દેવ (જ. 1673 લગભગ, ઇટાવા, ઉત્તરપ્રદેશ; અ. 1767 લગભગ) : હિન્દી કવિ. મૂળનામ દેવદત્ત. હિંદીમાં મહાકવિ દેવના નામે ખ્યાત. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા બિહારીલાલ દૂબે. જીવનકાળ દરમિયાન જુદા જુદા રાજા કે શ્રીમંતના આશ્રયે એકાધિક સ્થળે નિવાસ. લગભગ સોળ વર્ષની વયે ‘ભાવવિલાસ’ની રચના.
કવિના આશ્રયદાતાઓમાં ઔરંગઝેબનો પુત્ર આજમશાહ, ભવાનીદત્ત વૈશ્ય, ફફૂંદના રાજા કુસલસિંહ, શેઠ ભોગીલાલ, ઉદ્યોતસિંહ, સુજાનમણિ, પિહાનીના રાજા અકબરઅલીખાં વગેરે હતા. એમણે જેમના આશ્રયે રહીને જે રચના કરી તેમને તે રચના અર્પણ કરી છે. દેવ સિદ્ધવચની હોવાની કિંવદંતીઓ ઇટાવા અને કુસમરા ગામમાં પ્રચલિત છે. પ્રારંભે રસિક અને વૈભવવિલાસના શોખીન એવા દેવમાં આગળ જતાં જીવનના અનુભવે વૈરાગ્ય જાગ્યો હશે. અનેક યાત્રાઓના પરિણામે મળેલાં જ્ઞાન અને અનુભવનું પ્રતિબિંબ એમની રચનાઓમાં જોવા મળે છે. સંસ્કૃત, પ્રાકૃત કાવ્યશાસ્ત્ર તથા સાહિત્ય ઉપરાંત કવિએ તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ અને બિહારી જેવા પોતાના પૂર્વજ હિંદી કવિઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. દેવને વૈષ્ણવદર્શન, વેદાંત, તંત્રસાધના, સંગીત, જ્યોતિષ અને આયુર્વેદનું જ્ઞાન હતું.
દેવના ગ્રંથોની સંખ્યા અંગે વિદ્વાનોમાં મતભેદ છે; પરંતુ આજે ઉપલબ્ધ એવા તેમના 18 આધારભૂત ગ્રંથો છે, જેમનો રચનાકાળ હિંદી સાહિત્યમાં રીતિકાલના નામે ઓળખાય છે. આ યુગની કવિતાની બે વિશેષતા છે : એક તો શૃંગારરસપ્ર્રધાનતા અને કલાપ્રધાનતા. એ સમયે હિંદીમાં ત્રણ પ્રકારની કાવ્યધારાના રાજ્યાશ્રિત કવિઓ જોવા મળે છે. જેઓ આચાર્ય હતા અને કાવ્યશિક્ષણના હેતુસર વ્રજભાષામાં ઉદાહરણરૂપ કાવ્યો રચતા એ બધા રીતિબદ્ધ કહેવાયા. જે કવિઓ શિક્ષણના પ્રયોજન વિના કાવ્યશાસ્ત્રના અનુશીલન દ્વારા કાવ્યો રચતા તે રીતિસિદ્ધ કહેવાયા. ત્રીજા પ્રકારના કવિઓ કશી પણ પરિપાટીને સ્વીકાર્યા વિના નિજાનંદ કાવ્યો રચતા તે રીતિમુક્ત ગણાયા. દેવમાં રીતિબદ્ધતા અને રીતિસિદ્ધતાનું અપૂર્વ મિલન થયેલું જોવા મળે છે.
દેવના મહત્વપૂર્ણ ગ્રંથોમાં ‘ભાવવિલાસ’, ‘અષ્ટયામ’, ‘ભવાનીવિલાસ’, ‘પ્રેમતરંગ’, ‘કુશલવિલાસ’, ‘જાતિવિલાસ’, ‘રસવિલાસ’, ‘સુજાનવિનોદ’, ‘સુખસાગરતરંગ’, ‘શબ્દરસાયન’, ‘રાગરત્નાકર’, ‘પ્રેમચંદ્રિકા’, ‘દેવચરિત્ર’, ‘દેવમાયાપ્રપંચનાટક’, ‘દેવશતક’ અથવા ‘વૈરાગ્યશતક’ અને ‘શિવાષ્ટક’ છે.
‘ભાવવિલાસ’ રીતિગ્રંથમાં રાધાકૃષ્ણને નાયક-નાયિકા રૂપે વર્ણવીને કવિ શૃંગારની રસરાજ રૂપે સ્થાપના કરે છે. પાંચ વિલાસમાં વિભાજિત આ ગ્રંથમાં સ્થાયીભાવ રતિ, સંચારી ભાવો, રસવર્ણન, નાયક-નાયિકાભેદ તથા અલંકારનું નિરૂપણ થયું છે. આ ગ્રંથ ઉપર સંસ્કૃત રચનાકાર ભાનુદત્ત અને હિંદી કવિ આચાર્ય કેશવનો પ્રભાવ જોવા મળે છે. ‘અષ્ટયામ’માં રાધાકૃષ્ણના આઠ યામના વિવિધ વિલાસ અને ‘ભવાનીવિલાસ’, ‘પ્રેમતરંગ’, ‘કુશલવિલાસ’, ‘રસવિલાસ’, ‘સુજાનવિનોદ’ તથા ‘સુખસાગરતરંગ’માં વિશેષે નાયિકાભેદનું સવિસ્તર વર્ણન થયું છે. ‘જાતિવિલાસ’માં મૂકેલાં વિવિધ પ્રદેશોની સ્ત્રીઓનાં વર્ણનોમાં દેવનો યાત્રા-અનુભવ કામે લાગ્યો જણાય છે. વિષયની એકરૂપતાને કારણે ઉદાહરણો એકથી વધુ સ્થાને ઉદ્ધૃત થયાં છે. એથી ક્યારેક પુનરાવર્તન પણ લાગે. શુદ્ધ કવિતાની ર્દષ્ટિએ સૌથી સરસ રચના છે ‘પ્રેમચંદ્રિકા’. અહીં કવિએ શુદ્ધ પ્રેમરસનું પાન કરાવ્યું છે. ‘રાગરત્નાકર’ પુસ્તક દેવના સંગીતજ્ઞાનનું સબળ પ્રમાણ છે. બે અધ્યાયમાં મુખ્ય છ રાગ અને તેમની ભાર્યાઓનું તથા બીજામાં તેર ઉપરાગોનું પ્રતીકાત્મક વર્ણન કરવામાં આવ્યું છે. શુદ્ધ રીતિગ્રંથ રૂપે ‘શબ્દરસાયન’ કાવ્યનું મહત્વ, સ્વરૂપ, પદાર્થનિર્ણય, નવરસ, દસ રીતિ, ચાર વૃત્તિ, અલંકાર અને પિંગળનું અગિયાર પ્રકાશમાં સંપૂર્ણ વિવેચન છે.
દેવની ઉત્તરાવસ્થામાં રચાયેલી કૃતિ ‘દેવશતક’માં વૈરાગ્યભાવ જોવા મળે છે. અહીં ‘જગતપચ્ચીસી’, ‘આત્મદર્શનપચ્ચીસી’, ‘તત્વદર્શનપચ્ચીસી’ અને ‘પ્રેમપચ્ચીસી’ના સંકલનમાં અનુક્રમે જગતની અસારતા, જીવનનો ભ્રમ, બ્રહ્મતત્વ અને પ્રેમતત્વનું નિરૂપણ છે. ‘દેવચરિત્ર’ ખંડ-કાવ્ય છે, જેના નાયક છે શ્રીકૃષ્ણ. કથાપ્રવાહ, ચરિત્રનિરૂપણ અને પ્રસંગવર્ણનમાં દેવની ઉત્તમ કવિપ્રતિભાનો પરિચય મળે છે. સંસ્કૃત નાટક ‘પ્રબોધચંદ્રોદયનાટક’ના પ્રભાવ હેઠળ દેવે ‘દેવમાયાપ્રપંચ’ પદ્યનાટક લખ્યું. છ અંકમાં વિભાજિત આ નાટકમાં પરમપુરુષ તથા તેની બે પત્નીઓ પ્રકૃતિ અને માયાનાં પાત્રો દ્વારા દાર્શનિક રૂપક રચ્યું છે. કાવ્યત્વ અને આચાર્યત્વની તુલનામાં દેવનું કવિત્વ બે ડગલાં આગળ છે. ભાવપ્રવણતા, કલ્પનાશીલતા, પાંડિત્ય અને વ્રજભાષાના સામર્થ્યની ર્દષ્ટિએ દેવને ‘મહાકવિ’નું બિરુદ મળ્યું છે.
બિંદુ ભટ્ટ