દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય (જ. 6 નવેમ્બર 1890, સાણંદ; અ. 18 મે 1948, અમદાવાદ) : ગુજરાતની સૌપ્રથમ સહકારી ગૃહમંડળીના સ્થાપક અને પિતા.
તેઓ ગાંધીવાદી નેતા અને પ્રખ્યાત સેવાભાવી ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈના લઘુબંધુ હતા. તેમનું કુટુંબ ખાડિયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં ભાડે રહેતું હતું. પ્રીતમરાય ઈ. સ. 1908માં મૅટ્રિક થયા. એ જ વર્ષે તેમના પિતાનું અવસાન થયું. મૅટ્રિક પછી તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા. પરિવારને આર્થિક ટેકો કરવા ટ્યૂશન્સ શરૂ કર્યાં. ઈ. સ. 1912માં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે સ્નાતક થયા. સ્નાતક થયા પછી સરકારી હાઈસ્કૂલની નોકરી સ્વીકારી. સરકારી નોકરી હોવાથી તેમની અવારનવાર બદલી થતી. મુંબઈ, ગોધરા અને ભરૂચ પછી તેઓ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં જોડાયા. ઈ. સ. 1945માં ભરૂચ જિલ્લા લોકલ બોર્ડના અધિકારી તરીકે નિવૃત્ત થયા. તેઓ સાહિત્યસભા, વ્યાયામ અને સ્વદેશી મિત્ર મંડળની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતા હતા.
ઔદ્યોગિક વિકાસને લીધે મિલ અને કારખાનાં વધી જતા ઈ. સ. 1921માં અમદાવાદની વસ્તી લગભગ ત્રણ લાખની થઈ. એ વખતે વસ્તી કોટવિસ્તારમાં રહેતી હતી. વધી ગયેલી વસ્તીને કારણે ગીચતા વધી. એ સાથે હવા-ઉજાસ વગરનાં ઘરોમાં લોકો રહેતા હતા. ગંદકી પણ વધી હતી. આ સ્થિતિમાં પ્રીતમરાયે શહેરના કોટની બહાર લોકોનો વસવાટ શરૂ કરવા વિચાર્યું. ઈ. સ. 1917-18માં અમદાવાદમાં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે પ્રીતમરાય અને તેમના પરિવારના બધા જ લોકો સાબરમતી નદીને સામે કાંઠે તંબુ બાંધીને રહ્યા હતા. પ્રીતમરાયે એ જગ્યાએ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી બનાવવાનું નક્કી કર્યું. અહીં સોસાયટી બનાવવાથી મધ્યમ વર્ગના લોકોને હવા-ઉજાસ અને સારાં રહેઠાણ ઉપલબ્ધ કરાવી શકાશે એવું એમને લાગ્યું.
પ્રીતમરાય મુંબઈમાં રહેતા હતા ત્યારે મહારાષ્ટ્રમાંની ખેતીવિષયક સહકારી મંડળીઓની તેમની જાણકારી હતી. ડેનમાર્ક અને આયર્લૅન્ડમાં પણ કો-ઑપરેટિવ સોસાયટીઓ શરૂ થઈ હતી. પ્રીતમરાયે ભરૂચના તેમના શિક્ષકમિત્ર નરસિંહરાવ એન. દેસાઈ પાસેથી આ અંગેનું સાહિત્ય મેળવ્યું. વળી, મુંબઈમાં બ્રાહ્મણોએ ગૃહ મંડળી શરૂ કરી હતી. તેમના મામાના દીકરા અને મુંબઈ રાજ્યના સહકારી ખાતાના નાયબ રજિસ્ટ્રાર ગુણવંતરાય એચ. દેસાઈ સાથે પત્રવ્યવહાર કરી કો-ઑપરેટિવ સોસાયટીની માહિતી પ્રાપ્ત કરી. આ પછી એમણે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના મામલતદાર હીરાલાલ ગોવિંદલાલ લાખિયાનો સંપર્ક કરી એમની મદદથી 19 ડિસેમ્બર, 1924ના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ‘બ્રહ્મક્ષત્રિય કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી’નું રજિસ્ટ્રેશન કરાવી સહકારીક્ષેત્રે નવા અધ્યાયનો આરંભ કર્યો. એ સહકારી મંડળીના મંત્રી પ્રીતમરાય હતા અને પ્રમુખ હીરાલાલ લાખિયા હતા. તેમણે ઈ. સ.1925માં 33 વીઘા જમીન 87 હજાર રૂપિયામાં ખરીદી. મંડળીના સભ્યો માટે સરકારી લોનની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી. પ્રીતમરાયે સોસાયટી માટે પોતાનો બધો જ સમય ફાળવ્યો. વર્ષોથી ટ્યૂશન્સ કરતા હતા તે બંધ કર્યા. આથી દર મહિને થતી આવક પણ બંધ થઈ. સોસાયટીનાં મકાનોની બાંધકામની દેખરેખ રાખવા તેઓ કોચરબ આશ્રમ પાસે આવેલ ડાહ્યાભાઈ ઈજતરામના આઉટ હાઉસમાં ભાડે રહ્યા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના તત્કાલીન પ્રમુખશ્રી વલ્લભભાઈ પટેલે 28 જાન્યુઆરી, 1927ના રોજ સોસાયટીનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમણે ગુજરાતમાં સૌપ્રથમ બનેલી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની સ્થાપના માટે પ્રીતમરાયે કરેલી મહેનતને બિરદાવી અને બ્રહ્મક્ષત્રિય કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારને જોડી સમગ્ર વિસ્તારને ‘પ્રીતમનગર’ નામ આપ્યું. પ્રીતમરાયના માર્ગદર્શન હેઠળ ભરૂચમાં પણ પહેલી કો-ઑપરેટિવ સોસાયટીની સ્થાપના થઈ. પ્રીતમરાયના અજોડ કાર્યને યાદગાર બનાવવા એ સોસાયટીનું નામ ‘પ્રીતમ સોસાયટી’ રાખવામાં આવ્યું. પ્રીતમરાયના ખંત, મહેનત અને પ્રામાણિકતા જોઈ તત્કાલીન મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાનશ્રી બી. જી. ખેર પ્રીતમરાયને મળવા અમદાવાદ આવ્યા હતા. પછી તેમણે પ્રીતમરાયને મુંબઈ ઇલાકાના સરકારી સહકારી હાઉસિંગ બોર્ડના સભ્ય તરીકે નિમ્યા.
એ સમયે અસ્પૃશ્યતાનું દૂષણ ફેલાયેલું હતું. દલિત લોકો પણ હવા-ઉજાસવાળાં મકાનોમાં સુખી જિંદગી જીવી શકે એ માટે પ્રીતમરાયે દલિતો માટે પણ આવી કો-ઑપરેટિવ સોસાયટી સ્થાપવાનું વિચાર્યું. પ્રીતમરાયે દલિત નેતા શનાભાઈ પીતાંબરદાસનો સંપર્ક કરી મકાનો માટે બૅંકમાં લોન માટે અરજી કરી. એક વખતની બધી જ બૅંકોએ એમની અરજીનો અસ્વીકાર કર્યો અને લોન ન આપી. આથી પ્રીતમરાયે અમદાવાદમાં કેટલાક મિત્રો અને શુભેચ્છકોની મદદથી ઈ. સ. 1932માં ‘ધી અમદાવાદ પીપલ્સ કો-ઑપરેટિવ બૅંક’ની સ્થાપના કરી. ઈ. સ. 1934માં ગિરધરનગર વિસ્તારમાં દલિતોની સૌપ્રથમ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી રચવામાં આવી અને એનું નામ ‘પ્રીતમરાય વણકર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી’ રાખવામાં આવ્યું. આ સોસાયટીનું ઉદ્ઘાટન કરવા માટે ગાંધીજી આવ્યા હતા. પ્રીતમરાયની ઉત્કૃષ્ટ સેવા બદલ એ સમગ્ર વિસ્તારનું નામ ‘પ્રીતમપુરા’ રાખવામાં આવ્યું અને તેમનાં પત્ની નિર્મલાબહેનના નામ પરથી ‘નિર્મળ ચોક’ નામ રાખવામાં આવ્યું.
પ્રીતમરાયે પાલડીના દલિતોને દેવામુક્ત કરવા લોન અપાવી. તેમણે સરસપુર વિસ્તારમાં કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરી તેમ જ પ્રીતમપુરા પાસે ન્યૂ વણકર સોસાયટીની પણ સ્થાપના કરી. આ ઉપરાંત પ્રીતમરાયે મુસ્લિમો માટે પણ કાળુપુર અને સરસપુરમાં સહકારી હાઉસિંગ સોસાયટી સ્થાપવામાં મદદ કરી.
તેમની પુત્રી પન્નાબહેનનાં લગ્ન પછી 18 મે, 1948 ના રોજ રાત્રે હિસાબ પતાવી સાડા ત્રણ વાગ્યે પાણી પીને પ્રીતમરાય સૂઈ ગયા એ પછી સવારે ઊઠ્યા જ નહીં. ઊંઘમાં જ તેમનું દેહાવસાન થયું.
સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે જંગલ જેવા વિસ્તારમાં અમદાવાદમાં સોસાયટીની સ્થાપના કરી આજના વિકસિત અને આધુનિક અમદાવાદના તેઓ ‘વિશ્વકર્મા’ બન્યા છે.
અનિલ રાવલ