દેહરાદૂન : ઉત્તરાખંડની શિવાલિક ગિરિમાળામાં દૂનની ખીણમાં આવેલો જિલ્લો તેમજ રમણીય ગિરિમથક. ‘દેહરાદૂન’ શબ્દ ‘દેહરા (દહેરા > ડેરા)’ અને ‘દૂન’ એ બે શબ્દોથી બન્યો છે. શીખગુરુ હરરાયના પુત્ર રામરાય દ્વારા સ્થાપિત ‘ડેરા’ સાથે આ નામને સંબંધ છે. આ ‘દેહરા’ને સંસ્કૃત ‘દેવગ્રહ’ સાથે તથા ‘દૂન’ને ‘દ્રોણિ’ (ઘાટી) શબ્દ સાથે સંબંધ હોવાનું ભાષાવિદો માને છે. આ ગિરિમથક માટે ‘દહેરાદૂન’ શબ્દ પણ લોકોમાં પ્રચલિત છે. ભૌગોલિક સ્થાન : 30° 19´ ઉ. અ. અને 78° 02´ પૂ. રે.. તે જિલ્લાનું વહીવટી કેન્દ્ર પણ છે. તેની ઉત્તર-પૂર્વમાં ઉત્તર કાશી, પૂર્વમાં અને ટેહરી-ગઢવાલ, અગ્નિ તરફ પૌરી ગઢવાલ દક્ષિણ-પશ્ચિમે સહારનપુર-હરદ્વાર જિલ્લા, પશ્ચિમે અને વાયવ્યે હિમાચલ પ્રદેશની સીમા સરહદો આવેલી છે. હિમાચલનો પ્રદેશ તેની વાયવ્ય સરહદે આવેલો છે. જિલ્લાનો વિસ્તાર 3088 ચો.કિમી. અને વસ્તી 17 લાખ (2011) જેટલી છે. મેટ્રોપોલિટન શહેરની વસ્તી 9.67 લાખ (2022) છે.
તે દિલ્હીથી ઉત્તર-પૂર્વમાં 240 કિમી. અંતરે છે. દેહરાદૂનથી હૃષીકેશ 42 કિમી., હરદ્વાર 66 કિમી. તથા મસુરી 22 કિમી.ના અંતરે આવેલાં છે. મસુરી જાણીતું ગિરિમથક છે. તેની પૂર્વ બાજુએથી ગંગા અને પશ્ચિમ બાજુએથી યમુના નદીઓ વહે છે. આને કારણે દૂનની ખીણના કુદરતી સૌંદર્યમાં અસાધારણ વધારો થયો છે. તેની ખુશનુમા અને આહલાદક આબોહવાને કારણે તે પ્રવાસીઓ માટેનું આદર્શ સ્થળ બની રહે છે. આ નગર મસુરી તથા હૃષીકેશનું પ્રવેશદ્વાર છે. તેની આસપાસના વિસ્તારમાં ડાંગર, ચા, ઇમારતી લાકડું તથા લીચી ફળનો મબલખ પાક થાય છે. દેહરાદૂનના ચોખા ઊંચી ગુણવત્તાની બાબતમાં મશહૂર છે.
એક જમાનામાં દેહરાદૂન ગઢવાલનો ભાગ હતું. 1814માં તે બ્રિટિશરોના હાથમાં ગયું. તેમણે આ નગરને આધુનિક ગિરિમથક બનાવ્યું છે.
ભારત સરકારના ‘સર્વે ઑવ્ ઇન્ડિયા’નું કાર્યાલય 1967થી આ નગરમાં છે. આવી જ બીજી સંસ્થા ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં આવેલી છે. ત્યાંથી આશરે બે કિમી. દૂર ઇન્ડિયન મિલિટરી એકૅડેમી (IMA) આવેલી છે.
નગરથી 14 કિમી.ને અંતરે ‘સહસ્રધારા’ના ગરમ પાણીના ઝરા આવેલા છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થાન છે. 6 કિમી. અંતરે તપકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે.
દેહરાદૂનથી આઠ કિમી. દૂર પ્રેમનગર આવેલું છે. આ શહેર રેશમ અને રેશમી કાપડનું કેન્દ્ર છે. અહીં રેશમના કોશેટામાંથી રેશમના તાર મેળવવાની પ્રક્રિયાનું જીવંત નિદર્શન કરવામાં આવે છે. અહીંથી બાર કિમી. દૂર પ્રસિદ્ધ સંત લક્ષ્મણ સિદ્ધનું સ્થાન આવેલું છે.
અંધજનો માટે બ્રેઇલ લિપિમાં તૈયાર થતાં પુસ્તકોનું અહીં પ્રકાશન-કેન્દ્ર છે. ત્યાંની દૂન પબ્લિક સ્કૂલ દેશવિદેશમાં જાણીતી છે.
એક માન્યતા એવી છે કે પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્યે પોતાની સાધના અહીં કરેલી.
ગિરીશ ભટ્ટ