દેશમાને, વિજયલક્ષ્મી (ડૉ.) (જ. 10 એપ્રિલ 1955, કલબુર્ગી, કર્ણાટક) : પ્રસિદ્ધ ઑન્કોલૉજી સર્જન. જેઓ સ્તન કૅન્સરના સંશોધનકાર્યમાં એમના યોગદાન માટે જાણીતાં છે. તેઓ IIIT કોટ્ટાયમ, કેરળ(2023)ના BOG (બોર્ડ ઑવ્ ગવર્નર્સ)નાં અધ્યક્ષ છે અને 2024માં એમને IIITDM કુરનૂલ, આંધ્રપ્રદેશના BOGનાં અધ્યક્ષનો પણ કાર્યભાર સોંપવામાં આવ્યો છે. એમણે NIPER (નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ) 2016ના BOGના સભ્યના રૂપમાં પણ કાર્ય કર્યું છે.

વિજયલક્ષ્મી દેશમાને
કર્ણાટક રાજ્યના એક અત્યંત પછાત જિલ્લા કલબુર્ગીની ઝૂંપડપટ્ટીમાં જન્મેલાં ડૉ. વિજયલક્ષ્મી અનુસૂચિત જાતિ (મડિગા) સમુદાયનાં છે. તેમનાં માતા ફળ અને શાકભાજી વેચતાં હતાં અને પિતા કલબુર્ગીના સ્વાતંત્રસેનાની હતા. એમણે કર્ણાટક મેડિકલ કૉલેજ હુબલી(1980)માંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી. તેઓ સરકારી મેડિકલ કૉલેજ બેલ્લારીમાં પ્રથમ મહિલા એમ.એસ. (MS) વિદ્યાર્થિની હતાં અને એમણે સરકારી મેડિકલ કૉલેજ બેલ્લારી(1985)માંથી જનરલ સર્જરીમાં એમ.એસ. પૂરું કર્યું. એમને ઍસોસિયેશન ઑવ્ સર્જન્સ ઑવ્ ઇન્ડિયા (1993) તરફથી સર્જિકલ ઑન્કોલૉજીમાં ફેલોશિપ મળી. એમણે ટાટા મેમોરિયલ હૉસ્પિટલ મુંબઈમાં ઑન્કોલૉજીનું શિક્ષણ મેળવ્યું. એમને અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 1999 વર્ષની મહિલાના રૂપમાં (Woman of the year) સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ડૉ. વિજયલક્ષ્મીએ કિડવાઈ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑન્કોલૉજી બૅંગાલુરુના સર્જિકલ ઑન્કોલૉજી વિભાગમાં 3 દાયકા સુધી કામ કર્યું. તેઓ ત્યાં ફર્સ્ટ લેડી સિનિયર રેસિડેન્ટ અને સર્જિકલ ઑન્કોલૉજી વિભાગમાં ફર્સ્ટ લેડી ફૅકલ્ટીના રૂપમાં સામેલ અને વર્ષ 2015 સર્જિકલ ઑન્કોલૉજી વિભાગનાં પ્રોફેસર અને પ્રમુખના રૂપમાં સેવાઓમાંથી નિવૃત્તિ લીધી. એમણે એક પ્રમુખ સંસ્થા કિડવાઈ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑન્કોલૉજીના નિર્દેશકના રૂપમાં પણ કામ કર્યું છે. ડૉ. દેશમાનેએ વરિષ્ઠ રેસિડેન્ટ, વિભિન્ન મેડિકલ કૉલેજોના એમ.એસ. વિદ્યાર્થીઓ, એમ.સી.એચ. (સર્જિકલ ઑન્કોલૉજી) વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કર્યા. એમણે કિડવાઈ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑન્કોલૉજી, બૅંગાલુરુમાં મુખ્ય અન્વેષકના રૂપમાં વૈશ્વિક સ્તન કૅન્સર અનુસંધાન પરિયોજનાઓનું સંચાલન કર્યું છે. ડૉ. દેશમાનેને મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાનાં નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. પ્રમુખ અન્વેષકના રૂપમાં એમણે વૈશ્વિક સ્તન કૅન્સર પરિયોજનાનું સંચાલન કર્યું અને આંતરરાષ્ટ્રીય કૅન્સર પત્રિકામાં આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો. એમણે દેશ અને વિદેશમાં વિભિન્ન સંમેલનોમાં કૅન્સર શોધપત્ર પ્રસ્તુત કર્યા. એમણે કર્ણાટક મેડિકલ કૉલેજ, બૅંગાલુરુ મેડિકલ કૉલેજ અને એસ.એન.ડી.ટી. વિશ્વવિદ્યાલય, મુંબઈમાં દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યાં છે.
ડૉ. વિજયલક્ષ્મી એક પ્રસિદ્ધ પરોપકારી વ્યક્તિ છે. પેન્શન લાભમાંથી તેમણે બનશંકરી બૅંગાલુરુમાં શ્રીકૃષ્ણ મંદિર બનાવડાવ્યું છે અને એમણે હુબલીમાં ગૌશાળા શરૂ કરવાની યોજના બનાવી છે. તેઓ કર્ણાટક કૅન્સર સોસાયટીનાં અધ્યક્ષ રહી ચૂક્યાં છે. ડૉ. દેશમાનેની જીવનકથા વર્લ્ડ જર્નલ ઑવ્ સર્જરીમાં પ્રકાશિત થઈ છે. ડૉ. દેશમાનેની પારિવારિક ફિલ્મ ‘માતંગી દેવીતિગે’નું નિર્માણ કરવામાં આવ્યું અને એને બૅંગાલુરુમાં વર્ષ 2022માં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં દર્શાવવામાં આવી. ‘માતંગી દેવીતિગે’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો અને એને દાદાસાહેબ ફાળકે અચીવર્સ ઍવૉર્ડ (2024) પ્રાપ્ત થયો.
ડૉ. વિજયલક્ષ્મીને ઘણા પુરસ્કારો મળ્યા છે. સ્તન કૅન્સરના સંશોધનકાર્યમાં એમના અસાધારણ યોગદાન માટે એમને થાઇલૅન્ડમાં આયોજિત ઑન્કોલૉજી શિખર સંમેલન(2011)માં પુરસ્કાર મળ્યો. એમને કર્ણાટક મહિલા વિશ્વવિદ્યાલય બીજાપુર તરફથી સર્જિકલ ઑન્કોલૉજીના ક્ષેત્રમાં એમની સેવાઓના માનમાં ડૉક્ટર ઑવ્ સાયન્સની માનદ પદવી (2013) મળી. કર્ણાટક સરકારે સર્જિકલ ઑન્કોલૉજીના ક્ષેત્રમાં એમની સેવાઓના માનમાં એમને રાજ્યોત્સવ પુરસ્કાર(2024)થી સન્માનિત કર્યાં છે.
પૂરવી ઝવેરી