દેસાઈ, વસંત (જ. 9 જૂન 1912, કુડાલ, મહારાષ્ટ્ર; અ. 22 ડિસેમ્બર 1975, મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતના વિખ્યાત સ્વરકાર. ચિત્રપટક્ષેત્રે તેમની કારકિર્દી 1929થી કલાકાર અને સ્ટુડિયોના સહાયક તરીકે પ્રભાત ફિલ્મ કંપનીથી શરૂ થઈ હતી. તે સમયે પ્રભાત કંપની સાથે ગોવિંદ સદાશિવ ટેમ્બે (1881–1955), કૃષ્ણરાવ ચોણકર અને કેશવરાવ ભોળે (1896–1977) જેવા કલાજગતના પંકાયેલા સંગીતકારો સંકળાયેલા હતા જેમના સહાયક તરીકે કામ કરવાની તક વસંત દેસાઈને મળી હતી.
1932–4૦ દરમિયાન તેમણે પાંચ ચલચિત્રોમાં ગાયક-કલાકારની ભૂમિકા ભજવી હતી. ત્યારપછીના ત્રણ દશક ઉપરાંતના ગાળા દરમિયાન તેઓ વી. શાંતારામ (19૦1–9૦)ના રાજકમલ સ્ટુડિયો સાથે સ્વરકાર તરીકે સંકળાયેલા રહ્યા. રાજકમલ કલામંદિર નિર્મિત અને વી.શાંતારામ દ્વારા નિર્દેશિત ઘણાં લોકપ્રિય ચલચિત્રોમાં સંગીતકાર તરીકે તેમણે સેવાઓ આપી હતી, જેમાં ‘શકુન્તલા’ (1943), ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ (1946), ‘લોકશાહિર રામજોશી’ (મરાઠી) અને ‘મતવાલા શાયર રામજોશી’ (હિંદી) (1947), ‘અમર ભૂપાલી’ (1951), ‘ઝનક ઝનક પાયલ બાજે’ (1955), ‘તૂફાન ઔર દિયા’ (1956), ‘દો આંખેં, બારા હાથ’ (1957) અને ‘ગૂંજ ઉઠી શહનાઈ’ (1959) ઉલ્લેખનીય છે. વિજય ભટ્ટ અને બાબુભાઈ મિસ્ત્રી જેવા નિર્માતાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલાં અનેક પૌરાણિક ચલચિત્રોમાં તેમણે સ્વરરચના કરી હતી.

વસંત દેસાઈ
ઉપરાંત, સોહરાબ મોદી (1897–1984) દ્વારા નિર્મિત બે ચલચિત્રો ‘શીશમહલ’ (195૦) તથા ‘ઝાંસી કી રાની’ (1953), હૃષીકેશ મુખર્જી દ્વારા નિર્દેશિત બે ચલચિત્રો ‘આશીર્વાદ’ (1968) અને ‘ગુડ્ડી’ (1971) અને ગુલઝાર દ્વારા નિર્દેશિત ‘અચાનક’(1973)ની સંગીતરચના તેમણે કરી હતી. સંગીતનિર્દેશક તરીકેની તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે કુલ 66 ચલચિત્રો માટે સ્વરરચના કરી હતી જેમાં રાષ્ટ્રપતિના સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત અને વિખ્યાત મરાઠી સાહિત્યકાર આચાર્ય અત્રે (1898–1969) દ્વારા નિર્દેશિત મરાઠી ચિત્રપટ ‘શ્યામચી આઈ’નો પણ સમાવેશ થાય છે. તેમણે તેમની કેટલીક સ્વરરચનાઓમાં મરાઠીના પવાડા અને લાવણીના પરંપરાગત સંગીતપ્રકારોને વણી લેવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
તેમના સંગીતનિર્દેશન હેઠળ તૈયાર થયેલ તેમના છેલ્લા ચલચિત્ર ‘તૂચ માઝી રાણી’(મરાઠી)ના રેકૉર્ડિંગ પછી તેઓ નિવાસ તરફ પરત જતા હતા ત્યારે લિફ્ટ તૂટી પડતાં અકસ્માતથી તેમનું અવસાન થયું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે