દોસો બાવન વૈષ્ણવો કી વાર્તા : શુદ્ધાદ્વૈત સંપ્રદાયના વલ્લભાચાર્ય(1479—1531)ના પુત્ર વિઠ્ઠલનાથ(1515–1585)ના શિષ્યોનાં જીવનચરિત્રો. વલ્લભાચાર્યના પુષ્ટિ-સંપ્રદાયમાં તેનું ઘણું મહત્વ છે. તેને ગુરુના વચનની જેમ શ્રદ્ધેય ગણવામાં આવે છે. આ કૃતિના રચયિતા વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથ હતા એવી સર્વસામાન્ય માન્યતા પ્રવર્તે છે; પરંતુ તેમાં ગોકુલનાથનો ઉલ્લેખ વિશેષ ભક્તિભાવ સાથે કરવામાં આવેલો છે તે જોતાં આ કૃતિની રચના તેમના કોઈ શિષ્યે કરી હોય એમ લાગે છે. ગોકુલનાથ તેમનાં પ્રવચનોમાં પુષ્ટિ-સંપ્રદાયના વૈષ્ણવભક્તોનાં જીવનચરિત્રોનો અવારનવાર ઉલ્લેખ કરતા હતા. તેના પરથી તેમના શિષ્ય હિરણ્યે તેને લિખિત રૂપ આપ્યું હોય તેમ લાગે છે. આ કૃતિ ગોકુલનાથે રચી છે તેમ કહેવા પાછળનો આશય આટલો જ કે તે તેમના મુખે કહેવામાં આવી છે. ત્યારપછીના તેના લહિયાઓની બેદરકારીને લીધે તેમાં ગોકુલનાથ પછીની કેટલીક ઘટનાઓનો સમાવેશ થઈ ગયો છે.
આ કૃતિમાં અવારનવાર જોવા મળતા અરબી-ફારસી શબ્દોના ઉપયોગ પરથી એવું અનુમાન કરવામાં આવે છે કે તેની રચના સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં લગભગ ઔરંગઝેબના અરસામાં થઈ છે. સાહિત્યિક સૌંદર્ય અથવા કાવ્યાત્મક ચમત્કૃતિની ર્દષ્ટિએ આ વાર્તાઓ નોંધપાત્ર ન હોય તોપણ તેનું ઐતિહાસિક મહત્વ ઘણું છે. તેમાં પ્રાચીન વ્રજભાષાના ગદ્યનો આવિષ્કાર જોવા મળે છે તથા ઘણા વૈષ્ણવ કવિઓનાં જીવનવૃત્તાંત પર તે પ્રકાશ પાડે છે. કૃષ્ણભક્તિ-સાહિત્યની સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક પૃષ્ઠભૂમિની સાચી સમજણ પ્રાપ્ત કરવા માટે પણ આનું અધ્યયન ઉપયોગી છે.
ગીતા જૈન