દોસાંજ, દિલજીત (જ. 6 જાન્યુઆરી 1984, દોસાંજ કલાન, જિ. જલંધર, પંજાબ) : ભારતીય મૂળના અમેરિકન ગાયક, અભિનેતા અને ફિલ્મનિર્માતા. પંજાબી અને હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલા છે. જાટ શીખ પરિવારમાં જન્મ. પિતાનું નામ બલબીરસિંહ. માતાનું નામ સુખવિંદર કૌર. પિતા પંજાબ પરિવહન નિગમમાં કાર્ય કરતા હતા.
દિલજીત પોતાના કાકાના ઘરે રહેતા હતા. આર્થિક મુશ્કેલીને પરિણામે તેમણે લુધિયાણામાં આવેલી હરક્રિશન પબ્લિક સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું. ત્યાં ગુરુદ્વારાઓમાં અને મંદિરોમાં ધાર્મિક કીર્તન કરવા જતા. શાળામાં નાનીમોટી સ્પર્ધાઓમાં ગાતા ગાતા તેમને સમજાયું કે સંગીત તેમના જીવનનું અવિભાજ્ય અંગ છે. તેઓ ગોબિંદર સિંઘ અલામપુરી અને સરદાર સિંહ પાસે સંગીત શીખ્યા.
દોસાંજે 2002માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 2004માં તેમનું પ્રથમ આલબમ ‘ઇશ્ક કા ઉડા અદા’ બહાર પડ્યું. એ જ વર્ષે ‘દિલ’ પણ બહાર પડ્યું. તેમના આલબમ્સ ‘સ્માઇલ’(2005)ને ખૂબ લોકપ્રિયતા મળી. ‘ચૉકલેટ’ (2008) દ્વારા પંજાબી સંગીતમાં ઓળખ મેળવી. ત્યારબાદ બ્લૉકબસ્ટર આલબમ ‘ધ નેકસ્ટ લેવલ’ (2009) યો યો હની સિંહ સાથે મળીને રજૂ કરેલ. ‘લક 28 કુડી દા’ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. તેમણે 2010માં પંજાબી ફિલ્મ ‘મેલ કરાડે રબ્બા’થી અભિનયક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. 2011માં પંજાબી ફિલ્મ ‘ધ લાયન ઑફ પંજાબ’માં મુખ્ય અભિનેતા તરીકે ભૂમિકા ભજવી.
યો યો હની સિંહ સાથે 2011માં ‘જિન્હે મેરા દિલ લૂટેયા’માં અભિનય કરવા સાથે તેમણે 6 ગીતો ગાયાં. આ ફિલ્મ માટે પંજાબી આંતરરાષ્ટ્રીય ફિલ્મ અકાદમી તરફથી તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ આપવામાં આવ્યો.
ભક્તિસભર ગીતો રજૂ કરતું તેમનું પ્રથમ આલબમ ‘સીખ’ (2012) ઘણી લોકચાહના પામ્યું. અનુરાગ સિંઘ સાથે તેમણે રમૂજી પ્રણયકથા ‘જટ અને જુલિયટ’ (2013) મોટા પડદે રજૂ કરવાનું સાહસ કર્યું અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મ માટે પણ તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. આ ફિલ્મની સફળતા અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેનો 2013 અને 2024માં બીજો અને ત્રીજો ભાગ બહાર પાડવામાં આવ્યો. તેમની સફળ ફિલ્મોની હારમાળામાં ‘ડિસ્કો સિંઘ’ (2014), ‘પંજાબ 1984’ (2014), ‘સરદારજી’ (2015), ‘અંબરસરિયા’ (2016) વગેરે
2016મા આવેલી તેમની ફિલ્મ ‘ઊડતા પંજાબ’મા નશીલા પદાર્થના સેવન અંગે રજૂ કરાયેલી સચ્ચાઈ ફિલ્મવિવેચકોએ પણ વખાણી. ‘ગુડ ન્યૂઝ’ (2019), ‘સૂરજ પે મંગલ ભારી’ (2020), ‘હોસલા રખ’ (2021), ‘અમરસિંહ ચમકીલા’ (2024), ‘બોર્ડર 2’ (2026) સહિત આ અભિનેતા અને ગાયકે એમની સફર ચાલુ રાખી છે.
2023માં કોચેલા ઍન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ(કૅલિફૉર્નિયા)માં પંજાબી ભાષામા કાર્યક્રમ આપનાર તેઓ પ્રથમ ભારતીય કલાકાર રહ્યા.
બિલબોર્ડ કૅનેડાની પ્રથમ આવૃત્તિના મુખપૃષ્ઠ પર તેમની હાજરી એ આ કલાકારને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી. વિદેશમાં તેમણે એક જ જગ્યાએ એક સાથે 50,000 જેટલા લોકો સમક્ષ કાર્યક્રમો કરીને ધૂમ મચાવી.
ઘણા બધા પંજાબી મ્યુઝિક ઍવૉર્ડોની સાથે તેમને આઈફા ઍવૉર્ડ, ફિલ્મફેર ઍવૉર્ડ અને બ્રિટ એશિયા ટીવી મ્યુઝિક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
દિલજીત એક સંવેદનશીલ કલાકારની જેમ દરેક પેઢીને સ્પર્શે તેવાં ગીતો રજૂ કરે છે. ગીત આધ્યાત્મિક હોય કે પ્રણય ગીત, જોશભર્યાં ગીત હોય કે ભાવનાત્મક તેમણે દરેકને બખૂબી ન્યાય આપ્યો છે અને આપી રહ્યા છે.
બીજલ બુટાલા
