દૈયા, સાંવર (જ. 10 ઑક્ટોબર 1948, બીકાનેર; અ. 30 જુલાઈ 1992, બીકાનેર) : રાજસ્થાની લેખક. તેમના વાર્તાસંગ્રહ ‘એક દુનિયા મ્હારી’ને 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી બી.એડ્.ની ડિગ્રી મેળવી. તેમણે શિક્ષક તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો. તેઓએ માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે કામગીરી કરી હતી. તેમણે 4 કાવ્યસંગ્રહો તથા 3 વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. ‘માન-ગાત’, ‘હુએ રંગ હઝાર’, ‘આખર રી આંખ સૂન’ એમના કાવ્યસંગ્રહો છે. તેમના વાર્તાસંગ્રહ ‘અસવાડે પસવાડે’(1975)ને જયપુર ખાતેની રાજસ્થાન સાહિત્ય અકાદમી, મુંબઈ ખાતેના મારવાડી સંમેલન તેમજ રાજસ્થાની ગ્રૅજ્યુએટ્સ નૅશનલ સર્વિસ ઍસોસિયેશન તરફથી ઍવૉર્ડ મળ્યા છે. તેમની અન્ય કૃતિ ‘ધરતી કદ તૈ ધૂમૈલી’ને રાજસ્થાની ભાષા-સાહિત્ય અને સંસ્કૃત અકાદમી તરફથી ઍવૉર્ડ મળેલા છે. ગુજરાતી સર્જક અનિલ જોશીના ‘સ્ટેચ્યૂ’નો એમણે રાજસ્થાની ભાષામાં અનુવાદ કર્યો છે.
પુરસ્કૃત કૃતિમાં 10 વાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાજગતમાં સરકારી શાળાઓના શિક્ષકોના જીવનનું માર્મિક ચિત્ર છે. વિષયસામગ્રીની મૌલિકતા, સહજ મર્માળો વ્યંગ્ય તેમજ સામાજિક નિસબત જેવી લાક્ષણિકતાને કારણે રાજસ્થાની સાહિત્યમાં આ કૃતિ ગણનાપાત્ર ઉમેરણ ઠરી છે. તેમને ગણેશીલાલ વ્યાસ ‘ઉસ્તાદ’ પદ્ય પુરસ્કાર અને ડૉ. એલ. પી. તેસ્સિતોરી ગદ્ય પુરસ્કાર એનાયત થયા છે.
મહેશ ચોકસી