દેવસેન, નવનીતા

March, 2016

દેવસેન, નવનીતા (જ. 13 જાન્યુઆરી 1938, કૉલકાતા) : બંગાળી લેખિકા. કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી તથા બંગાળી વિષય લઈને એમ.એ. થયાં અને યુનિવર્સિટીમાં પ્રથમ આવી સુવર્ણચંદ્રક મેળવ્યો. વધુ અભ્યાસ માટે અમેરિકા ગયાં, અને ત્યાં ઇન્ડિયાના યુનિવર્સિટીમાં 1963માં તુલનાત્મક સાહિત્ય પર શોધપ્રબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તે પછી તેમણે સ્નાતકોત્તર ફેલો તરીકે 1964–66 કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં, 1965–68 દિલ્હી યુનિવર્સિટીમાં અને પછી 1974માં રૉયલ એશિયાટિક સોસાયટીમાં ફેલો તરીકે કામ કર્યું. 1978થી જાદવપુર યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્યનાં પ્રાધ્યાપિકા તરીકે નિવૃત્ત થયાં છે. ભારતીય જ્ઞાનપીઠની પ્રવર પરિષદ, જે પુરસ્કારનો અંતિમ નિર્ણય લે છે તેનાં તેઓ સભ્ય છે.

પિતાનું નામ નરેન્દ્ર દેવ અને માતાનું નામ રાધારાણી દેવી. તેઓ હિન્દી, ઓરિયા, અસામી, ફ્રેન્ચ, જર્મન, સંસ્કૃત અને હિબ્રૂ વગેરે ભાષાના જાણકાર છે.

નવનીતા દેવસેન જ્ઞાનપીઠ ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, કબીર સન્માન અને રવીન્દ્ર પુરસ્કાર વગેરે સમિતિઓમાં નિર્ણાયક તરીકે કાર્ય કરે છે. તેઓ બંગીય સાહિત્ય પરિષદનાં વાઇસ પ્રેસિડન્ટ અને વેસ્ટ બગાલ વીમેન્સ રાઇટર્સ ઍસોસિએશનનાં સ્થાપક અને પ્રમુખ છે.

એમણે કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, સાહિત્યવિવેચન, પ્રવાસ – એ બધાં સાહિત્યસ્વરૂપોમાં યશસ્વી પ્રદાન કર્યું. છે. એમની ચોવીસ કૃતિઓ પ્રગટ થઈ છે. તેમાં ‘પ્રથમ પ્રત્યય’ તથા ‘સ્વાગત દેવદૂત’ કાવ્યસંગ્રહો છે. ‘આમિ અનુપમ’ નવલકથા છે, ‘‘મોન્સૂર હોલ્કર હૉલિડે’ નવલિકા-સંગ્રહ છે. ‘કરુણા તોમાર કોન પથ દિયે’ એ પ્રવાસવર્ણનનું પુસ્તક છે અને ‘ઈશ્વરેર પ્રતિદ્વંદ્વી’ તથા ‘અન્યાન્યપ્રબંધ’ સાહિત્યવિવેચન છે.

નવનીતા દેવસેન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડથી સન્માનિત થયાં છે. તેઓ ગૌરવદેવી મેમોરિયલ ઍવૉર્ડ, મહાદેવી વર્મા ઍવૉર્ડ (1992), ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ, હાર્મની ઍવૉર્ડ, ‘પદ્મશ્રી’ (2000), રૉકફેલર ફાઉન્ડેશન તરફથી સેલે ઍવૉર્ડ (1993), ભાગલપુર યુનિવર્સિટી બિહાર તરફથી શરત ઍવૉર્ડ, પ્રસાદ પુરસ્કાર અને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ(1999)થી સન્માનિત થયાં છે.

વિદેશમાં જર્મની, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, રશિયા તથા અમેરિકાની યુનિવર્સિટીઓમાં એમણે તુલનાત્મક સાહિત્ય પર વ્યાખ્યાનો આપ્યાં છે.

ચન્દ્રકાન્ત મહેતા