દેસાઈ, નિમેષ (જ. 1 એપ્રિલ 1956; અ. 14 નવેમ્બર 2017) : નટ, દિગ્દર્શક અને ટીવી કાર્યક્રમ-નિર્માતા. ગુજરાત કૉલેજના નાટ્યવિભાગમાં જશવંત ઠાકરના હાથ નીચે નાટ્યનો ડિપ્લોમા મેળવ્યો. પછી ખેડા (ઇસરો) ટેલિવિઝનમાં કાર્યક્રમ-સહાયક તરીકે 1975માં કારકિર્દી શરૂ કરી. અમદાવાદમાં આધુનિક ગુજરાતી તખ્તાના સાહસિક અને ઉત્સાહી નટ-દિગ્દર્શક તરીકે પોતાના કોરસ જૂથ દ્વારા અનેક દેશીવિદેશી નાટકોનું નિર્માણ કર્યું – ‘બકરી’, ‘વેઇટિંગ ફૉર ગોદો’, ‘ઢોલીડો’, ‘પૃથિવીવલ્લભ’, ‘કેમ મકનજી, ક્યાં ચાલ્યા !’, ‘રણને તરસ ગુલાબની’ વગેરે. એમના ‘નસીબની બલિહારી’ કથાચિત્રને રાજ્યકક્ષાનાં આઠ પારિતોષિકો મળ્યાં હતાં. ‘ઉત્સવ’, ‘ભવની ભવાઈ’ જેવી ફિલ્મોમાં અભિનય, તો ‘હું, હુંશી, હુંશીલાલ’ અને ‘માનવીની ભવાઈ’ ફિલ્મોમાં ગીતો પણ ગાયાં હતા. ‘માણસ એક ઉખાણું’, ‘વારસદાર’ વગેરે ગુજરાતી અને ‘કુંતી’ વગેરે લોકપ્રિય હિન્દી ટીવી શ્રેણીઓનું તેમણે નિર્માણ કર્યું હતું. નાટ્યશિબિરોનું પણ તેમણે આયોજન કર્યું હતું. નાટ્યકલા અને સાહિત્ય માટેની એમની ધગશ નવી પેઢીને ઉદાહરણરૂપ બને એવું એમનું બે દાયકાનું રંગજીવન હતું. દિલ્હીની સંગીત નાટક અકાદમીની ‘યુવાદિગ્દર્શક યોજના’માં તેમની બે વખત પસંદગી થઈ હતી. ગુજરાત સરકારે 1994માં ‘ગૌરવ પુરસ્કાર’થી એમને નવાજ્યા હતા.
નિમેષ દેસાઈ આધુનિક નાટકોની પ્રસ્તુતિમાં ઉત્સાહભેર સંકળાયેલા રહ્યા હતા. એમણે 2૦13માં ટાગોરના ‘ડાકઘર’નું ક. મા. મુનશીના ‘કાકાની શશી’ અને ‘ધ્રુવસ્વામિની દેવી’નાં મંચનો કર્યાં હતાં. જે એમનાં કુલ નિર્માણોને એક સોથી વધુ સુધી પહોંચાડે છે. ગુજરાતી થિયેટરમાં વિશિષ્ટ પ્રકારનાં નાટકોના, ઓછા પ્રયોગો થાય તોપણ, નિમેષ સાહસિક નિર્માતા દિગ્દર્શક હતા. એમણે ગિરીશ કર્નાડ દિગ્દર્શિત ફિલ્મ ‘ઉત્સવ’ (હિન્દી અને અંગ્રેજી)માં પણ અભિનય કરેલો.
હસમુખ બારાડી