દેસાઈ, રમણલાલ વસંતલાલ (જ. 12 મે 1892, શિનોર, જિ. વડોદરા; અ. 2૦ સપ્ટેમ્બર 1954, વડોદરા) : ગાંધીયુગના લોકપ્રિય ગુજરાતી નવલકથાકાર. પ્રાથમિક શિક્ષણ શિનોરમાં, માધ્યમિક શિક્ષણ વડોદરામાં. 19૦8માં મૅટ્રિક. 1912માં લગ્ન. પત્નીનું નામ કૈલાસવતી. 1914માં બી.એ તથા 1916માં એમ.એ. થયા. એ પછી થોડા માસ શ્રી સયાજી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક તરીકે નોકરી. 1916ના નવેમ્બરમાં વડોદરા રાજ્યની સરકારી નોકરીમાં વડા કારકુન તરીકે જોડાયા. એ પછી વિવિધ પદવી તથા સ્થળ પર રહી નોકરી કરતાં 1948માં નિવૃત્ત. લેખક તરીકેનાં મુખ્ય ઘડતરબળોમાં શાળાકાળ દરમિયાન એક સંબંધીની પુસ્તકોની દુકાનેથી વાંચવા મળેલાં પુસ્તકો, નાટકનો શોખ, સતત લોકસંપર્ક રહે એવી નોકરી, 1927માં તેમનાં પત્ની અવસાન પામ્યાં ત્યાં સુધીનું સંવાદી દામ્પત્યજીવન, ગાંધીજીનો સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેનો કાર્યક્રમ વગેરેનો નિર્દેશ થઈ શકે.
લેખનની વ્યવસ્થિત શરૂઆત 1915થી ‘સંયુક્તા’ નાટક લખીને. પુસ્તકાકારે પ્રગટ પહેલું લખાણ 1919માં ‘મહારાણા પ્રતાપ’ (જીવનચરિત્ર). એ સાથે પછીથી નવલકથા, વાર્તા, નાટક, આત્મકથા, કવિતા ઉપરાંત જીવનચરિત્ર-રેખાચિત્ર, અભ્યાસ-ચિંતન-વિવેચન, પ્રવાસવર્ણન વગેરે ક્ષેત્રે કલમ ચલાવી કુલ 68 જેટલાં પુસ્તકો આપ્યાં. તેમાં નવલકથાઓ થકી વિશેષ લોકપ્રિય. લખેલી પ્રથમ નવલકથા ‘ઠગ’ (જે 1924–25ના અરસામાં વડોદરાના ‘નવગુજરાત’ સામયિકમાં હપતાવાર છપાયેલી), પણ પુસ્તકાકારે પ્રગટ પ્રથમ નવલકથા ‘જયંત’ (1925). વ્યાપક રીતે એમની નવલકથાઓને ઐતિહાસિક-પૌરાણિક કથાવસ્તુવાળી, સમકાલીન જીવનરંગથી સભર તથા સામ્યવાદી વિચારસરણીતરફી – એમ ત્રણ વિભાગમાં વહેંચી શકાય. પ્રથમ વિભાગમાં મૂકી શકાતી 8 નવલકથાઓમાંથી 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ભૂમિકા પર રચાયેલી ને રુદ્રદત્ત નામના પાત્ર દ્વારા ગાંધીજીપ્રેરિત અહિંસા, શસ્ત્રત્યાગ આદિની ભાવના પ્રગટ કરતી ‘ભારેલો અગ્નિ’ (1935) તથા કવયિત્રી મીરાંનાં જીવન-વ્યક્તિત્વને કેન્દ્રમાં રાખતી ‘બાલાજોગણ’ (1952) નોંધપાત્ર છે. બીજા વિભાગમાં મૂકી શકાતી ને લેખકને નવલકથાકાર તરીકેની પ્રતિષ્ઠા રળી આપતી તથા મધુર પ્રણય કે પ્રસન્નમંગલ દામ્પત્યભાવના, સત્યાગ્રહ-અસ્પૃશ્યતાનિવારણ-અહિંસા-દેશપ્રેમ આદિ ગાંધીવાદી વિચારો-ભાવનાઓ-આદર્શો-પ્રવૃત્તિઓ અને સમકાલીન રાજકીય ઘટનાઓના નિરૂપણને સમાવતી 12 જેટલી નવલકથાઓમાંથી ‘દિવ્યચક્ષુ’ (1932), ‘પૂર્ણિમા’ (1932) તથા ‘ગ્રામલક્ષ્મી’ ભાગ 1–4 (1933–37) ધ્યાનપાત્ર છે. આમાંની પ્રથમ કૃતિ ‘સમકાલીન સમાજજીવનને સમાંતર એવાં તેનાં પાત્રો અને પ્રસંગોને કારણે’ એક કાળે ખૂબ જ લોકપ્રિય બની હતી. ‘પતિતાઓ પ્રત્યે જગતની સહાનુભૂતિ વધે’ એવા આશયથી લખાયેલી ‘પૂર્ણિમા’, તેમાં એક ગણિકાનું જીવન કથાવિષય તરીકે હોઈને વિષયનાવીન્યની ર્દષ્ટિએ ધ્યાનાર્હ બને છે. ત્રીજી કૃતિ ગાંધીજી દ્વારા પ્રસારિત ગ્રામોદ્ધારના આદર્શને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. લેખકની પ્રથમ નવલકથા ‘જયંત’માંનાં પ્રણયત્રિકોણ, એકાદ પાત્રનો સ્વાર્થત્યાગ, રહસ્યમય ભૂતકાળવાળું કોઈક પાત્ર, સમાજસેવાને વરતાં પાત્રો, શહેરના સુશિક્ષિત વર્ગનું વાતાવરણ આદિ તત્વો વત્તાઓછા ફેરફાર સાથે આ વિભાગની મોટાભાગની નવલકથાઓમાં પણ છે.
લેખકની મંગલ ભાવના હતી કે બીજા વિશ્વયુદ્ધનાં ભયાનક પરિણામોના અનુભવે જગત કંઈક સુધરશે તથા સ્વાતંત્ર્ય પછી ભારત ગાંધીચીંધ્યા માર્ગે ચાલશે; પણ એવું કઈ ન દેખાતાં લેખકની ભાવનાસૃષ્ટિમાં વળાંક આવ્યો, જે ત્રીજા વિભાગમાંની 7 જેટલી નવલકથાઓમાંથી ‘છાયાનટ’ (1941), ‘ઝંઝાવાત’ ભાગ 12 (1948–49), ‘પ્રલય’ (1950) આદિમાં જોઈ શકાય છે. જોકે આ નવલકથાઓ પૂર્વેની – બીજા વિભાગમાંની – ‘શોભના’(1939)માં લેખકે વ્યર્થ બની ગયેલા ગુજરાતના યૌવનધનને, ર્દષ્ટિહીન શિક્ષણપ્રયોગોને તથા સ્વાર્થી નેતાઓને વક્રતાપૂર્વક નિરૂપી ભાવના-વળાંકના અણસારા આપ્યા હતા. પણ આ વિભાગની ઉપર દર્શાવેલી કૃતિઓમાં એ વળાંક વિશેષ દેખા દે છે. તેમાંની ‘છાયાનટ’માં હડતાળો તથા કોમી રમખાણોનું ચિત્રણ તથા તેના મૂળમાં સક્રિય લોકમાનસનું પૃથક્કરણ છે તો ‘ઝંઝાવાત’માં લેખકની સામ્યવાદ પ્રત્યેની સહાનુભૂતિ વધુ સ્પષ્ટ થઈ છે. બીજા વિશ્વયુદ્ધે આપેલ આઘાતમાંથી જન્મેલી ‘પ્રલય’માં સમગ્ર માનવજાતનું નખ્ખોદ કલ્પાયું છે. ઈ. સ. 2૦૦5માં આરંભાઈ તે જ વર્ષમાં પૂર્ણ થતું કથાવસ્તુ ધરાવતી એ કૃતિને અંતે યુદ્ધ અને શસ્ત્રાસ્ત્રો માટેની દુનિયાના દેશોની દોડને લીધે એ જ વર્ષે સમગ્ર દુનિયાનો અંત આવે છે એવી કલ્પના લેખકના ઘેરા નિરાશાવાદી માનસની સૂચક છે. આ વિભાગની અન્ય નવલકથાઓમાંની ‘સૌંદર્યજ્યોત’(1951)માં ગાંધીવાદી ટ્રસ્ટીશિપનો ખ્યાલ છે, તો, ‘સ્નેહસૃષ્ટિ’(1953)માં સામ્યવાદી વિચારસરણીને ગાંધીજીની અહિંસાનો પુટ આપી ‘ગાંધીરંગ્યા સામ્યવાદ’નો ખ્યાલ રજૂ થયો છે. શિષ્ટરસિક કથાવસ્તુ, સમકાલીન સમાજનાં ભાવનારંગી ચિત્રો તથા ત્યાગવાદી સંસ્કારી મધુર પ્રણયનિરૂપણને લીધે લેખકની ઘણી નવલકથાઓ લોકપ્રિય નીવડેલી. પણ ‘ભારેલો અગ્નિ’, ‘બાલાજોગણ’, ‘દિવ્યચક્ષુ’ તથા ‘છાયાનટ’ લેખકમાં જે કંઈ ઉત્તમ હતું તેના નિદર્શનરૂપ છે.
‘ઝાકળ’(1932)થી ‘હીરાની ચમક’ (1957) સુધીના 9 વાર્તાસંગ્રહોમાં 140 જેટલી વાર્તાઓ છે. મહદંશે ગુજરાતના સંસ્કારી ગૃહજીવનનાં મધુર ચિત્રો રજૂ કરતી એ વાર્તાઓમાંની ‘કાંચન અને ગેરુ’, ‘ખરી મા’, ‘વૃદ્ધસ્નેહ’, ‘સતીની દહેરી’, ‘પિતરાઈ’, ‘ચંદા’ આદિ જાણીતી છે.
પોતાના સમયની ધંધાદારી રંગભૂમિ પર ભજવાતાં નાટકોના માળખામાં થોડો ફેરફાર કરીને લેખકે આપેલાં 4 લાંબાં નાટકમાંનું ‘શંકિત હૃદય’ (1925). રંગભૂમિ પર એકાધિક વાર ભજવાયું હતું. 7 એકાંકીસંગ્રહ માંહેનાં ‘તપ અને રૂપ’, ‘ઉશ્કેરાયેલો આત્મા’, ‘સત્-અકાલ’, ‘મંત્રસાફલ્ય’ આદિ ધ્યાનાર્હ છે. ‘ગઈ કાલ’ (195૦) તથા ‘મધ્યાહ્નનાં મૃગજળ’ (1956) લેખકની આત્મકથાનાં પુસ્તક છે. તેમાં એમના જન્મથી માંડીને 1931 સુધીના જીવનપટની વિગતો છે. લેખકે કાવ્યો પણ લખ્યાં છે. ‘નિહારિકા’ (1935) અને ‘શમણાં’ (1954) એ બે કાવ્યસંગ્રહોમાં અનુક્રમે 87 તથા 145 કાવ્યરચનાઓ છે. ઊર્મિપ્રધાન તથા અધિકાંશ ગેયતાપૂર્ણ એ રચનાઓમાંની ‘નિહારિકા’, ‘જલિયાનવાલા બાગ’, ‘બુદ્ધનો ગૃહત્યાગ’, ‘વિધવા’, ‘કલાપીને’ આદિ લેખકની કવિત્વશક્તિની ર્દષ્ટિએ ધ્યાનાર્હ છે. ‘અપ્સરા’ ભાગ 15 (1943–49) એ લેખકે ‘પૂર્ણિમા’ નવલકથાના સર્જન નિમિત્તે ગણિકાજીવનના કરેલા અભ્યાસના પરિણામે લખાયેલો અભ્યાસગ્રંથ છે. વળી જીવનચરિત્રો–રેખાચિત્રોનાં તથા પ્રવાસ-અનુભવનાં પુસ્તક પણ લેખકે આપ્યાં છે. એમની ભાષા સીધી, સાદી, સરળ, સામાન્ય શિક્ષિતની, સંસ્કારી કહી શકાય તેવી ને તેથી વાચનક્ષમ ને લોકાદર જીતનારી રહી છે. આમ છતાં એક લેખક તરીકે રમણલાલમાં કેટલીક મર્યાદાઓ પણ છે; ઉદા.ત., કથાત્મક કૃતિઓમાં કથારસ કથળાવતાં નિજી નિરીક્ષણો કે શુષ્ક ચર્ચાવિચારણાઓને લીધે સર્જાતો પ્રસ્તાર, કાલવ્યુત્ક્રમ, શિથિલ વસ્તુવણાટ, અપ્રતીતિકર કે તાલમેલિયા પ્રસંગોની પસંદગી, એકપરિમાણી પાત્રો, એકવિધ લાગતું પ્રણયનિરૂપણ, ‘ગામડામાં બધું સારું જ છે’ એવું એકાંગી દર્શન વગેરે ગણાયેલું છે. આમ છતાં, ગુજરાતી સાહિત્યક્ષેત્રે વિશેષે શિષ્ટ અને સંસ્કારી નવલકથાઓ આપનાર તરીકે રમણલાલ સ્મરણીય રહેશે.
કાસમ જખ્મી