દ્રવિડ દેશ : પ્રાચીન કાળમાં દ્રવિડ દેશ તરીકે ઓળખાતું દક્ષિણ ભારત. મહાભારતકાળમાં તેની ઉત્તર સીમા ગોદાવરી નદીથી ગણાતી. ત્યાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાળમ અને તુળવ એ પાંચ ભાષાઓ બોલાતી હતી. સમય જતાં ચેન્નાઈથી શ્રીરંગપટ્ટમ્ અને કન્યાકુમારી સુધીનો, અર્થાત્, પેન્નર યાને ત્રિપતિ નદીની દક્ષિણનો પ્રદેશ દ્રવિડ દેશ તરીકે ઓળખાયો. કાંચીપુરમ્ એની રાજધાની હોવાનું મનુસ્મૃતિમાં નોંધાયું છે. ઈ. સ.ની સાતમી સદીમાં યવન-ત્સંગ દક્ષિણ ભારત ગયો ત્યાં એણે આ દ્રવિડ દેશ(ત-લો-વિ-ચ)નો વિસ્તાર લગભગ 1,000 માઈલ એટલે કે 1,600 કિમી. હોવાનો અને ત્યાંની રાજધાની કાંચીપુરમ્ 5 માઈલનો એટલે કે આશરે 8 કિમી.નો ઘેરાવો ધરાવતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. ‘વિક્રમાંકદેવચરિત’માં દ્રવિડ દેશનો ચોળ દેશ તરીકે પણ ઉલ્લેખ કર્યો છે. ચોળ રાજાઓના સમયમાં એની રાજધાની તાંજોર ખસેડાઈ હતી. દ્રવિડ દેશમાં સ્થાપત્ય, શિલ્પ, ચિત્રકલા તેમજ નૃત્ય અને નાટ્યની અનોખી શૈલીઓ પાંગરેલી. મંદિરસ્થાપત્યને ક્ષેત્રે દ્રવિડી શૈલી તરીકે નામાભિધાન પામેલી સ્થાપત્યશૈલી ભારતીય સ્થાપત્યમાં અનોખી ભાત પાડે છે. દ્રવિડ દેશમાં જ પ્રાચીન કાળમાં સંગમ-સાહિત્ય પાંગર્યું હતું.
પ્રવીણચંદ્ર પરીખ