દેહલવી, સૈયદ અહમદ (જ. 1846, દિલ્હી; અ. 1918, દિલ્હી) : ઉર્દૂ ભાષાના કોશકાર અને ભાષાશાસ્ત્રી. જન્મ દિલ્હીમાં થયો હતો તે પરથી ‘દહલ્વી’ (દેહલવી) અટક રાખેલી છે. તેમના પિતા સૈયદ અબ્દુર્રેહમાન પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા હતા.
સૈયદ અહમદ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની નૉર્મલ સ્કૂલમાં મેળવીને લેખનકાર્યમાં વ્યસ્ત રહેવા લાગ્યા. શાળાકીય જીવનમાં તેમણે ‘તિફલીનામા’ નામે કવિતા તથા ‘તકવિયએ સિબ્યાત’ના નામે એક ગદ્યરચના કરી હતી; પરંતુ તેમની ખ્યાતિ ઉર્દૂ કોશ ‘ફરહંગે આસિફિયા’ ઉપર નિર્ભર છે. આ કોશની રચના તેમણે 1868માં શરૂ કરી હતી અને વરસોની મહેનતના પરિણામે તેમણે કોશ પૂરો કર્યો હતો. આ કોશ ઉર્દૂ ભાષાનો સૌથી પહેલો અધિકૃત શબ્દકોશ મનાય છે. તેમાં ઉસ્તાદ ગણાતા કવિઓની પંક્તિઓ ટાંકીને શબ્દોના અર્થ આપવાની કોશિશ કરી છે. આ બૃહત શબ્દકોશમાં ઉર્દૂ ભાષામાં વિવિધ રૂપે પ્રચલિત અરબી-ફારસી શબ્દોના અર્થો આપવામાં આવ્યા છે. આ ગ્રંથનું પ્રકાશન પણ ખૂબ મુશ્કેલ હતું; પરંતુ 1888માં હૈદરાબાદના નિઝામ સર આસ્માનજાહ સિમલા પધાર્યા, તે વખતે સૈયદ અહમદ એક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. તેમની સમક્ષ આ શબ્દકોશનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો જે પ્રકાશન અર્થે મંજૂર રાખવામાં આવ્યો. 1892માં આ કોશ સંપૂર્ણ થયો. કોશનું નામ નિઝામ વંશ ઉપરથી ‘ફરહંગે આસિફિયા’ રાખવામાં આવ્યું.
સૈયદ અહમદની આ સાહિત્યસિદ્ધિ બદલ તેમને નિઝામ સરકાર તરફથી રૂ. 5,૦૦૦નું ઇનામ અપાયું તથા માસિક રૂ. 5૦ વઝીફા તરીકે મળવા લાગ્યા. આ શબ્દકોશ ઉપરાંત બહેનો માટે એક પુસ્તક ‘હાદિયુન્નિસાં’ લખ્યું જે ખૂબ લોકપ્રિય પુરવાર થયું. આ ઉપરાંત તેમણે વ્યાકરણ, કોશ-સાહિત્ય અને ભાષાને લગતા અનેક ગ્રંથો લખ્યા છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા