દેવસિયા, પી. સી. (જ. 24 માર્ચ 1906, કુદમલૂર, કોટ્ટયમ, કેરળ; અ. 10 ઑક્ટોબર 2006, તિરુવનંતપુરમ્, કેરળ) : સંસ્કૃતના વિદ્વાન કવિ. તેમના મહાકાવ્ય ‘ક્રિસ્તુ ભાગવતમ્’ને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પરંપરાગત રીતે સંસ્કૃતનો અભ્યાસ કર્યા બાદ કેરળના કેટલાક અગ્રણી પંડિતો પાસે કાવ્યો, નાટકો, વેદો તથા ઉપનિષદોનો અભ્યાસ કર્યો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી મલયાળમ અને સંસ્કૃત સાથે બી.એ. અને એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. તેમણે વિવિધ કૉલેજોમાં સંસ્કૃત અને મલયાળમનું અધ્યાપન કર્યું. નિવૃત્તિ પછી તેમને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની ફેલોશિપ મળી અને તે અન્વયે તેમણે સોમદેવરચિત ‘કથા-સરિત્સાગર’નું મલયાળમમાં ભાષાંતર કર્યું. કેરળનાં સંખ્યાબંધ સાહિત્યિક સામયિકો તથા સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા. તેઓ મલયાળમ ભાષામાં પણ લખે છે. અનૂદિત પુસ્તકો સાથે કુલ 14 પુસ્તકો તેમણે આપ્યાં છે.
ઈસુ ખ્રિસ્તના જીવનની મહાકાવ્યોચિત માવજત, સરળ, અનલંકૃત અને સંયત ભાષાશૈલી તથા કલ્પનામઢી રજૂઆત જેવી વિશેષતાઓને કારણે તેમનું પુરસ્કૃત મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યમાં મહત્વનું પ્રદાન લેખાય છે.
મહેશ ચોકસી