દેશપાંડે, આત્મારામ રાવજી, ‘અનિલ’ (જ. 11 સપ્ટેમ્બર 1901, મૂર્તિજાપુર; અ. 1982; નાગપુર) : મરાઠી કવિ. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ નાગપુરમાં. બી.એ., એલએલ.બી. થયા પછી ન્યાયાધીશ તરીકે સેવાઓ આપી. ત્યારપછી નાગપુર ખાતે સમાજશિક્ષણ-વિભાગના સંચાલક તરીકે કામ કર્યું. ત્યાર બાદ દિલ્હી ખાતેના નૅશનલ ફંડામેન્ટલ એજ્યુકેશન સેન્ટરના નિયામક બન્યા.
કૉલેજમાં હતા ત્યારથી જ તેમણે લેખનપ્રવૃત્તિ શરૂ કરેલી. મરાઠી કવિતામાં એમણે મુક્તછંદના સફળ પ્રયોગ કરેલા તેથી મરાઠીમાં મુક્તછંદના એ પ્રણેતા બન્યા. એમણે વૈયક્તિક પ્રેમકવિતાને સમાજપ્રેમ તથા માનવતાવાદ તરફ વળાંક આપ્યો.
એમની કાવ્યચેતનાની પ્રવૃત્તિ શૃંગારાત્મક ઊર્મિકાવ્યોની રચનાથી શરૂ થઈને ક્રાંતિકારી ગીતો તરફની રહી હતી. એમનો ‘ફૂલવાત’ પ્રથમ કાવ્યસંગ્રહ (1932) જે વ્યક્તિગત પ્રેમકાવ્યોનો સંગ્રહ છે, એમાં એકનિષ્ઠ પ્રેમની અભિવ્યક્તિ છે. એમાં ભાવોત્કટતા છે. ‘પ્રેમ આણિ જીવન’ (1935) તથા ‘નિર્વાસિત ચીની મુલાસ’ (1943) ઉપરાંત, ‘પરતેવ્હા’ (1947) અને ‘સાંગાતી’ (1961) આ બે એમના અન્ય કાવ્યસંગ્રહો છે. ‘ભગ્ન મૂર્તિ’ (1940) એમનાં ખંડકાવ્યો છે. એમાં વિચાર તથા ભાવનું સુભગ મિશ્રણ છે. એમણે એમની કવિતામાં નૈતિક તથા આધ્યાત્મિક મૂલ્યો જાળવવાનો આગ્રહ રાખ્યો છે. તેમ છતાં એ પ્રકારનાં કાવ્યોની રસાત્મકતા ઊર્મિકાવ્યો જેટલી જ રહી છે. મુક્તછંદ એ તેમનો પ્રિય કાવ્યપ્રકાર હતો જેના પર તેમણે ઘણા લેખો પણ લખ્યા હતા. ‘ભગ્નમૂર્તિ’ ખંડકાવ્યની બીજી આવૃત્તિ(1965)ના પરિશિષ્ટમાં તેમાંથી કેટલાક લેખો પ્રકાશિત કરવામાં આવ્યા છે.
1958માં માલવણ ખાતે યોજાયેલ અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના તથા 1966માં વિદર્ભ મરાઠી સાહિત્ય સંમેલનના તેઓ પ્રમુખ હતા. 1964 દરમિયાન તેઓ સાહિત્ય અકાદમીના સભ્ય હતા. ઉપરાંત, મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતિ મંડળના પણ તેઓ સભ્ય હતા.
મરાઠી સાહિત્ય સંમેલન તરફથી એમનું સન્માન કરવામાં આવ્યું હતું તથા પુણે વિશ્વવિદ્યાલયનો કાવ્ય પુરસ્કાર પણ 1970માં તેમને પ્રદાન કરવામાં આવ્યો હતો.
અરુંધતી દેવસ્થળે
અનુ. ચન્દ્રકાન્ત મહેતા