દેવીભાગવત : બાર સ્કંધમાં વિભક્ત પુરાણ. આરંભે ભાગવત-માહાત્મ્ય અને દેવીભાગવતની શ્રવણવિધિ પછી પ્રથમ સ્કંધમાં ઋષિઓનો આ પુરાણ વિશે પ્રશ્ન, ગ્રંથસંખ્યા, વિષયકથન પછી પુરાણ સાહિત્યનું વિવરણ, શુકજન્મ, હયગ્રીવકથા, મધુકૈટભવૃત્તાંત, વ્યાસને પુત્ર માટે શિવનું વરદાન, બુધની ઉત્પત્તિ, પુરુરવા-ઉર્વશી-વૃત્તાંત, શુકદેવનો જન્મ, તેમનાં ગાર્હસ્થ્ય અને વૈરાગ્ય, દેવીનો વિષ્ણુને ઉપદેશ, શુકદેવજીને પુરાણનો ઉપદેશ, જનકની પરીક્ષા માટે શુકદેવજીનું મિથિલા જવું, શુકદેવનો વિવાહ, શુકગમન અને ત્યારબાદ વ્યાસનું કાર્ય વીસ અધ્યાયોમાં નિરૂપાયાં છે. મત્સ્યગંધાનો જન્મ, વ્યાસનો જન્મ, ગંગા અને વસુઓને શાપ, ગંગા-શાંતનુ વિવાહ, શાંતનુ-સત્યવતી વિવાહ, પાંડવોની ઉત્પત્તિ, પરીક્ષિતવૃત્તાંત, રુરુવૃત્તાંત, પરીક્ષિતનો સુરક્ષિત ગૃહવાસ, તક્ષક-કશ્યપ સંવાદ, પરીક્ષિતને નાગદંશ અને તેનું મૃત્યુ, જનમેજય દ્વારા સર્પયજ્ઞ, આસ્તિકની ઉત્પત્તિ અને શ્રીમદભાગવતમાહાત્મ્ય બીજા સ્કંધના બાર અધ્યાયોના વિષયો છે. ભુવનેશ્વરીની બ્રહ્માદિ દ્વારા સ્તુતિ, દેવીનું સ્વરૂપ, વાગ્બીજનો મહિમા અને સત્યવ્રતને મળેલી સિદ્ધિ, અંબા-યજ્ઞવિધિ, વિષ્ણુ દ્વારા દેવીયજ્ઞ, ધ્રુવસિદ્ધિ, યુધાજિત અને વીરસેનનો વૃત્તાંત, સુદર્શનને કામબીજની પ્રાપ્તિ, શશિકલાનો સ્વયંવર, સુદર્શનનો વિવાહ, શત્રુ રાજાઓનો દેવી દ્વારા વિનાશ અને દેવીનો કાશીમાં નિવાસ, નવરાત્રવિધિ અને માહાત્મ્ય, રામોપાખ્યાન, રામ દ્વારા નવરાત્ર વ્રત ત્રીજા સ્કંધના ત્રીસ અધ્યાયોમાં નિરૂપાયાં છે.
જનમેજયનો શ્રીકૃષ્ણ સંબંધી પ્રશ્ન, કર્મમીમાંસા, અદિતિ-કશ્યપનો શાપ, નારાયણની તપસ્યા, ઇન્દ્ર દ્વારા અપ્સરા-પ્રેષણ, ઉર્વશી આદિનું સર્જન, પ્રહલાદ-ચ્યવન સંવાદ, પ્રહલાદ અને નારાયણનું યુદ્ધ, દેવ-દાનવ-સંગ્રામ, મંત્રપ્રાપ્તિ માટે શુક્રાચાર્ય દ્વારા શિવોપાસના, બૃહસ્પતિ દ્વારા શુક્રાચાર્યના વેશે દૈત્યોનું પ્રતારણ, દૈત્યોને શુક્રનો શાપ, જયંતીવૃત્તાન્ત, વિષ્ણુના અવતારો, પૃથ્વી દ્વારા બ્રહ્માની શરણાગતિ, શ્રીકૃષ્ણચરિત્ર અને પરાશક્તિનો મહિમા ચોથા સ્કંધના પચીસ અધ્યાયોના વિષયો છે. પાંચમા સ્કંધમાં શિવની વિષ્ણુ કરતાં શ્રેષ્ઠતા, મહિષાસુરની ઉત્પત્તિ, દેવસભામાં મંત્રણા, મહિષાસુર સાથે દેવોનું યુદ્ધ અને તેમનો પરાજય, જગદંબાનું પ્રાકટ્ય, દેવી-દૂત-સંવાદ, મહિષાસુરની મંત્રણા, બાષ્કલ દુર્મુખની વિદાય, યુદ્ધમાં તામ્ર, ચિક્ષુર-અસિલોમા આદિનો નાશ, મહિષાસુરવધ, દેવો દ્વારા દેવીની સ્તુતિ, શુભાસુરકથા, પદભ્રષ્ટ દેવો, કૌશિકીનું પ્રાકટ્ય, દેવી-દૂત-સંવાદ, ધૂમ્રલોચનનાશ, ચંડમુંડવધ, રક્તબીજવધ, નિશુંભશુંભવધ, સુરથ-સમાધિની કથા, ભુવનેશ્વરી-માહાત્મ્ય અને પૂજાવિધિ, રાજા સુરથ અને વૈશ્ય સમાધિને દેવીનું દર્શન અને તેમને વરદાન નિરૂપાયાં છે. અહીં માર્કંડેય પુરાણમાંનો સપ્તશતીનો વૃત્તાંત પ્રધાનતયા આવે છે. વિશ્વરૂપની તપશ્ચર્યાના પરિણામે વૃત્રાસુરનો જન્મ, દેવાસુરસંગ્રામ, પરાજિત દેવોની તપશ્ચર્યા, શંકરની શરણાગતિ, દેવીસ્તુતિ, દેવોને વરદાન, પુન: દેવાસુરસંગ્રામ, વૃત્રાસુરવધ, ઇન્દ્રનો ગુપ્તવાસ અને નહુષનો ઇન્દ્રપદે અભિષેક, ઇન્દ્રાણી માટે લોલુપ નહુષનું પતન, યુગધર્મનિરૂપણ, તીર્થયાત્રા પ્રસંગે આડીબકયુદ્ધ, શુન:શેપની કથા, મિત્રાવરુણના પુત્ર તરીકે વસિષ્ઠ, નિમિની દેહાન્તરપ્રાપ્તિ, હૈહય અને ભૃગુવંશ વચ્ચે વૈમનસ્ય, વિષ્ણુલક્ષ્મીથી જન્મેલા પુત્રની કથા, હૈહયનો રાજ્યાભિષેક, એકાવલીકથા, કાલકેતુવધ, હૈહયવિવાહ, પ્રારબ્ધકર્મનું પ્રાબલ્ય, વ્યાસ-નારદનો વ્યામોહ, નારદનું સ્ત્રીસ્વરૂપે તાલધ્વજની પત્ની બનવું, વિષ્ણુવર્ણિત મહામાયાનો મહિમા અને તેને દૂર કરવાના ઉપાય છઠ્ઠા સ્કંધના એકત્રીસ અધ્યાયોના વિષયો છે. સાતમા સ્કંધમાં સૂર્ય-ચંદ્રવંશવર્ણન, શર્યાતિની પુત્રી સુકન્યા અને ચ્યવનનો વૃત્તાંત, અશ્વિનીકુમારોને સોમભાગ, રેવત, કકુત્સ્થ, માંધાતા, સત્યવ્રત, ત્રિશંકુ-વૃત્તાંત, હરિશ્ચન્દ્ર, વરુણ-શુન:શેપ-વિશ્વામિત્રનું વૃત્તાંત, શતારક્ષીદેવી અને દુર્ગમ દૈત્ય વૃત્તાંત, લક્ષ્મી, ગૌરી-પાર્વતીનું પ્રાકટ્ય, દેવીનું મહાઘોર વિશ્વરૂપદર્શન, મોક્ષપ્રાપ્તિ માટે જ્ઞાનની અગત્ય, બ્રહ્મતત્વ, બ્રહ્મવિદ્યા, દેવીનાં સ્થાનો-વ્રતો-મહોત્સવ-પૂજાવિધિ ચાલીસ અધ્યાયોમાં નિરૂપાયાં છે. આઠમા સ્કંધમાં મનુને દેવીનું વરદાન, વરાહ દ્વારા પૃથ્વીનો ઉદ્ધાર, સ્વાયંભુવ મનુવંશવર્ણન, પ્રિયવ્રતની કથા, ભૂમંડળવિસ્તાર, દેવીઓનાં વર્ણન, મહામેરુ, દ્વીપ-ખંડવર્ણન, સૂર્ય-ચંદ્ર-રાહુ-ધ્રુવ-મંડળ વગેરે દ્વારા ખગોલદર્શન, સાત અધોલોક, શેષનાગ અને નરકવર્ણન ચોવીસ અધ્યાયોમાં વિગતે મળે છે.
નવમા સ્કંધના પચાસ અધ્યાયોમાં પાંચ પ્રકૃતિ અને શક્તિઓ, મહાવિરાટ અને બ્રહ્માંડની ઉત્પત્તિ અને વર્ણન, સરસ્વતી-પૂજા-કવચ, શાપને લીધે લક્ષ્મી, ગંગા અને સરસ્વતીનો પૃથ્વી ઉપર જન્મ અને ઉત્પત્તિ, કલિયુગમાં લોકોનું વર્ણન, ભૂમિશક્તિની ઉત્પત્તિ, પૃથ્વીદેવીના અપરાધનું ફળ, ગંગાનું આખ્યાન, ગંગાપૂજન-ધ્યાન-સ્તોત્ર-મહિમા, સાવર્ણિની કથા, શંખચૂડ-તુલસીવૃત્તાંત, તુલસીમાહાત્મ્ય, અશ્વપતિના પુત્ર સત્યવાન-સાવિત્રીનું ઉપાખ્યાન, નરકુંડવર્ણન, દેવીની ભક્તિનો મહિમા, મહાલક્ષ્મીપૂજનવિધિ-મંત્ર-સ્તોત્રાદિ, સ્વાહા, સ્વધા અને દક્ષિણાનું આખ્યાન, ષષ્ઠી-મંગલચંડી અને મનસાદેવીનાં આખ્યાન, સુરભિનું આખ્યાન તેમજ રાધા અને દુર્ગાનાં વિધાન નિરૂપાયાં છે.
દશમા સ્કંધમાં સ્વાયંભુવ મનુનું આખ્યાન, વિંધ્યાચળવૃત્તાંતમાં શંકર સહિત દેવોની વિષ્ણુસ્તુતિના પરિણામે અગસ્ત્ય પાસે જઈ પ્રાર્થના અને વિંધ્યને અગસ્ત્યે નમાવ્યાની ઘટના, સ્વારોચિષ ઉત્તમ, તામસ અને રૈવત, ચાક્ષુષ, વૈવસ્વત મનુ અને સાવર્ણિ મનુની કથા, મહાકાલી-મહાલક્ષ્મી-મહાસરસ્વતી-ચરિત્રકથા, બાકી છ મનુના વૃત્તાંત અને ભ્રામરી દેવીનું આખ્યાન તેર અધ્યાયોના વિષયો છે. અગિયારમા સ્કંધના ચોવીસ અધ્યાયોમાં પ્રાત:કૃત્ય, શૌચાદિક્રિયા, સ્નાનાદિવિધિ, રુદ્રાક્ષમહિમા, જપમાલાવિધાન, ભસ્મધારણ, ત્રિપુંડ્ર અને ઊર્ધ્વપુંડ્રમહિમા, સંધ્યોપાસન, દેવીપૂજામાં વિશિષ્ટ ઉપચારો, બૃહદ્રથકથા, મધ્યાહ્નસંધ્યા, ગાયત્રીપુરશ્ચરણપ્રકાર, વૈશ્વદેવાદિકર્મ, ભોજનવિધિ, તપ:કૃચ્છ્રાદિવ્રત, કામ્યકર્મ અને પ્રાયશ્ચિત્તવિધિ નિરૂપાયાં છે. અંતિમ બારમા સ્કંધના ચૌદ અધ્યાયોમાં ગાયત્રી મંત્રનાં ઋષિ, દેવતા, છંદ, વર્ણ, મુદ્રા, કવચ, હૃદય, સ્તોત્ર, સહસ્રનામ, દીક્ષાવિધિ બાદ કેનોપનિષદનો ઉમાવૃત્તાંત, ગૌતમનો બ્રાહ્મણોને શાપ, મણિદ્વીપ-ચિંતામણિગૃહવર્ણન, દેવીનું ધ્યાન, જનમેજય દ્વારા દેવીયજ્ઞ અને અંતે દેવીભાગવત-ફલદર્શન નિરૂપાયાં છે.
ભાગવતની જેમ દેવીભાગવતમાં પણ 12 સ્કંધો અને 18,000, શ્લોકો છે. છતાં બંને પુરાણો જુદાં છે. શિવપુરાણ દેવીભાગવત અને દેવી-પુરાણ બંનેને અલગ રચનાઓ માને છે. ભાગવતપુરાણ અને દેવીભાગવત બંને ભિન્ન રચનાઓ છે. તેથી દેવીભાગવતને ભાગવતની જેમ મહાપુરાણ ગણનારો એક મત પ્રવર્તે છે અને તેને માટે જુદા જુદા પૌરાણિક ઉલ્લેખો ટાંકે છે. રામાશ્રમ અને બાલંભટ્ટ દેવીભાગવતને જ ભાગવત માને છે. જ્યારે મધુસૂદન સરસ્વતી, નાગેશ ભટ્ટ, પુરુષોત્તમ વગેરે દેવીભાગવતને ઉપપુરાણ માને છે, મહાપુરાણ ગણતા નથી.
વળી કેટલાક ભાગવત મહાપુરાણને બારમી સદીમાં થયેલા બોપદેવની રચના માને છે અને ભાગવતનો સમય બારમી સદી કહે છે; પરંતુ વેદવ્યાસે કરેલી ભાગવતની રચના નવમી સદીની માનનારાઓનો વર્ગ વિશાળ છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા