દેવળ : સિંધ પ્રાન્તનું સિંધુના મુખ ઉપર આવેલું બંદર અને વેપારી કેન્દ્ર. હાલ સિંધુ ઉપર જ્યાં થટ્ટા આવેલું છે ત્યાં દેવળ બંદર હતું એવું એક મંતવ્ય છે. ઘારો ગામની પશ્ચિમે 3.2 કિમી. દૂર આવેલ ઘારો ખાડીના ઉત્તર કાંઠે તે આવેલું હતું એવું પણ એક મંતવ્ય છે.
દેવળ મોટું વેપારી કેન્દ્ર હતું અને તેનો દેશના અન્ય પ્રદેશો તથા પડોશી દેશો સાથે બહોળો વેપાર હતો. નવમી સદીમાં તેની વિવિધ નિકાસો પૈકી એલૉકનું લાકડું, ચંદનનું લાકડું, કપૂર અને તેનું પાણી, જાયફળ, લવિંગ, નારિયેળ, વિવિધ ઔષધિઓ, રેશમી અને સુતરાઉ કાપડ, ગળી, વાંસ, કઠ, નેતર વગેરે હતાં, ઇબ્ને સૈયદના મતે ત્યાં બસરાથી ખજૂરની આયાત કરાતી હતી.
ઇતિહાસ : ખલીફા ઉમરના શાસન (ઈ. સ. 634–44) દરમિયાન ઈ. સ. 643ના અરસામાં આરબોએ દેવળ બંદરની સમૃદ્ધિથી આકર્ષાઈને દરિયામાર્ગે હુમલો કર્યો હતો. પણ ચચનામા પ્રમાણે આરબોની હાર થઈ હતી. ખલીફા ઉમર અને ઉદ્દમાનના શાસન દરમિયાન જમીનમાર્ગે તેના પર હુમલા ચાલુ રહ્યા હતા. ત્યારબાદ 708માં ઇરાકના સૂબા હજ્જાજના હુકમથી ઉબેદુલ્લાની સરદારી નીચે દેવળ ઉપર ચડાઈ કરવામાં આવી, પણ તેની હાર થઈ અને તે માર્યો ગયો. બુદૈલની આગેવાની નીચે ખલીફાઓએ ઓમાનથી દરિયામાર્ગે ફરી દેવળ ઉપર ચડાઈ કરી, પણ દાહરપુત્ર જયસિંહે આખો દિવસ સામનો કરી બુદૈહને હાર આપી અને તે લડાઈમાં માર્યો ગયો. આથી હજ્જાજે તેના ભત્રીજા અને જમાઈ મુહમ્મદ બિન કાસમને મોટા કાફલા સાથે દેવળ ઉપર ચડાઈ કરવા મોકલ્યો. ખલીફાએ 6,000 સિરિયન સૈનિકોને તેની સહાય અર્થે મોકલ્યા હતા. ત્રણ દિવસ આ યુદ્ધ ચાલ્યું. દરિયાઈ માર્ગે મોકલાયેલી ભારે સામગ્રીનો ઉપયોગ કરી કિલ્લા ઉપર હુમલો કરી ખલીફાએ તે જીતી લીધો અને ત્રણ દિવસ સુધી ત્યાંના લોકોની કતલ કરી અને મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકોને ગુલામ તરીકે પકડ્યાં.
શિવપ્રસાદ રાજગોર