દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ (જ. 9 ઑગસ્ટ 1915, સૂરત; અ. 12 સપ્ટેમ્બર 1993, અમદાવાદ) : ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતા કનૈયાલાલ જમીનદાર. તેઓ વ્યવહારજગતમાં કાનજીભાઈને નામે ઓળખાતા અને માતા માલવિકાબહેન રાધાબહેનના નામે ઓળખાતાં. ચાર સંતાનોમાં હિતેન્દ્રભાઈ સૌથી નાના. બાળપણમાં એ ક્રિકેટના શોખીન. ફાસ્ટ બૉલર તરીકે માન પામેલા. કાનજીભાઈનું આખું કુટુંબ દેશપ્રેમી અને તેમાંય કાનજીભાઈએ સ્વરાજની લડતમાં ઝંપલાવેલું તે કારણે રાષ્ટ્રના અનેક કર્ણધારોના નિકટના સંબંધમાં આવવાનું બનેલું.

હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ
હિતેન્દ્રભાઈના જીવનઘડતરમાં આ પરિસ્થિતિએ ખાસ્સું પ્રદાન કરેલું. બુદ્ધિ અને ભાવનાનું સંસ્કારી વાતાવરણ મળ્યું એ વિશેષ લાભ. 193૦માં માત્ર સોળ વર્ષની વયે એમણે સત્યાગ્રહમાં ભાગ લઈ કારાવાસ વેઠ્યો. અર્થશાસ્ત્રના વિષયમાં સુવર્ણચંદ્રક મેળવી બી.એ. ઑનર્સની પદવી પ્રાપ્ત કરી તથા એલએલ.બી.નો અભ્યાસ પૂરો કર્યો. 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લેવાને કારણે તેમને ક્રમશ: અમદાવાદ, નાસિક અને મુંબઈની વર્લી જેલમાં રહેવાનો અનુભવ થયો. 1943 પછી એમણે સૂરતમાં વકીલાત કરવા માંડી અને સાથોસાથ સૂરત મ્યુનિસિપાલિટીના વહીવટમાં પ્રવેશ મેળવી નિષ્ઠાવંત કાર્યકર તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. 1957માં હિતેન્દ્રભાઈએ વકીલાત છોડી અને માંગરોળ મતક્ષેત્રમાંથી મુંબઈની વિધાનસભા માટે ચૂંટાયા. દ્વિભાષી મુંબઈ રાજ્યમાં, યશવંતરાવ ચવાણના મંત્રીમંડળમાં શિક્ષણમંત્રી બન્યા (1956–6૦). 196૦માં ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તેમાં જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં તેઓ કૅબિનેટમંત્રી બન્યા.
1962માં રાજ્યના મહેસૂલ અને કાયદામંત્રી નિમાયા. 1963માં તેમને વિધાનસભાગૃહનું નેતાપદ સોંપવામાં આવ્યું અને રાજ્યના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. 1965માં તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું આકસ્મિક અવસાન થતાં હિતેન્દ્રભાઈની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી. 1967માં અવિભાજિત કૉંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય ચૂંટાયા. 1969માં કૉંગ્રેસના ભાગલા પડ્યા પછી ઊભાં થયેલાં નવાં સમીકરણો અને રાજકીય ઊથલપાથલો વચ્ચે 1971માં તેમણે મંત્રીમંડળનું રાજીનામું આપ્યું. 1974માં સંસ્થા કૉંગ્રેસે જનસંઘ સાથે જોડાણ કર્યું તે કારણે સંસ્થા કૉંગ્રેસમાંથી રાજીનામું આપી તેઓ ઇન્દિરા કૉંગ્રેસમાં જોડાયા. 1976માં કેન્દ્ર-સરકારમાં આવાસમંત્રી તરીકે તેમને કૅબિનેટમાં લેવામાં આવ્યા. 1977ની સામાન્ય ચૂંટણીમાં હિતેન્દ્રભાઈએ ગોધરા લોકસભાની બેઠક જીતી. 198૦માં દેવરાજ અર્સના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસના ઉમેદવાર તરીકે તેમણે સૂરત મતક્ષેત્રમાં ઉમેદવારી કરી, પરંતુ પરાજય પામ્યા. 198૦ પછી અમદાવાદમાં રહી જાહેર પ્રવૃત્તિઓ કરતા રહ્યા, જેમાં વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષપદનો સમાવેશ થાય છે.
જયન્ત પંડ્યા