દૂલનદાસી પંથ : સંત દૂલનદાસીએ સ્થાપેલો કૃષ્ણભક્તિમાં માનતો પંથ. તેઓ આશરે સત્તરમા સૈકામાં ઉત્તરપ્રદેશના સમસી(લખનૌ)ના નિવાસી હતા. તેમણે ગૃહસ્થાશ્રમમાં રહીને શ્રીકૃષ્ણની દાસીભાવે ભક્તિ કરી હતી. તેમણે ઉત્તરપ્રદેશના રાયબરેલી વિસ્તારમાં પગપાળા પ્રવાસ કરીને પોતાના પંથનો પ્રચાર કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં તેમણે આ પંથના પ્રચાર માટે 14 ગાદીઓ સ્થાપી હતી અને પોતાના શિષ્યોને એ ગાદીઓ પર નીમ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે આ ગાદીઓ પરના મહંતો બધા ગૃહસ્થાશ્રમી હતા. દૂલનદાસી પંથમાં ઈશ્વરને નિર્ગુણ સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો છે; આમ છતાં, તેમાં કૃષ્ણ પ્રત્યેનો ભક્તિભાવ સગુણ સ્વરૂપે વ્યક્ત થતો જોવા મળે છે. સંત દૂલનદાસીનાં પદોમાં શ્રીકૃષ્ણ પ્રત્યેની અપાર અને અતૂટ શ્રદ્ધા પ્રગટ થયેલી જોવા મળે છે. આ પંથમાં કૃષ્ણનું ભક્તિભાવપૂર્વક ચિંતન કરવાની બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ પંથ લખનૌની આસપાસના પ્રદેશમાં જ મર્યાદિત રહ્યો છે.

ચીનુભાઈ નાયક