દ્યુતિ-તાપમાન (brightness temperature) : જે તાપમાને કોઈ એક તરંગલંબાઈએ શ્યામ-પદાર્થની તેજસ્વિતા વિકિરક સપાટીની તેજસ્વિતા જેટલી થાય તે તાપમાન.

સામાન્ય રીતે આ તરંગલંબાઈ 0.655 mm લેવામાં આવે છે. આ રીતે માપેલા તાપમાન અને સ્પેક્ટ્રમી ઉત્સર્જકતા (emissivity) ∈ = 0.655 તથા વીનના વિકિરણના નિયમ ઉપરથી વસ્તુના સાચા તાપમાનની ગણતરી કરી શકાય છે.

જો વિકિરક સપાટી/પદાર્થ શ્યામ ન હોય તો તેનું વાસ્તવિક તાપમાન દ્યુતિતાપમાન જેટલું હોતું નથી. શ્યામ-પદાર્થ (black-body) એ એક એવો આદર્શ વિકિરક છે કે જે કોઈ એક તાપમાને વીજચુંબકીય વર્ણપટના પ્રત્યેક ભાગમાં (કોઈ પણ વિકિરકમાંથી) તેના તાપમાનને કારણે એકમ સમયમાં પ્રાપ્ત થતી મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આ કાળો પદાર્થ તેના ઉપર આપાત થતી બધી ઊર્જાનું શોષણ પણ કરે છે. શ્યામ નહિ તેવા પદાર્થો (nonblack-bodies) માટે તે માનક (standard) તરીકે કામ કરે છે. શ્યામ-પદાર્થ માટે અવશોષકતા (absorptive power) તેમજ ઉત્સર્જનશક્તિ(emissive power)નું મૂલ્ય 1 હોય છે. શ્યામ-પદાર્થનું વિકિરણ એ કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતું વીજચુંબકીય વિકિરણ છે અને તે તરંગલંબાઈની સમગ્ર સીમા(whole range)માં પ્રસરેલું હોય છે. આ સીમામાં ઊર્જાનું વિતરણ લાક્ષણિક સ્વરૂપનું હોઈ તે કોઈ એક તરંગલંબાઈએ મહત્તમ મૂલ્ય ધરાવે છે. આ વિકિરણનું વિતરણ પ્લાન્કના વિકિરણના નિયમને અનુસરે છે. શ્યામ સપાટી વડે થતા (વૉટ/સેમી2 સ્ટિરડીઆ સેકન્ડ એકમમાં દર્શાવાતા) કુલ ઊર્જા-વિકિરણને સ્ટીફનના નિયમ દ્વારા દર્શાવવામાં આવે છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ

હસમુખ શાહ