દ્યાવાપૃથ્વી (1957) : કન્નડ કાવ્યસંગ્રહ. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ‘પદ્મશ્રી’ (1961માં) કન્નડ લેખક વિનાયક ગોકાકની આ રચનાને સાહિત્ય એકૅડેમીના 1960ના વર્ષની શ્રેષ્ઠ કન્નડ કૃતિ તરીકે પુરસ્કાર આપવામાં આવેલો. એમના પાંચ કાવ્યસંગ્રહોમાં આ એમનો અંતિમ તથા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ છે.
‘દ્યાવાપૃથ્વી’માં એના નામ પ્રમાણે પૃથ્વી તથા આકાશનાં સૌમ્ય, રૌદ્ર, લઘુ તેમજ વિરાટ સ્વરૂપોમાં જે બાહ્ય તથા પ્રચ્છન્ન સૌંદર્ય રહેલું છે તેનું ચિત્રાત્મક તથા ચિંતનાત્મક નિરૂપણ છે. કવિ ધરતી અને આકાશનાં વિવિધ સ્વરૂપોની ભીતરમાં રહેલી એકતા, એમાં રહેલા પરમાત્માના સ્વરૂપનો પરિચય કરાવે છે. એમાં ‘નીરદ’ તથા ‘ઇળાગીત’ બે દીર્ઘકાવ્યો છે. તેમાં વિષમ લય, પ્રતિરૂપોની વિશેષતા, છંદના વિવિધ પ્રયોગો, ચિત્રાત્મકતા તથા ચિંતનનો સુમેળ સધાયો છે અને કવિનો દ્રષ્ટા તરીકે પરિચય થાય છે. સંગ્રહનાં સર્વ કાવ્યોમાં દ્યાવા અને પૃથ્વી બંનેની એકતા દર્શાવી પરમાત્માના વિરાટ સ્વરૂપનું દર્શન વાચકને ગીતાના વિશ્વરૂપદર્શનનું સ્મરણ કરાવે છે. કવિનાં કાવ્યો પર અરવિંદદર્શનની સ્પષ્ટ છાપ છે. કવિ પોતે અરવિંદના ભક્ત હતા અને અરવિંદદર્શનને એમણે કેવું આત્મસાત્ કર્યું હતું તેનો પરિચય એમનાં કાવ્યોમાંથી મળી રહે છે. કન્નડ કવિતામાં ગોકાકના આ સંગ્રહનાં કાવ્યોથી અરવિંદદર્શનની શરૂઆત થાય છે.
ચન્દ્રકાન્ત મહેતા