દેસાઈ, ઉમાકાન્ત (જ. 13 જૂન 1908, પેટલાદ, જિ. ખેડા; અ. 25 જાન્યુઆરી 2007) : હિંદી તથા ગુજરાતી ચલચિત્રોના અભિનેતા. મૂળ સંખેડાના વતની, પણ 1927થી મુંબઈમાં વસેલા. ભાવપવ્રણ અભિનય અને મોહક ચહેરાથી જાણીતા આ અભિનેતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જોયેલા એકમાત્ર ચલચિત્ર ‘રામરાજ્ય’(1944)માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને વિશેષ ખ્યાતિપ્રાપ્ત બન્યા. ગુજરાતી ભાષાના પ્રથમ ચલચિત્ર ‘નરસિંહ મહેતા’ (1932) દ્વારા તેમણે ફિલ્મ-અભિનય ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 1947 સુધી તેઓ વિજય ભટ્ટના પ્રકાશ પિક્ચર્સ સાથે અનુબંધિત રહ્યા ત્યાર સુધીમાં ‘ભરતમિલાપ’ (1942), ‘સ્ટેશનમાસ્તર’ (1943), ‘પનઘટ’ (1944), ‘હમારા સંસાર’ (1947), ‘ઘૂંઘટ’ (1947) જેવાં ચિત્રોમાં અભિનય આપીને હિંદી ચલચિત્રોના ટોચના અભિનેતા બન્યા. 1947 પછી પણ હિંદીમાં ‘તુલસીવૃંદા’, ‘મિસ માલા’, ‘અમર આશા’, ‘ભક્ત કે ભગવાન’, ‘અજામિલ’ ઉપરાંત ‘હુકમ કા ઇક્કા’ અને ‘એક હી ભૂલ’ જેવાં સ્ટંટચિત્રોમાં અભિનય આપ્યો. ‘ભાભીનાં હેત’, ‘સાવકી મા’ અને 1948ના ગુજરાતી ચલચિત્ર ‘કરણઘેલો’ જેવાં ગુજરાતી ચિત્રોમાં ભૂમિકા ભજવવા ઉપરાંત તેમણે સહનિર્માતા તરીકે ‘અખંડ સૌભાગ્યવતી’, ‘શેણી વિજાણંદ’ (1948) તથા ભવાઈકલા પર આધારિત ચલચિત્ર ‘બહુરૂપી’ કે જેને ગુજરાત સરકારના અનેક પુરસ્કાર મળ્યા, તેનું નિર્માણ કર્યું. ‘જયા-જયંત’ નાટકમાં મુંબઈના ઑપેરા હાઉસના રંગમંચ ઉપર જયંતનું મુખ્ય પાત્ર ભજવીને તેમણે કાવ્યના કર્તા કવિ ન્હાનાલાલની પ્રશંસા પ્રાપ્ત કરેલી.
તેમના બે પુત્રોમાંથી એક અમર નાટ્ય અને દૂરદર્શન ક્ષેત્રે અભિનયમાં કાર્યરત છે.
રજનીકુમાર પંડ્યા