દ્રવસ્થૈતિક પ્રેષણ (hydrostatic transmission) : દ્રવચાલિત શક્તિપ્રેષણ (hydraulic power transmission) તંત્રના બે પ્રકારો પૈકી પ્રવાહીની દાબ-ઊર્જા(pressure energy)નો ઉપયોગ કરતું તંત્ર. આ પ્રેષણતંત્ર દ્રવચાલિત પંપ અને મોટરના સંયોજનનું અને તેને માટે જરૂરી નિયંત્રણતંત્રનું બનેલું હોય છે. તેમાં તદ્દન સાદા અચળ વિસ્થાપન(displacement)વાળા તથા સરળ નિયંત્રણવાળા પંપથી માંડીને ઘણા જ જટિલ પરિવર્તી વિસ્થાપન ધરાવતા એકમો અને સર્વો-મોટર પ્રણાલી વપરાય છે. પરિવર્તી વિસ્થાપનવાળો પંપ અને અચળ વિસ્થાપનવાળી મોટર સાથેનું દ્રવસ્થૈતિક પ્રેષણ અચળ બળઘૂર્ણ (constant torque) પ્રેષણ કહેવાય છે. તેમાં મોટરની ગતિ અને પ્રેષિત શક્તિ બદલાતી રહે છે, પરંતુ બળઘૂર્ણ અચળ રહે છે. અચળ વિસ્થાપન પંપ અને પરિવર્તી મોટરવાળું દ્રવસ્થૈતિક પ્રેષણ અચળ શક્તિપ્રેષણ કહેવાય છે. અહીં  બળઘૂર્ણ ઘટે ત્યારે ગતિ વધે છે. દ્રવસ્થૈતિક પ્રેષણથી અલગ પડતું પ્રેષણ એ દ્રવયાંત્રિક (hydromechanical) પ્રેષણ છે. તેમાં દ્રવસ્થૈતિક ચાલકની સાથે વધારાનો યાંત્રિક ભાગ પણ હોય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ