દેસાઈ, મહાદેવભાઈ હરિભાઈ (જ. 1 જાન્યુઆરી 1892, સરસ, જિ. સૂરત; અ. 15 ઑગસ્ટ 1942, પુણે) : મહાત્મા ગાંધીજીના અંતેવાસી, અંગત મંત્રી; શ્રેયોધર્મી પત્રકાર, ચરિત્રાત્મક સાહિત્યના સમર્થ સર્જક તથા અનુવાદક. વતની દિહેણના. પિતા હરિભાઈ સંસ્કારધર્મી સંનિષ્ઠ શિક્ષક. માતા જમનાબહેન ઊંડી ધર્મભાવનાવાળાં હિંદુ સન્નારી. મહાદેવભાઈના જીવનઘડતરમાં દાદા સુરાભાઈ, માતાપિતાનો તેમજ ગોધરાના એક સંત બાપજી પુરુષોત્તમ સેવકરામ ભગતનો મહત્વનો ફાળો. પિતાની બદલીઓના કારણે પ્રાથમિક શિક્ષણ વિવિધ ગામોમાં. માધ્યમિક શિક્ષણ સૂરતમાં તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. 19૦5માં તેમનું લગ્ન કાલિયાવાડીમાં દુર્ગાબહેન ખંડુભાઈ દેસાઈ સાથે થયેલું. તેમના પુત્ર નારાયણે (જ. 1924) મહાદેવભાઈનું બૃહત્ ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ (1992) રચ્યું છે. મહાદેવભાઈ તત્વજ્ઞાન તથા તર્કશાસ્ત્ર સાથે બી.એ. 191૦માં તથા એલએલ.બી. 1913માં થયા. તેમણે 191૦15ના ગાળામાં મુંબઈમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામગીરી કરી. ભાષાંતર કરવાનો અનુભવ ત્યાંથી મળવો શરૂ. આ સાથે પૌરસ્ત્ય તેમજ પાશ્ચાત્ય અનેક વિદ્વાનો-તત્વજ્ઞો-સંતો-સાહિત્યકારો વગેરેનાં લખાણોનું તેમનું વાચન-મનન પણ ચાલુ હતું. 1915માં વકીલની સનદ લઈ થોડો સમય અમદાવાદમાં વકીલાત કરી જોઈ, પરંતુ ગોઠ્યું નહિ. તેથી 1916માં સહકારી બૅન્કના ઇન્સ્પેક્ટર તરીકે કેટલોક સમય સેવા આપી. 4–7–1915માં ગાંધીજીના પ્રથમ દર્શને તેમના સાંનિધ્યમાં બેસવાની જે વૃત્તિ થયેલી તે 23–11–1917માં ફળીભૂત થઈ અને તે ગાળામાં 13–11–1917થી ગાંધીજી અંગે ડાયરી-નોંધ લખવાનુંયે આરંભી દીધું, જે થોડાક અનિવાર્ય વિક્ષેપો બાદ કરતાં 14–8–1942 સુધી જીવનના અંતકાળ પર્યંત ચાલ્યું. તેઓ ગાંધીજીની 1917ની ચંપારણયાત્રા, 1918ની અમદાવાદના મિલમજૂરોની ‘ધર્મયુદ્ધ’ જેવી લડત, ખેડા સત્યાગ્રહ (1918), દાંડીકૂચ (193૦), 1939નાં રાજકોટ-મૈસૂર રાજ્યનાં પ્રજાકીય આંદોલનો, ‘ભારત છોડો’ ચળવળ (1942) વગેરે સાથે સક્રિય રીતે સંકળાયેલા અને તેના પરિણામે 1921–23, 193૦, 1932, 1933 અને 1942 દરમિયાન જેલવાસી પણ થયેલા. તેઓ 1942માં પુણેના આગાખાન મહેલમાંના જેલવાસ દરમિયાન હૃદયરોગથી ગાંધીજીની સંનિધિમાં અવસાન પામ્યા.
મહાદેવભાઈ પત્ની દુર્ગાબહેન પાસે રહ્યા તે કરતાં ગાંધીજી પાસે વધારે રહ્યા હતા! તેમણે ગાંધીજીના અંગત તેમજ આશ્રમ-જીવનમાં ઘણી જવાબદારીભરી સેવા અદા કરી. 1926માં તેઓ સ્વરાજ્ય આશ્રમના કાર્યવાહક મંડળના પ્રમુખ બન્યા. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોમાં તેમનો નિષ્ઠાપૂર્વકનો સહકાર. 1928માં બારડોલી સત્યાગ્રહ અંગેની તપાસ સમિતિમાં જોડાયા. માતર તાલુકાની આર્થિક તપાસમાં પણ તેમણે જે. સી. કુમારપ્પાને સાથ આપેલો. ક્રાંતિકારી કેદીઓને છોડાવવા તેમણે બંગાળ તથા પંજાબમાં સફળ પ્રવાસો કર્યા. 1941નાં કોમી હુલ્લડોમાં શાંતિ સ્થાપવામાં પણ તેમણે મદદ કરેલી.
મહાદેવભાઈનું સંગીન પ્રદાન પત્રકારત્વમાં. 19૦9ના ‘નવજીવન’ના પહેલા અંકથી તેની સાથે તે જોડાયેલા રહ્યા અને પ્રસંગોપાત્ત (જેમ કે 1923માં) તંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી. 1921માં મોતીલાલ નેહરુના આમંત્રણથી ‘ઇન્ડિપેન્ડન્ટ’ પત્રના તંત્રી થયા અને તે સુંદર રીતે ચલાવ્યું. 1931માં ઇંગ્લૅન્ડથી ‘યંગ ઇન્ડિયા’ પત્રનું સફળ રીતે સંપાદન કરેલું. ‘નવજીવન’ની જેમ ‘હરિજનબંધુ’, ‘હરિજન’, ‘હરિજનસેવક’ જેવાં પત્રોનેય તેમની કલમનો લાભ મળ્યો હતો. 1936માં બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ-વિભાગના અધ્યક્ષપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ તેમની પત્રકાર તરીકેની નિષ્ઠા, પ્રતિભા ને સજ્જતાનો પ્રેરણાદાયી નમૂનો છે. તેમને 1927માં ‘નવજીવન’માંના લેખો સારુ ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળેલું.
મહાદેવભાઈએ આમ તો ગાંધીસેવા પૂર્વે સાહિત્યસેવામાં પગરણ માંડેલાં, પરંતુ પછી તેમના જીવનમાં સાહિત્યસેવાના મુકાબલે ગાંધીસેવા જ વધુ પ્રબળ અને પ્રમુખ બની રહી. 19૦9માં મહાદેવભાઈએ કાવ્યથી લેખનની શરૂઆત કરેલી; ‘ભોળા શંભુ’ના ઉપનામે પણ કેટલુંક લખેલું; પરંતુ પછી મૌલિક અને લલિત લેખનની ધારા ઘણી ક્ષીણ થઈ ગઈ. 1915માં લૉર્ડ મૉર્લીના ‘ઑન કૉમ્પ્રોમાઇઝ’નો ‘સત્યાગ્રહની મર્યાદા’ નામે અનુવાદ કરી, ફાર્બસ ગુજરાતી સભાનું રૂ. 1,૦૦૦નું પારિતોષિક તેમણે મેળવેલું. એ પછી બંગાળીનો અભ્યાસ કરી, 1915માં રવીન્દ્રનાથના ‘ચિત્રાંગદા’નો, 1922માં તેમના ‘પ્રાચીન સાહિત્ય’નો તથા 1925માં ‘વિદાય અભિશાપ’નો (નરહરિ પરીખની મદદથી) અનુવાદ કર્યો. તેમણે અનુવાદક્ષેત્રે શરદબાબુની ‘ત્રણ વાર્તાઓ’ 1923માં ને ‘વિરાજવહુ’ 1924માં આપ્યાં. તેમણે જવાહરલાલ નેહરુની આત્મકથા ‘મારી જીવનકથા’ નામનો અનુવાદ 1936માં તો ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’નો અંગ્રેજીમાં ‘ધ સ્ટોરી ઑવ્ માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રૂથ’ એ ગાંધીજીમાન્ય અનુવાદ 1927માં આપ્યો. તેમણે આ પૂર્વે કૉંગ્રેસ કમિટીના પંજાબનાં રમખાણોના અંગ્રેજી અહેવાલનો અનુવાદ પણ કરેલો. ગુજરાતના ઉત્તમ અનુવાદકોમાં યોગ્ય રીતે જ મહાદેવભાઈનું નામ લેવાય છે. ‘એકલો જાને રે’ કે ‘ચિંતા કર્યે ચાલશે ના’ જેવા અનુવાદો શિષ્ટમાન્ય સાથે લોકમાન્ય પણ થયા છે. અંગ્રેજી જેવી ભાષાઓનું તલસ્પર્શી જ્ઞાન તથા ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ તેમના અનુવાદક તરીકેના સામર્થ્ય માટેનું એક અગત્યનું કારણ છે.
‘અંત્યજ સાધુ નંદ’ (1925), ‘વીર વલ્લભભાઈ’ (1928), ‘સંત ફ્રાંસિસ’ (1934), ‘બે ખુદાઈ ખિદમતગાર’ (1936) તથા ‘મૌલાના અબુલ કલામ આઝાદ’ (1941) તેમના ચરિત્રગ્રંથો છે, જેમાં ભાવાર્દ્ર ચરિત્ર-ચિત્રણ સાથે જીવનમૂલ્યોનું સમ્યક આકલન–દર્શન પણ ર્દષ્ટિગોચર થાય છે. ‘એક ધર્મયુદ્ધ’(1923)માં અમદાવાદની અહિંસક મજૂર-ચળવળનો તો ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’(1929)માં બારડોલીના સત્યાગ્રહનો પરિશ્રમપૂર્વક, સવિવેક તૈયાર થયેલો ઇતિહાસ છે, જેનું સ્વાતંત્ર્યસંગ્રામની ઇતિહાસસામગ્રી તરીકે પણ ઘણું દસ્તાવેજી મૂલ્ય છે. આ ઉપરાંત મહાદેવભાઈએ નરહરિ પરીખ સાથે રહીને ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’ (1937) તથા માર્તણ્ડ પંડ્યા સાથે ‘ખેતીની જમીન’ (1942) એ પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત મહાદેવભાઈએ ‘ખાદીકેળાં’, ‘માસ્તર વજુભાઈ’ જેવી વાર્તાઓ, ‘મંદિરોનાં દર્શન’ નામે નાટકના પાંચ પ્રવેશો જેવું થોડું લલિત સાહિત્ય પણ આપ્યું છે.
ગુજરાતી તેમજ ગાંધીસાહિત્યને મહાદેવભાઈનું સર્વોપરી અર્પણ તે ડાયરીઓ છે, જેના લગભગ પચીસ ગ્રંથો થવાની ધારણા છે. આ ગાંધીજીવિષયક ડાયરીઓનો પહેલો ભાગ 1948માં તો વીસમો ભાગ 1991માં પ્રકાશિત થયો છે. આ ડાયરીઓમાં ગાંધીજીના સત્યના પ્રયોગોના રોજબરોજના પુરુષાર્થનું શ્રદ્ધેય રસાત્મક આલેખન છે. ગાંધીજીના તથા તેમની સાથે સંપર્ક રાખનાર અનેક વ્યક્તિઓ, સંસ્થાઓનાં, ગાંધીજીવનની અનેક અંગત-જાહેર ઘટનાઓનાં તથા ગાંધીજીપ્રેરિત રાષ્ટ્રીય જીવનની અનેકવિધ પરિસ્થિતિઓનાં તેમાં ટાંચણથી માંડી સુરેખ–સરસ વર્ણનો-ચિત્રણો છે. આ ડાયરીઓ માહિતી-સંગ્રહે ગાંધીકોશની ગરજ સારે એવી છે.
ડાયરી-સાહિત્યમાં મહાદેવભાઈનું આ અનન્ય અર્પણ છે. 1955માં મહાદેવભાઈને આ ડાયરી-સાહિત્ય માટે રાષ્ટ્રીય સાહિત્ય એકૅડેમીનો પુરસ્કાર મળ્યો હતો. મહાદેવભાઈએ અંગ્રેજીમાં ‘ધી એપિક ઑવ્ ત્રાવણકોર’ (1925–36), ‘ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજિઝ’ (1927), ‘વિથ ગાંધીજી ઇન સિલોન’ (1928), ‘ધ સ્ટોરી ઑવ્ બારડોલી’ (1929), ‘ધ નૅશન્સ વૉઇસ’ (1931), ‘અનવર્ધી ઑવ્ વર્ધા’ (1943), ‘ધી ઇક્લિપ્સ ઑવ્ ફેથ’ (1943), ‘ગૉસ્પેલ ઑવ્ સેલ્ફલેસ ઍક્શન ઑર ધ ગીતા એકૉર્ડિગ ટુ ગાંધી’ (1946) અને ‘એ રાઇચ્યસ સ્ટ્રગલ’ (1951) – એ પુસ્તકો આપ્યાં. આ ગ્રંથોમાં મહાદેવભાઈનું ગાંધીદર્શન, સ્વરાજ્યચિંતન તથા અધ્યાત્મચિંતન વગેરેનાં તેમજ અંગ્રેજી પરના તેમના પ્રશસ્ય પ્રભુત્વનાં દર્શન થાય છે. ‘ગૉસ્પેલ ઑવ્ સેલ્ફલેસ સ્ટ્રગલ ઑર ધ ગીતા એકૉર્ડિંગ ટુ ગાંધી’માં મહાદેવભાઈએ ગીતાના અનુષંગે કરેલી ધર્મતત્વમીમાંસા સંગીન અને તેથી પ્રભાવક છે.
મહાદેવભાઈએ ‘મધપૂડો’, ‘અર્જુનવાણી’ અને ‘ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા’ જેવાં ઉપયોગી સંપાદનો પણ આપ્યાં છે. આમ ભક્તિના અખંડ કાવ્ય સમા, રાષ્ટ્રગગનમાં ‘શુક્રતારક સમા’ મહાદેવભાઈનું જીવન અને સાહિત્ય માત્ર ગાંધીદર્શનનું જ નહિ, ચરિત્રલક્ષી-ચારિત્ર્યલક્ષી સાહિત્યનુંયે પથપ્રદર્શક છે.
ચન્દ્રકાન્ત શેઠ