દેસાઈ, અંબાલાલ સાકરલાલ, ‘એક ગુર્જર’ (જ. 25 માર્ચ 1844; અ. 12 સપ્ટેમ્બર 1914) : ગુજરાતના અગ્રણી કેળવણીકાર અને સ્વદેશીના હિમાયતી, ઉદ્યોગપતિ. અંબાલાલનો જન્મ, ગુજરાતની બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો. તેમનું વતન અલીણા. તેમના પિતા અમદાવાદના વિખ્યાત વકીલ હતા. વિદ્યાર્થી અવસ્થાથી જ તેમણે તેમનું જીવન ખૂબ જ નિયમિત બનાવેલું. 1864માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરીને એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. 1869માં બી.એ.ની પરીક્ષા તેમજ 1870માં એમ.એ.ની પરીક્ષા અંગ્રેજી/સંસ્કૃત સાથે પ્રથમ વર્ગમાં પાસ કરી. તેમની જ કૉલેજમાં તેઓ ફેલો હતા. તેમણે એલએલ.બી.ની પરીક્ષા પણ પ્રથમ નંબરે પાસ કરી. અભ્યાસ બાદ, સૂરતમાં મદદનીશ શિક્ષક તરીકે જોડાઈ 20 ફેબ્રુઆરી, 1870થી હેડમાસ્તર તરીકે કાર્ય કરી બદલી થવાથી અમદાવાદ આવ્યા.
ઉચ્ચ કોટીના શિક્ષકના ગુણ તેમનામાં હતા. તેમના શિક્ષણ તેમજ શિસ્તની વિદ્યાર્થીઓ ઉપર ઊંડી છાપ પડતી. તેઓ તેમના વિદ્યાર્થીઓ સાથે સંપર્ક રાખી, તેમના સર્વાંગી ઉત્કર્ષમાં ફાળો આપતા. નવ વર્ષની વયે તેમનું લગ્ન રતનબહેન સાથે થયેલું. દેવદર્શન, પૂજાપાઠ, વ્રતનિયમોમાં ન માનનાર અંબાલાલ પત્નીની આ પ્રવૃત્તિઓમાં દખલ કરતા નહિ. હેડમાસ્તર હતા તે દરમિયાન તેમણે 1871માં અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશનું કામ શરૂ કરી 1877માં પૂર્ણ કર્યું. શબ્દકોશમાં તેમની ચોકસાઈ જણાઈ આવે છે. મિલની પોલિટિકલ ઇકૉનૉમીને આધારે ગુજરાતીમાં અર્થશાસ્ત્ર ઉપર પુસ્તક લખી 1875માં બહાર પાડ્યું. શિક્ષક હતા તે દરમિયાન તેમણે બે સંસ્કૃત પુસ્તકોનો તરજુમો પણ કર્યો હતો. 1876 થી 1899 સુધી વડોદરા રાજ્યના ન્યાયખાતામાં તેમણે સેવાઓ આપી. છેલ્લાં દસ વર્ષ વડોદરા રાજ્યના વડા ન્યાયમૂર્તિ તરીકે કામ કરી, રાજ્યમાં કાયદો અને ન્યાયવહીવટની ચોકસાઈ આણવામાં મદદ કરી. ન્યાયખાતાને વ્યવસ્થિત કર્યું. તેમના ચુકાદા ઊંચી કોટીના ગણાતા. ગુજરાતી ભાષામાં આપેલા ચુકાદામાં સંક્ષિપ્તતા, સ્પષ્ટતા ને સચોટતા છે. તેમની આ કારર્કિદીના ફળસ્વરૂપે 1900માં બ્રિટિશ સરકારે તેમને ‘દીવાન બહાદુર’નો ખિતાબ એનાયત કર્યો. ગુજરાતી કેળવણીના તેઓ અગ્રેસર હતા. તે ઉપરાંત, તેમણે અમદાવાદની રાજકીય તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. 1904–1905માં પ્રજા પક્ષના નેતા તરીકે મ્યુનિસિપાલિટીમાં ઉપ-પ્રમુખ થયા. ઈ. સ. 1900–1901 દરમિયાન અમદાવાદના નાગરિકોના ગટર માટેના પ્રશ્નોને વાચા આપી. 1902માં અમદાવાદમાં ભરાયેલી કૉંગ્રેસમાં, સ્વાગતસમિતિના તેઓ અધ્યક્ષ હતા.
ગાંધીજીના આગમન પહેલાં, દેશમાં સ્વદેશીની ભાવના જગાવવાનું કાર્ય તેમણે કર્યું હતું. દારૂની વધતી જતી બદીનો તેઓ વિરોધ કરતા. ઉદ્યોગોનો વિકાસ કરવાથી દેશનું હિત થશે તેમ તે માનતા અને 1907માં સૂરતમાં ભરાયેલી ઔદ્યોગિક પરિષદના તેઓ પ્રમુખ નિમાયા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના એક દાયકા સુધી તેઓ પ્રમુખ રહ્યા ને તેના વિકાસમાં ફાળો આપ્યો. ગુજરાતમાં ગુજરાતી ભાષામાં જ સર્વ પ્રકારના જ્ઞાનનો અને કળાનો વ્યવહાર થવો જોઈએ તેમ તેઓ માનતા. તે માટે તેમણે ગુજરાત કેળવણી પરિષદની 1913માં સ્થાપના કરી. તેમણે આ અગાઉ હંટર કમિશન સામે દેશી ભાષામાં ને દેશી શિક્ષકો વડે શિક્ષણ અપાવું જોઈએ તેમ જણાવ્યું. 1909માં રાજકોટમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ બન્યા. સત્ય અને સદાચારને પરમ ધર્મ માનનાર અંબાલાલનો સ્વભાવ ઉગ્ર હતો ને તેઓ સ્પષ્ટવક્તા હોવાથી, ઘણાની સાથે તેમને દુશ્મનાવટ થતી.
ધર્મ, રાજકારણ, અર્થકારણ, કેળવણી, સાહિત્ય વગેરે વિષયોનાં એમનાં ભાષણો અને લેખોના સંગ્રહ ‘સ્વ. દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ભાષણો અને લેખો’ શીર્ષકથી પ્રસિદ્ધ થયેલ છે. તેમણે સહસંપાદકો રૉબર્ટ મોન્ટગોમરી અને મણિધરપ્રસાદ સાથે ‘ડિક્શનરી ઑવ્ ઇંગ્લિશ ઍન્ડ ગુજરાતી’ (1877) તૈયાર કરેલી.
1901–1902માં તેમણે ત્રણ મિલોની સ્થાપના કરી. આ તેમના જીવનનું સૌથી દુ:ખદ પ્રકરણ ગણી શકાય. આ મિલો બરાબર ચાલી નહિ ને તેમનાં, તેમના સંબંધીઓનાં અને મિત્રોનાં નાણાં ડૂબ્યાં. બધા જ લેણદારોને સરખે ભાગે પૈસા આપી શકાય તેથી તેમની બધી જ સ્થાવર ને જંગમ મિલકત શેઠ ચિનુભાઈ, શેઠ મનસુખભાઈ તેમજ રા.બ. લાલશંકરને તેમણે દસ્તાવેજ કરી સુપરત કરી ને પોતાના નિવૃત્તિવેતન સિવાય તેમણે તેમની પાસે કશું પણ રાખ્યું નહિ. આ પ્રામાણિકતા અને શુદ્ધ વર્તનથી તેમણે ઊંચાં મૂલ્યોનો દાખલો બેસાડ્યો.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ