દ્રવિડ ભાષાઓ : દ્રવિડ કુળની ભાષાઓ. ભાષાનું નામ બનેલો ‘દ્રવિડ’ શબ્દ પોતે દ્રાવિડી કુળનો નથી. શબ્દના આરંભમાં આવતા જોડાક્ષર દર્શાવે છે કે આ ભાષાકુળની ભાષાઓ માટે તે સ્વીકૃત શબ્દ છે. એક માન્યતા અનુસાર આ ભાષાના ભાષકો પણ ભારત બહારથી જ આવ્યા હતા. બલૂચિસ્તાનમાં બોલાતી ‘બ્રાહુઈ’ નામની ભાષા આનું ઉદાહરણ છે. ‘મનુસ્મૃતિ’, ‘મહાભારત’, અને ‘ભાગવત’માં મળતા ઉલ્લેખો પરથી ખ્યાલ આવે છે કે સંસ્કૃત ભાષકો આ ભાષા અને ભાષકોથી પરિચિત હતા.

અત્યારની ભાષાઓ : આ કુળની કુલ એકવીસ ભાષાઓ દક્ષિણ ભારતના સમગ્ર વિસ્તારમાં બોલાય  શ્રીલંકાની રાજભાષા જોકે સિંહાલી છે પણ ઉત્તર લંકામાં લાખો ભાષકો તમિળ ભાષા બોલે છે, જે દ્રાવિડ કુળની મુખ્ય ભાષા છે. વિદ્વાનો આ ભાષાઓને જુદી જુદી ર્દષ્ટિએ જુદા જુદા વિભાગોમાં વહેંચે છે. ભૌગોલિક ર્દષ્ટિએ આ એકવીસમાંની તમિળ, કન્નડ, મલયાળમ, કોટા, ટોલા, કોડાગુ, તુળુ, બડાગા જેવી ભાષાઓ દક્ષિણની દ્રાવિડી ભાષાઓ તરીકે  છે. તેલુગુ, કુઈ, કુવી, ગોન્ડી, કોલામી, નાઈકી, ગડાબાકા, પારગી, ઓલ્લાવી, કોન્ડા અને પેન્ગો જેવી ભાષાઓ મધ્યની દ્રાવિડી ભાષાઓ તરીકે ઓળખાય છે. કુરુખ, માલ્ટો અને બ્રાહુઈ એ ત્રણ ભાષાઓ ઉત્તરની દ્રાવિડી ભાષાઓને નામે જાણીતી છે. કેટલાક વિદ્વાનો આનુવંશિક ર્દષ્ટિએ અથવા ઐતિહાસિક ર્દષ્ટિએ આને દ્રવિડ, આંધ્ર અને એ બંનેની વચ્ચેની – એવાં ત્રણ જૂથોમાં વિભાગે છે. સાતમી સદીમાં કુમારિલ ભટ્ટ આંધ્ર ભાષાઓ અને દ્રવિડ ભાષાઓ એમ દક્ષિણ ભારતની ભાષાઓને બે વિભાગમાં વહેંચે છે. પ્રાગ્ દ્રવિડ ભાષામાંથી દ્રવિડ અને આંધ્ર્ર જુદી પડી હોવી જોઈએ અને આંધ્રમાંથી આજની તેલુગુ, કોલામી તથા દ્રવિડમાંથી આજની કુરુખ, માલ્ટો, ગોન્ડી, કુઈ, બ્રાહુઈને બાદ કરતાં રહેતી અન્ય અર્વાચીન  ભાષાઓ ઊતરી આવી છે એમ મનાય છે. કેટલાક વિદ્વાનો આ ભાષાઓમાંની કેટલીકને ‘સાહિત્યિક ભાષાઓ’ તથા અન્યને ‘બિનસાહિત્યિક’ તરીકે ઓળખાવે છે. સાહિત્યિક ગુણવત્તા તથા સાહિત્યિક પ્રાચીનતા જાણવાની ર્દષ્ટિએ આ વિભાગો નોંધપાત્ર છે.

ભાષકો, પ્રદેશ તથા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ : તમિળનાડુમાં અને શ્રીલંકાના કેટલાક પ્રદેશમાં મુખ્યત્વે તમિળ ભાષા બોલાય છે. આ ભાષામાં પ્રાપ્ય કૃતિઓમાં પ્રથમ કૃતિ ‘સંગમ’ આઠ સંગ્રહોમાં વહેંચાયેલી છે, જે લગભગ પહેલી સદીમાં રચાઈ છે.

કેરળમાં મલયાળમ ભાષા બોલાય છે. પ્રથમ પ્રાપ્ય સાહિત્યકૃતિ બારમી સદીમાં રચાયેલ ‘રામચરિતમ્’ છે.

કર્ણાટકમાં કન્નડ ભાષા બોલાય છે. પ્રથમ સાહિત્યકૃતિ તરીકે સાતમી સદીમાં રચાયેલ ‘કવિરાજમાર્ગ’ પ્રાપ્ત થઈ છે. આ ભાષાની એક મુખ્ય બોલી બડાગા નીલગિરિના પર્વતોમાં બોલાય છે.

આંધ્રપ્રદેશમાં તેલુગુ ભાષા બોલાય છે. અગિયારમી સદીમાં નન્નય ભટ્ટના ‘મહાભારત’નાં પ્રથમ અઢી પર્વ એ આ ભાષાની પ્રથમ પ્રાપ્ય કૃતિ છે.

આ સિવાયની અન્ય દ્રાવિડી ભાષાઓમાં પ્રાચીન સમયથી સાહિત્ય મળતું ન હોવાથી આ ભાષાઓ ‘બિનસાહિત્યિક ભાષાઓ’ તરીકે ઓળખાય છે. મુખ્ય ચાર સિવાયની અન્ય દ્રાવિડી ભાષાઓની અત્યારની સ્થિતિ  પ્રમાણે છે :

  ભાષાનું નામ  કયા વિસ્તારોમાં બોલાય છે ?
(1) કોટા નીલગિરિ પર્વતોના વિસ્તારમાં.
(2) ટોડા/તોડા નીલગિરિ પર્વતોના વિસ્તારમાં.
(3) કોડાગુ કર્ણાટક રાજ્યના કુર્ગ જિલ્લામાં.
(4)

 

તુળુ

 

કર્ણાટક રાજ્યના દક્ષિણ કનરા જિલ્લામાં

તથા કેરળના કસરગોડ તાલુકામાં.

(5)

 

ગોન્ડી

 

આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના

કેટલાક વિસ્તારોમાં.

(6)

 

કોયા

(ગોન્ડીની બોલી)

આંધ્રપ્રદેશના કેટલાક  વિસ્તારો તથા

મધ્યપ્રદેશના વિસ્તારોમાં.

(7)

 

 

કોન્ડા

 

 

આંધ્રપ્રદેશના વિઝાગ વિસ્તારમાં,

શ્રીકાકુલમ જિલ્લામાં તથા

ઓરિસાના કોરાપુટ જિલ્લામાં.

(8) પેન્ગો ઓરિસાના કોરાપુટ જિલ્લામાં.
(9) મંડા ઓરિસાના કોરાપુટ વિસ્તારમાં.
(10) કુઈ ઓરિસાના કેટલાક વિસ્તારોમાં.
(11)

 

કુવી આંધ્રપ્રદેશ તથા ઓરિસાના કેટલાક

વિસ્તારોમાં.

(12)

 

કોલામી

 

આંધ્રપ્રદેશના અડિલાબાદ જિલ્લામાં તથા

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં.

(13) નાઈકી મહારાષ્ટ્રના ચંદા જિલ્લામાં.
(14) પારજી મધ્યપ્રદેશના બસ્તાર જિલ્લામાં.
(15)

 

 

ગડાબા

(ક) ઓલ્લારી (ગડાબા)

(ખ) કોન્ડેકોર (ગડાબા)

 

ઓરિસાના કોરાપુટ જિલ્લામાં.

આંધ્રપ્રદેશના સાલુર વિસ્તારમાં.

(16) કુડુખ કે કુરુખ મધ્યપ્રદેશના છોટાનાગપુર વિસ્તારમાં.
(17)

 

માલ્ટો

 

બિહારની રાજમહલ ટેકરીઓ તથા

પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં.

(18) બ્રાહુઈ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં.

દ્રાવિડી ભાષાઓની લાક્ષણિકતાઓ : પ્રાગદ્રાવિડી ભાષામાં ‘ઇ’, ‘એ’, ‘આ’, ‘ઉ’, ‘ઓ’ સ્વરો અને તેનાં હ્રસ્વત્વ-દીર્ઘત્વ એમ કુલ દસ સ્વરો ભેદક હતા. સામાન્ય રીતે બે સ્વરો એકસાથે ન ઉચ્ચારતાં વચ્ચે ‘વ’ કે ‘ય’નો ઉચ્ચાર થતો. સ્પર્શવ્યંજનોમાં ‘પ્’, ‘ત્’, ‘ટ્’ (મૂર્ધન્ય સ્પર્શ), ‘ટ્’ (પ્રતિવેષ્ઠિત મૂર્ધન્ય), ‘ચ્’ અને ‘ક્’ એમ છ સ્થાનો ભેદક હતાં. સ્પર્શવ્યંજનોમાં ઘોષત્વ-અઘોષત્વ ભેદક ન હતું, પરંતુ  કેટલીક ભાષાઓમાં થયું છે. પાંચ અનુનાસિકો, બે પાર્શ્વિકો, એક પ્રતિવેષ્ઠિત સંઘર્ષી, એક પ્રકંપી અને બે સંઘર્ષી – એટલાં વ્યંજનો મળે છે. રૂપતંત્રની ર્દષ્ટિએ પ્રાગદ્રાવિડીથી માંડીને અત્યાર સુધીની ભાષાઓમાં મુક્ત અને નિબદ્ધ રૂપો મળે છે. એકવચનનાં નામોમાં પુંલ્લિંગ–સ્ત્રીલિંગ અને બહુવચનનાં નામોમાં માનવ–માનવેતર એવો ભેદ કરવામાં આવતો. પહેલો પુરુષ બહુવચનમાં સાંભળનારનો  કરનારું ‘સમાવેશક’ અને સાંભળનારનો સમાવેશ ન કરનારું ‘પરિહારક’ એમ બે રૂપ હતાં. કાળનો વિભાવ ભૂત અને ભૂતેતર એમ બે વિભાગમાં વહેંચાતો. ‘નકાર’ ક્રિયાપદના રૂપતંત્રગત માળખા દ્વારા જ સૂચવાતો. વાક્યરચનાની ર્દષ્ટિએ કર્તા, કર્મ અને ક્રિયાપદ એવો પદક્રમ સામાન્ય હતો. નામપદમાં વિશેષણ વિશેષ્યની પહેલાં આવતું. વાક્યને અંતે આવતા ક્રિયાપદમાં સહાયકારક ક્રિયાપદ આવશ્યક ગણાતું ન હતું. ભારતીય આર્યભાષા અને અંગ્રેજી, ફ્રેંચ વગેરે પરદેશી ભાષાઓને કારણે ઘણા સ્વીકૃત-પરિચિત શબ્દો આ ભાષાઓમાં મળે છે. આ ભાષામાં મળતા અરબી-ફારસી શબ્દો મોટેભાગે આર્યભાષાઓ દ્વારા ગયા છે.

પિંકી શાહ