દે, મુકુલચંદ્ર (જ. 23 જુલાઈ 1895, બંગાળ; અ. 1 માર્ચ 1989, શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ) : બંગાળ-શૈલીના ચિત્રકાર. છેક કિશોરવયથી શિક્ષણ શાંતિનિકેતનમાં. રવીન્દ્રનાથ ટાગોરના સાન્નિધ્યમાં તથા પાછળથી કૉલકાતામાં અવનીન્દ્રનાથ ટાગોર પાસે રહી કલાનું શિક્ષણ મેળવ્યું. જાપાન અને અમેરિકાના પ્રવાસમાં રવીન્દ્રનાથની સાથે હતા. તેમનાં ચિત્રોનું પ્રદર્શન 1916માં સાનફ્રાન્સિસ્કો, શિકાગો અને ન્યૂયૉર્કમાં યોજાયેલું. લંડનની સ્લેઇડ સ્કૂલ ઑવ્ આર્ટમાં જોડાયા અને ત્યાં સર મૂરહેડ બોન, હેન્રી ટાક્સ અને ડબ્લ્યૂ. ડબ્લ્યૂ. રસેલ જેવા કલાગુરુઓ પાસે ચિત્રકળાની તાલીમ લીધી. સાઉથ કેન્સિંગ્ટનમાં રૉયલ કૉલેજ ઑવ્ આટર્સના સર વિલિયમ રૉથનસ્ટાઇનના હાથ નીચે શિક્ષણ લીધું અને પોતાના કલાનમૂનાઓને લંડનની રૉયલ અકાદમી ઍન્ડ ન્યૂ ઇંગ્લિશ આર્ટ ક્લબમાં 1922–23માં પ્રદર્શિત કર્યા. અમેરિકામાં ધાતુના પતરા પર તેજાબથી આકૃતિઓનું નિરેખણ કરવાનું શીખ્યા. શિકાગો સોસાયટી ઑવ્ એચર્સનું સભ્યપદ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા. ડ્રાય-પૉઇન્ટની યુરોપીય શૈલી પર પ્રભુત્વ મેળવ્યું. ભારતમાં આવીને તેમણે 1928–29માં ભીંતચિત્રો અંગેની ન્યૂ દિલ્હીની સલાહકાર સમિતિનું સભ્યપદ શોભાવ્યું. ત્યારબાદ તેમણે કૉલકાતાની સરકારી સ્કૂલ ઑવ્ આર્ટનું આચાર્યપદ (1928–43) સ્વીકાર્યું. 1944માં ત્યાંથી નિવૃત્તિ સ્વીકારી. 1953–54માં યુ.એસ.માં ફુલબ્રાઇટ આર્ટ લેક્ચરર બન્યા. તેમનાં ચિત્રો વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન, ગ્લાસ્ગો આર્ટ ગૅલરી, ફિલાડેલ્ફિયા મ્યુઝિયમ અને મુંબઈના પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. તેમનાં સુપ્રસિદ્ધ ચિત્રોમાં ‘ગૅન્જિઝ ઇન મૂનલાઇટ’, ‘ઑન વે ટુ અજંતા’ અને ‘ધ સેક્રેડ ટ્રી’નો સમાવેશ થાય છે. મુંબઈના બૉમ્બે મ્યુઝિયમમાં તેમનું ભવ્ય ચિત્ર ‘દમયંતી’ મૂકવામાં આવ્યું છે.
તેમનાં જાણીતાં પ્રકાશનોમાં ‘ટ્વેલ્વ પૉર્ટ્રેટ્સ’ (1917); ‘માય પિલગ્રિમેજિઝ ટુ અજંતા ઍન્ડ બાઘ’ (1925); ‘માય રેમિનિસન્સિઝ’ (1938); ‘ફિફ્ટીન ડ્રાય પૉઇન્ટ્સ’ (1939)’ ‘ટ્વેન્ટી પૉર્ટ્રેટ્સ’ (1943); ‘પૉર્ટ્રેટ્સ ઑવ્ મહાત્મા ગાંધી’ (1948); ‘ટેમ્પલ ટેરાકોટાઝ ઑવ્ બીરભૂમ’ (1959); અને ‘ઇન્ડિયન લાઇફ ઍન્ડ લિજેન્ડ્ઝ’ (1966)નો સમાવેશ થાય છે.
વિ. પ્ર. ત્રિવેદી