દેશદ્રોહ : પોતાના દેશની અખંડિતતા તથા સાર્વભૌમિકતાને આંચ આવે તેવું નાગરિકનું ગુનાઇત વર્તન અથવા વ્યવહાર. પોતાના દેશ પ્રત્યે વફાદારી રાખવી, એ દરેક નાગરિકની ફરજ છે. આ ફરજનું યોગ્ય પાલન થાય, તે માટે રાજ્યે પોતાના કાયદાઓમાં જોગવાઈ કરેલી હોય છે. તે અનુસાર દેશદ્રોહ એ ફોજદારી ગુનો બને છે. દેશદ્રોહ અંગેના ગુનામાં ઘણા ગુનાઓનો સમાવેશ થાય છે. ઇંગ્લૅન્ડમાં ત્યાંના કૉમન લૉના આધારે કોર્ટોના ચુકાદાઓ દ્વારા દેશદ્રોહના ગુનાની વ્યાખ્યા કરવામાં આવે છે. ભારતમાં ઇન્ડિયન પીનલ કોડના પ્રકરણ 9માં આ અંગે જોગવાઈઓ છે. આ પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુનાઓ અંગેની કલમ 121થી 130નો સમાવેશ થાય છે. આ ગુનાઓમાં ખાસ તો સરકાર સામે યુદ્ધ કરવાના (કલમ 121) અને રાજદ્રોહના (કલમ 124 અ) ગુનાઓ મુખ્ય છે. ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું એ ગુનો બને છે. જે કોઈ વ્યક્તિ ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરે કે આવું યુદ્ધ કરવાનો પ્રયાસ કરે, તે ગુનેગાર બને છે, અને તેને મૃત્યુદંડની કે આજીવન કારાવાસની સજા થઈ શકે છે. તે ઉપરાંત તેને દંડ પણ કરી શકાય છે. જ્યારે કોઈ ટોળું ભેગું થઈને કોઈ જાહેર પ્રકારનો હેતુ પાર પાડવા બળ અને હિંસા આચરે, ત્યારે તે યુદ્ધે ચડ્યું છે એમ કહેવાય, તેમાં ખૂન થયું હોય કે બળ વપરાયું હોય તે જ માત્ર જરૂરી નથી, પણ તેના હેતુ અને ઇરાદો મહત્ત્વના બને છે. વિદેશી શાસન હેઠળના દેશોમાં આવી જોગવાઈઓનો ઉપયોગ, સ્વાતંત્ર્યનાં આંદોલનમાં બનતી ઉગ્ર પ્રકારની ઘટનાઓને દાબી દેવા માટે કરવામાં આવતો હોય છે. વિદેશી શાસનને ઉથલાવવાના ઉદ્દેશથી કરવામાં આવતી હિંસક પ્રકારની પ્રવૃત્તિઓને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે. શાંતિમય માર્ગે સરકાર બદલાવવાના પ્રયાસોને યુદ્ધ ગણવામાં આવતું નથી.

ઇન્ડિયન પીનલ કોડની કલમ 124અમાં રાજદ્રોહ અંગે જોગવાઈ છે. તે મુજબ જે કોઈ વ્યક્તિ લેખિત અથવા મૌખિક શબ્દોથી, કોઈ નિશાનીથી કે કોઈ ર્દશ્ય પ્રકારની રજૂઆતથી, ભારતમાં કાયદા દ્વારા પ્રસ્થાપિત થયેલી સરકાર વિરુદ્ધ તિરસ્કાર અથવા અનાદરની ભાવના ઊભી કરે કે તેના વિરુદ્ધની લાગણી પ્રેરે કે પ્રેરવા પ્રયાસ કરે, તે વ્યક્તિ ગુનેગાર બને છે. તેને આજીવન કારાવાસની તથા દંડની સજા થઈ શકે છે. સરકારની વિરુદ્ધની લાગણીમાં બિનવફાદારી અને દુશ્મનાવટનો પણ સમાવેશ થાય છે. આવા ગુના કે તે અંગેના ઇરાદાની કોઈ માહિતી ધરાવતી વ્યક્તિએ તે અંગેની માહિતી નજીકના મૅજિસ્ટ્રેટને કે પોલીસ અધિકારીને આપવાનું ફરજિયાત ગણાય છે. આ ગુના માટે પોલીસ બિનજામીનપાત્ર વૉરંટથી ધરપકડ કરી શકે છે. રાજ્ય-સરકારે ફરિયાદ કરી હોય તે સિવાય કોઈ કોર્ટ આ અંગે કાર્યવાહી કરી શકતી નથી.

કલમ 124અની બંધારણીય કાયદેસરતા અંગે ભૂતકાળમાં પ્રશ્નો ઊઠેલા. તે અંગે જુદી જુદી હાઈકોર્ટોએ જુદા જુદા ચુકાદા આપેલા. સર્વોચ્ચ અદાલતે કેદારસિંહ વિરુદ્ધ સ્ટેટ ઑવ્ બિહાર(A.I.R. 1962 S.C. 955)ના કેસમાં આપેલા ચુકાદાથી આ વિવાદનો અંત આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે સદરહુ કલમનું એવું અર્થઘટન કર્યું છે કે હિંસા અથવા ગેરવ્યવસ્થા કરવા પ્રેરે તેવાં કૃત્યો જ આ કલમ હેઠળ સજાપાત્ર બને છે. આવી હિંસા કે ગેરવ્યવસ્થા ઊભી ન કરે તેવાં કૃત્યોને સદરહુ કલમ હેઠળ આવરી લેવાં નહિ. આવા અર્થઘટનને લીધે કલમ 124અ ભારતીય સંવિધાનની કલમ 19(1)(અ)નો ભંગ કરતી નથી, એવું નક્કી થયું.

સરકારની વિરુદ્ધની લાગણી, લખાણથી તેમજ બીજા વિવિધ પ્રકારે ઊભી કરી શકાય. આવાં લખાણનું કોઈક પ્રકારે પ્રકાશન થયું હોવું જોઈએ, તે જરૂરી છે. શુદ્ધ દાનતથી સરકારની નીતિઓની કે કૃત્યોની કરેલી ટીકાથી રાજદ્રોહનો ગુનો બનતો નથી. શાંતિમય માર્ગે આવી નીતિઓમાં ફેરફાર લાવવાના ઉદ્દેશથી કરેલી ટીકા, સરકારની નીતિઓમાં અને કૃત્યોમાં ખામી બતાવે તેથી રાજદ્રોહ બનતો નથી.

વિદેશી શાસન હેઠળની કોઈ પ્રજા પોતાના સ્વાતંત્ર્ય માટે ચળવળ ચલાવે, તેને વિદેશી શાસકો દેશદ્રોહ ગણીને સજા કરે છે. ભારતના સ્વાતંત્ર્યની ચળવળ દરમિયાન પણ રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો, વર્તમાનપત્રોના તંત્રીઓ તથા અનેક જાહેર કાર્યકરોને સ્વાતંત્ર્યની લડત ચલાવવા કે તેને ટેકો આપવા માટે, રાજદ્રોહના ગુના હેઠળ ગુનેગાર ઠરાવવામાં આવ્યા હતા. ભારતના મહાન રાષ્ટ્રીય નેતાઓ – બાળ ગંગાધર ટિળક, મહાત્મા ગાંધીજી, અરવિંદ ઘોષ, સ્વાતંત્ર્યવીર સાવરકર વગેરે અનેક નેતાઓ – રાજદ્રોહના ગુના માટે સજા ભોગવી ચૂક્યા છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના ત્રણ અધિકારીઓ સામે 1945–46માં દિલ્હીના લાલ કિલ્લામાં રાજદ્રોહના ગુના માટે બ્રિટિશ સરકારે કામ ચલાવ્યું હતું. ઇંગ્લૅન્ડના કૉમન લૉ પ્રમાણે ત્યાંની સરકાર, બંધારણ, પાર્લમેન્ટ કે ન્યાયતંત્ર વિરુદ્ધ તિરસ્કાર કે અનાદરની લાગણી પ્રેરે તેવાં લખાણો કે વક્તવ્યો કરવાં, કાયદાથી પ્રસ્થાપિત સરકારને કાયદેસર સિવાયની રીતે ઉથલાવવા લોકોને પ્રેરવા, શાંતિનો ભંગ કરે તેવાં કૃત્યો કરવા લોકોને પ્રેરવા કે લોકોના વિવિધ વર્ગોમાં પરસ્પર દુશ્મનાવટ પેદા થાય એમ કરવું આ બધાંનો રાજદ્રોહમાં સમાવેશ થાય છે. રાજદ્રોહસ્વરૂપનાં લખાણોનું પ્રકાશન કરવું તેને ઇંગ્લૅન્ડના કાયદામાં મોટો ગુનો ગણવામાં આવે છે.

હ. છ. ધોળકિયા