દે, બીરેન (જ. 8 ઑક્ટોબર 1926, બંગાળ; અ. 12 માર્ચ 2011) : બંગાળ-શૈલીના તાંત્રિક ચિત્રકાર. કૉલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ (1944–48). દિલ્હીની સ્કૂલ ઑવ્ આર્ટમાં શિક્ષણકાર્ય કર્યું (1952–64). ફુલબ્રાઇટ ગ્રાન્ટ મેળવી ન્યૂયૉર્કમાં કામ કર્યું (1959–60). રાષ્ટ્રીય પ્રદર્શનો (1958 –68), ટવેન્ટીફાઇવ યર્સ ઑવ્ ઇન્ડિયન આર્ટ (1972) તથા દિલ્હીમાં યોજાયેલાં પાંચેય ટ્રાયેનિયલ વગેરેમાં ભાગ લીધો. પૅરિસ (1951), ટોકિયો (1957) બાયેનિયલ, ટોકિયો (1959 અને 1961), સાઉ પાઉલો બાયેનિયલ (1961), વેનિસ બાયેનિયલ (1962), ટેન પેન્ટર્સ ફ્રૉમ ઇન્ડિયા, યુ. એસ. (1963–64), પિટ્ર્સબર્ગ ઇન્ટરનેશનલ શો (1967), કન્ટેમ્પરરી ઇન્ડિયન આર્ટ, રશિયા તથા ગ્રીસ (1972), ઇન્ડિયન પેન્ટિંગ ટુડે, બેલ્જિયમ, પોલૅન્ડ તથા બલ્ગેરિયા (1973–74), કન્ટેમ્પરરી ઇન્ડિયન પેન્ટિંગ, યુ.એસ. (1973), સિડની બાયેનિયલ (1973), કન્ટેમ્પરરી આર્ટ ફ્રૉમ ઇન્ડિયા, વૉશિંગ્ટન (1975), ટુ પેન્ટર્સ ફ્રૉમ ઇન્ડિયા, બેલગ્રેડ (1975), મૉડર્ન એશિયન આર્ટ, જાપાન (1979 અને ’80), ટોકિયો બાયેનિયલ (1984) જેવાં મહત્વનાં વિદેશી પ્રદર્શનોમાં કૃતિઓ પ્રદર્શિત કરી. તેમને 1958 તથા 1964માં રાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યો. તેમનાં વૈયક્તિક પ્રદર્શનો અવારનવાર નવી દિલ્હી અને મુંબઈ ઉપરાંત પશ્ચિમ જર્મની, લંડન અને અમેરિકામાં યોજાયાં છે.
બીરેનનાં ચિત્રો તાંત્રિક શૈલીનો પુરસ્કાર કરે છે. તેમાં લિંગ, યોનિ, સંભોગમગ્ન શિવપાર્વતી અવકાશમાં ગુરુત્વાકર્ષણના બળને ઉવેખીને તરતાં હોવાનું જણાય છે. તેમાં રંગો ભડક અને રેખાઓ તીક્ષ્ણ જોવા મળે છે. તંત્ર માર્ગના સાધકોને આ ચિત્રો સાધના માટે ઉપયોગી નીવડે છે.
નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, ચંડીગઢ મ્યુઝિયમ, જયપુર મ્યુઝિયમ અને લલિત કલા અકાદમી, દિલ્હી જેવાં સ્થળોએ તથા ઘણા ખાનગી સંગ્રહો ઉપરાંત બર્લિન, પ્રાગ, ન્યૂયૉર્ક, જાપાન, ખટમંડુ જેવાં સ્થળોનાં સંગ્રહાલયોમાં તેમની કૃતિઓ સ્થાન પામી છે. રશિયામાં ‘કન્ટેમ્પરરી ઇન્ડિયન આર્ટ’ વિશે વ્યાખ્યાનો (1971) તથા પશ્ચિમ જર્મની, ચેકોસ્લાવૅકિયા તથા બ્રિટન જેવા દેશોનો સાંસ્કૃતિક અતિથિ તરીકે પ્રવાસ એ તેમની ઇતર કલાવિષયક કામગીરી છે. 1980થી 1987 દરમિયાન પ્રસંગોપાત્ત, જર્મની તથા ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ત્યાં ચિત્રકામ કર્યું. ‘સ્પેસ’ તથા ‘ટાઇમ’ અંગે ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ઑવ્ આર્ટ્સ, નવી દિલ્હી તરફથી યોજાયેલા આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભાગ લીધો. પોતાની કૃતિઓ દ્વારા તેમણે ચિત્રાત્મક અભિવ્યક્તિ માટે પ્રયોજેલી નવી પદ્ધતિ આવકારપાત્ર ઠરી છે.
મહેશ ચોકસી