયેમિન 0.07 મિગ્રા., રાઇબૉફ્લેવિન 0.19 મિગ્રા., નાયેસિન 0.7 મિગ્રા. અને ઍસ્કૉર્બિક ઍસિડ 1.0 મિગ્રા. હોય છે. ઉપરાંત પૅન્ટાથેનિક ઍસિડ, ફૉલિક ઍસિડ, બાયૉટિન અને ઇનોસિટોલની હાજરી જાણવા મળી છે. દ્રાક્ષ બાયૉફ્લેવોનૉઇડ(વિટામિન ‘પી’)નો સારો સ્રોત છે; જે રક્તચિત્તિતા (purpura), મધુપ્રમેહ દરમિયાન થતા કેશવાહિનીય રક્તસ્રાવ, શોફ (oedema), સોજા, વિકિરણહાનિ અને ધમનીકાઠિન્ય-(atherosclerosis)માં ઉપયોગી છે. કૅટેચિન્સ અને ઍન્થોસાયનોજેનીય ટૅનિન બાયૉફ્લેવોનૉઇડ સક્રિયતા દર્શાવે છે.
થૉમ્પ્સન બીજરહિત દ્રાક્ષમાં 22 મુક્ત ઍમિનોઍસિડો જુદા પાડવામાં છે. પાકાં ફળમાં આર્જિનિન, પ્રોલિન અને γ-ઍમિનોબ્યુટિરિક ઍસિડ સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. બીજમાં 7-10 % જેટલું પ્રોટીન હોય છે.
આયુર્વેદ અનુસાર પાકી દ્રાક્ષ સ્વરને હિતકારક, મધુર, તૃપ્તિકર, પાકકાળે સ્નિગ્ધ, અતિરુચિકર, અક્ષુષ્ય, મૂત્રલ, ગુરુ, તૂરી, સારક, ખાટી, વૃષ્ય, શીતળ અને શ્રમનાશક હોય છે અને પિત્ત, શ્વાસ, ઉધરસ, ઊલટી, ભ્રમ, જ્વર, દાહ, મદાત્યય, વાતપિત્ત, કફક્ષય, કમળી, વાતરક્ત, રક્તપિત્ત તથા આધ્માન વાયુનો નાશ કરે છે. લીલી દ્રાક્ષ કફકારક, ગુરુ, ખાટી, પિત્તલ, ઉષ્ણ, રક્તપિત્તકારક, રુચિકારક, દીપનકર અને વાતનાશક છે. કાચી દ્રાક્ષ વિશદ, ઉષ્ણ, તીખી, પિત્તલ અને રક્તદોષકારક છે. પાકી સુકાયેલી દ્રાક્ષ વૃષ્ય, સંતર્પક, બલકર અને પૌષ્ટિક છે. બીજવાળી કાળી દ્રાક્ષ હૃદ્ય, વૃષ્ય, ગુરુ, વાતાનુલોમક, સ્નિગ્ધ, હર્ષપ્રદ અને શ્રમનાશક છે અને દાહ, મૂર્છા, દમ ઉધરસ, કફ, પિત્ત, રક્તદોષ, તૃષા, ઊલટી તથા હૃદયવ્યથાનો નાશ કરે છે.
દ્રાક્ષમાંથી પુષ્ટિકારક દ્રાક્ષાસવ બનાવવામાં આવે છે. તે ઉત્તેજક હોય છે. થોડા પ્રમાણમાં લેવાથી ભોજન સારી રીતે પચે છે, મન આનંદિત બને છે અને શાંત નિદ્રા આવે છે. તે અપચન, કબજિયાત, નિર્બળતા, ઉધરસ, ક્ષય અને નિદ્રા નાશ પર આપવામાં આવે છે.
જ. પુ. ભટ્ટ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
બળદેવભાઈ પટેલ