દૂરવાણી
દૂરવાણી (telephony) : દૂરનાં બે સ્થળો વચ્ચે સંદેશાવ્યવહાર સ્થાપવા માટેના વ્યાપક-દૂરસંચાર(telecommunication)ની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી શાખા. આ પદ્ધતિમાં ટેલિફોન જેવા સાદા ઉપકરણનો ઉપયોગ કરીને, કોઈ પણ દેશની વ્યક્તિ, ગમે તે દેશની બીજી વ્યક્તિ સાથે સીધી જ વાતચીત કરી શકે છે.
ટેલિફોનની શોધ, સ્કૉટલૅન્ડમાં જન્મેલા પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલા, બોસ્ટન યુનિવર્સિટીના પ્રાધ્યાપક ઍલેક્ઝાંડર ગ્રેહામ બેલ દ્વારા 1876માં થઈ હતી. તે સમયે તારસંચાર(telegraphy)નો વિકાસ થઈ ચૂક્યો હતો, પરંતુ તેમાં પ્રેષક (transmitter) મથક પરથી ચાવી (key) ચાલુ બંધ કરી વિદ્યુતપ્રવાહ દ્વારા ગ્રાહક (receiving) મથક પરના સાઉન્ડર યંત્રમાં, ઓછીવત્તી ક્ષણ માટે સંભળાતા ત્રુટક ધ્વનિ (clicks of varying time duration) મોકલીને મોર્સ સંજ્ઞા (Morse code) લિપિ અનુસાર સાંકેતિક સ્વરૂપે સંદેશા મોકલી શકાતા હતા. બેલે ટેલિગ્રાફનાં પ્રેષક તેમજ ગ્રાહક ઉપકરણોમાં સુધારાવધારા કરીને વિદ્યુતપ્રવાહની મદદથી એક કરતાં વધારે અલગ અલગ આવૃત્તિવાળા ધ્વનિના સૂરને (tones of varying freqency) મોકલી શકાય તેવા યંત્ર હામૉર્નિક ટેલિગ્રાફની શોધ કરી તથા તેની ઉપરથી મનુષ્યના અવાજનું સંચારણ કરવા માટેના એક ઉપયોગી યંત્રની રચના માટેના પ્રયોગ કરવા લાગ્યા. પ્રયોગ દરમિયાન એક દિવસ બેલને પોતાના ઓરડામાં રાખેલા રિસીવરમાંથી ઝણઝણાટીભર્યો અવાજ આવતો સંભળાયો. તપાસ કરતાં જણાયું કે તે અવાજ બાજુના ઓરડામાંની ધ્રુજારી કરતી એક સ્પ્રિંગનો હતો, જે તે ઓરડામાંના હામૉર્નિક ટેલિગ્રાફ યંત્રની નજીક લટકાવેલી હતી. આ અવલોકન પરથી બેલ તથા તેમના મદદનીશ ટૉમસ વૉટસને 24 કલાકમાં જ માણસના અવાજને લાવવા લઈ જવા માટેનો વિશ્વનો સૌપ્રથમ ટેલિફોન બનાવ્યો.
બેલના ટેલિફોનમાં સંદેશા મોકલવા માટે વપરાતા ઉપકરણનો જ ઉપયોગ, આવતા સંદેશાને ગ્રહણ કરવા માટે પણ કરવામાં આવતો હતો. વ્યક્તિ પ્રથમ ઉપકરણને પોતાના મોં સામે રાખી જરૂરી વાક્યો બોલી, પ્રત્યુત્તર સાંભળવા માટે તે જ ઉપકરણને પોતાના કાન સામે ધરતી. ત્યારબાદ થોડાક જ સમયમાં સંદેશાના પ્રેષણ માટેનો માઇક્રોફોન, તથા આવતા સંદેશા ગ્રહણ કરીને સાંભળવા માટે કાન પાસે રાખવામાં આવતો ઇયરફોન અલગ હોય તેવો ટેલિફોન બનાવવામાં આવ્યો. છેવટે હાથમાં પકડવાના એક જ હૅન્ડસેટ ઉપકરણમાં એક છેડે ઇયરફોન તથા બીજે છેડે માઇક્રોફોન ગોઠવવામાં આવ્યો. હૅન્ડસેટનો પહેલો છેડો ઇયરપીસ તથા બીજો છેડો માઉથપીસ કહેવાય છે.
આધુનિક ટેલિફોનનો આવો હૅન્ડસેટ આકૃતિ 1માં દર્શાવેલો છે. આવા હૅન્ડસેટનો આકાર પણ એવો હોય છે જેથી ઇયરપીસને કાન ઉપર સંપર્કમાં રાખતાં માઉથપીસ બરાબર વ્યક્તિના મોં આગળ આવે, જેથી વ્યક્તિના અવાજનો મોટો ભાગ માઉથપીસમાં દાખલ થઈ, તેમાં રાખેલા માઇક્રોફોન ઉપર પડે.
ટેલિફોનની કાર્યપદ્ધતિ : સ્થળ A પરના ટેલિફોનના માઇક્રોફોનમાં જતો ધ્વનિ, પ્રથમ માઇક્રોફોન પડદાને દોલિત કરે છે. પડદામાં ઉદભવતાં દોલનની આવૃત્તિ, આપાત થતા ધ્વનિની આવૃત્તિ જેટલી જ હોય છે તથા પડદાનાં દોલનનો કંપવિસ્તાર તેની ઉપર આપાત થતા ધ્વનિની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે.
આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ માઇક્રોફોનનો પડદો તેની પાછળ રાખેલી એક ડબ્બી(કાર્બન-ચેમ્બર)માં ભરેલા કાર્બનના રજકણ ઉપર ઓછીવત્તી આવૃત્તિ, તથા વધતાઘટતા મૂલ્યનું દબાણ લાગુ પાડે છે. માઇક્રોફોનના કાર્બન-ચેમ્બરમાંથી વિદ્યુતપ્રવાહ સતત વહેતો હોય છે. બદલાતા દબાણની અસરથી કાર્બન-ચેમ્બરમાંના કાર્બન-કણો ઉપર અસર કરતા બદલાતા દબાણને કારણે, માઇક્રોફોનમાં વહેતા વિદ્યુતપ્રવાહમાં પણ ધ્વનિની આવૃત્તિ તેમજ પ્રબળતાને અનુસરતા ફેરફાર થાય છે; અર્થાત્ માઇક્રોફોન વડે ધ્વનિનાં દોલનો જેવાં દોલનો વિદ્યુતપ્રવાહમાં થાય છે. એટલે કે ધ્વનિના તરંગને અનુરૂપ વિદ્યુતસંકેત માઇક્રોફોનના બે તાર A,B, મારફતે બહાર આવે છે. આવો વિદ્યુતસંકેત સ્થળ A પરથી, દૂરના સ્થળ Bને જોડતા વાહક તારમાં થઈને તાર A2B2 મારફતે B પરના ટેલિફોનના ઇયરફોનમાં પ્રવેશે છે અને વિદ્યુતચુંબકનાં બે ગૂંચળાં W1 અને W2 માંથી વહે છે, જેથી વિદ્યુતચુંબકના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, આપાત વિદ્યુતસંકેતના ફેરફારને અનુસરે છે. વિદ્યુતચુંબકની નજીક રાખવામાં આવેલા લોખંડના પડદા પરનું ચુંબકીય આકર્ષણબળ પણ તેવા જ ફેરફાર અનુભવે છે. બદલાતા આકર્ષણની અસર નીચે ઇયરફોનનો પડદો દોલિત થઈ, હવામાં પણ તે જ પ્રકારનાં દોલન કરે છે, જેને લઈને B સ્થળ પરના ઇયરફોનમાંથી, A સ્થળના માઇક્રોફોન પર આપાત થતા ધ્વનિ જેવો જ ધ્વનિ બહાર પડે છે, તથા B આગળની વ્યક્તિને A આગળની વ્યક્તિનો સંદેશો સંભળાય છે. આકૃતિ 3માં ઇયરફોનની રચના દર્શાવી છે. વાતચીત દરમિયાન સ્થળ A પરના ટેલિફોનના માઉથપીસમાં જતો ધ્વનિ, સ્થળ B પરના ટેલિફોનના ઇયરપીસમાં, તથા Bના ટેલિફોનના માઉથપીસમાં જતો ધ્વનિ, A ના ટેલિફોનના ઇયરપીસમાં પ્રવેશે તેવા વિદ્યુતપરિપથ દ્વારા A અને B સ્થળના ટેલિફોનને જોડવામાં આવે છે.
ઉપયોગમાં ન હોય ત્યારે હૅન્ડસેટને ટેલિફોન-ઉપકરણના ટેબલ પર રહેતા બેઝ યુનિટ પર મૂકી રાખવામાં આવે છે. ટેલિફોનના હૅન્ડસેટમાંથી બહાર આવતા તારને એકત્ર કરીને, એક જ પોલી ભૂંગળીમાંથી આરપાર કાઢી ટેલિફોનના બેઝ યુનિટમાં દાખલ કરવામાં આવે છે અને ટેલિફોનના બેઝમાંના એક સંકુલ પરિપથમાં થઈને છેવટે માત્ર બે તાર જ બહાર આવતા હોય છે. જેને ટેલિફોનલાઇન કહે છે. એક જ સોસાયટી કે વિસ્તારમાંના તમામ ટેલિફોનની લાઇનોને પ્રથમ તે વિસ્તારમાં પ્રવેશવાના મુખ્યમાર્ગ સુધી, ટેલિફોનલાઇન માટેના થાંભલાઓને આધારે લાવી, એકત્ર કરી, સમાંતર તારોના બનેલા જાડા દોરડા(cable)રૂપે એકત્ર કરી લેવામાં આવે છે. ત્યારબાદ નજીકના વિસ્તારોના કેબલ એકત્ર કરી એક વધુ જાડું મુખ્ય કેબલ (main cable) બનાવવામાં આવે છે. આવા એક જ મુખ્ય કેબલમાં આશરે 2000 જેટલી ટેલિફોનલાઇનો (એટલે કુલ ચાર હજાર પાતળા તાર) જતી હોય છે, જે આગળ જતાં બધા જ ટેલિફોનોને (શહેરના, બહારગામના કે પરદેશના) કોઈ પણ ટેલિફોન સાથે જોડવાની જરૂરી યાંત્રિક સાધનસામ્રગી (switching equipment) ધરાવતા કાર્યાલય – ટેલિફોન ઍક્સચેન્જમાં દાખલ થાય છે. આ પ્રકારના મર્યાદિત વિસ્તારના ટેલિફોનનું જોડાણ ધરાવતું કાર્યાલય – સ્થાનિક ટેલિફોનનું જોડાણ ધરાવતું કાર્યાલય – સ્થાનિક ટેલિફોન ઍક્સચેન્જ (local telephone exchange) કહેવાય છે. ગીચ વસ્તી ધરાવતાં મોટાં શહેરોમાં આશરે 15થી 20 કે તેથી પણ વધારે સ્થાનિક ઍક્સચેન્જ હોઈ શકે. પ્રત્યેક સ્થાનિક ઍક્સચેન્જ મોટી સંખ્યામાં ટેલિફોનલાઇન ધરાવતા કેબલ મારફતે, બાકીનાં બીજાં ઍક્સચેન્જ પૈકી થોડાંક ઍક્સચેન્જ સાથે જોડેલું હોય છે. તેથી લાંબા અંતરના લોકલ ટેલિફોન સંદેશાઓને પણ ઘણી વાર સંખ્યાબંધ ઍક્સચેન્જમાંથી પસાર થવું પડે છે.
ટેલિફોન ઉપયોગમાં ન હોય ત્યારે હૅન્ડસેટને ટેલિફોન-બેઝ ઉપર મૂકવામાં આવે છે. બેઝ-યુનિટ ઉપર હૅન્ડસેટ મૂકતાં તે એક નિશ્ચિત સ્થિતિમાં જ રહે તેવી ખાંચ પાડેલી હોય છે. હૅન્ડસેટ બેઝ પર ન હોય ત્યારે આ ખાંચમાંથી એક ઠેસી (lever) સ્પ્રિંગને કારણે બહારની તરફ ઊપસેલી રહે છે, પરંતુ હૅન્ડસેટ બેઝ ઉપર મૂકેલો હોય ત્યારે તેના વજનથી આ લીવર દબાયેલું રહે છે. હકીકતમાં બેઝ ઉપર ઊંચુંનીચું થતું આ લીવર, ટેલિફોન બેઝમાં આવેલી બે કે ત્રણ સ્વિચને ઑપરેટ કરતું કેન્દ્ર છે. બેઝ ઉપરની આ ઠેસી હૂકસ્વિચ કહેવાય છે.
હૅન્ડસેટ બેઝ પર મૂકવાથી દબાઈ જતી હૂકસ્વિચ આંતરિક સર્કિટમાંની જે સ્વિચો બંધ રહેતી હોય તેમને ખોલી નાંખે છે અને ખુલ્લી રહેતી સ્વિચો બંધ કરે છે. આમ થવાથી ટેલિફોન બેઝમાંનો પરિપથ નવા આવતા ફોનસંદેશા ગ્રહણ કરવા માટેની જરૂરી સ્થિતિમાં આવી જાય છે; જ્યારે હૅન્ડસેટ બેઝ પરથી ઉપાડી લેતાં હૂકસ્વિચ સ્પ્રિંગને લીધે બહાર ધકેલાય છે તેમજ આંતરિક પરિપથમાંની સ્વિચો અવસ્થા બદલે છે, જેથી હવે ટેલિફોન પરિપથ, ટેલિફોનનું ડાયલ ઘુમાવી તેની મારફતે ટેલિફોન ઍક્સચેન્જમાંની જોડાણ કરી આપતી યંત્રસામગ્રીને કાર્યાન્વિત કરીને ઇચ્છિત નંબરના ટેલિફોન સાથેનું જોડાણ સંપૂર્ણ કરે તે દૂરવાણી છે.
ટેલિફોન તંત્રનું સંચાલન : તંત્રના સંચાલનમાં નવી ટેલિફોનલાઇન નાખવી, ચાલુ ટેલિફોનલાઇનની જાળવણી, ટેલિફોન-ધારકો પાસેથી ટેલિફોનસેવાઓ માટેનું બિલ બનાવી જરૂરી ચાર્જ ઉઘરાવવો વગેરે કાર્યનો સમાવેશ થાય છે. ભારતમાં આ કામ મધ્યસ્થ સરકાર હસ્તકના પોસ્ટ ઍન્ડ ટેલિગ્રાફ વિભાગના વિશિષ્ટ અલગ તંત્ર દ્વારા થાય છે. પરંતુ કેટલાક દેશોમાં ટેલિફોન તંત્રનું સંચાલન એક, બે કે વધુ ખાનગી વ્યાપારી સંસ્થાઓ મધ્યસ્થ સરકાર પાસેથી પરવાનો મેળવીને કરતી હોય છે. કેટલાક દેશમાં જુદા જુદા વિસ્તારમાંનું ટેલિફોનતંત્ર, જુદી જુદી વ્યાપારી સંસ્થાઓ દ્વારા થાય છે. પરંતુ અલગ અલગ વિસ્તારના ટેલિફોન અરસપરસ જોડાઈ શકે છે; દા. ત., બ્રિટનમાં બ્રિટિશ ટેલિફોન (B.T.) તેમજ મર્ક્યુરી કૉમ્યુનિકેશન્સ નામની બે ખાનગી કંપનીઓ સાથે મળીને સમગ્ર ટેલિફોનતંત્રને નિભાવે છે, પરંતુ બંને પરવાનેદાર કંપનીઓએ, ઑફિસ ઑવ્ ટેલિકૉમ્યુનિકેશન્સ (OFTEL) જે સરકારને હસ્તક છે તેણે પસાર કરેલા કાયદાકાનૂન પ્રમાણે ટેલિફોનતંત્રનું સંચાલન કરવાનું હોય છે. અમેરિકામાં ખાનગી કંપનીઓ પોતાના ખર્ચે ટેલિફોનલાઇનો નાખી ટેલિફોન-ધારકોને સેવા પૂરી પાડે છે, જેમાં અમેરિકન ટેલિગ્રાફ અને ટેલિફોન કંપની (AT & T) સૌથી વિસ્તૃત ટેલિફોનતંત્રનું સંચાલન કરે છે પરંતુ તે કંપની તથા અન્ય બીજી કંપનીઓને મધ્યસ્થ સરકારના ફેડરલ ટેલિકૉમ્યુનિકેશન કમિશન (FCC) દ્વારા નક્કી કરવામાં આવતા ચાર્જ પ્રમાણે પ્રત્યેક ગ્રાહકને ટેલિફોનસેવાઓ પૂરી પાડવી ફરજિયાત હોય છે.
અનુભવથી જણાયું છે કે ટેલિફોન તંત્ર પરવાનેદાર ખાનગી કંપનીઓ મારફતે ચલાવવાથી ટેલિફોન-ધારકોને વધુ સારી સેવાઓ મળે છે તેમજ આવી કંપનીઓના સંશોધન અને વિકાસ વિભાગમાં થતી ઉચ્ચ કક્ષાની શોધખોળને કારણે ટેલિફોનતંત્રના સંચાલન માટે ઘણાં જ ઉપયોગી ઉપકરણો પણ વિકસાવી શકાયાં છે, જેના ઉપયોગથી ટેલિફોન-ધારકોને અનેક સુવિધાઓ પ્રાપ્ત થઈ છે.
ટેલિફોન યંત્રનો વિકાસ : 1876થી 1882 સુધી વિવિધ ઇજનેરોએ અલગ અલગ આકાર તથા કદમાં નાનામોટા ટેલિફોનો બનાવ્યા, પરંતુ સાર્વત્રિક આવકાર પામનારો પહેલો ટેલિફોન આકૃતિ 4માં દર્શાવેલો કૅન્ડલસ્ટિક-ટેલિફોન હતો.
આ ફોનમાં ગોળકાર બેઝ પર ડાયલ અને બેઝમાંથી બહાર આવતા ધાતુના ગોળાકાર પોલા પાઇપના ઉપરને છેડે માઇક્રોફોન રાખવામાં આવતું, તે જ થાંભલા પરની એક ખીંટી જેવા હૂકને છેડે ઇયરફોન લટકાવવામાં આવતો. ફોનની ઘંટડી, ફોનની નજીક દીવાલ પર ચોંટાડવામાં આવતી. ઉપયોગ કરતી વ્યક્તિએ ઇયરફોનને હૂક પરથી ઉતારી કાન પર રાખવો પડતો તથા ફોનના મથાળા પરના માઉથપીસ આગળ ઊભા રહીને બોલવું પડતું.
1928માં રાઉન્ડ બેઝ ધરાવતો ડેસ્ક-ટેલિફોન બનાવવામાં આવ્યો જેમાં હૅન્ડસેટમાં જ ઇયરફોન તેમજ માઇક્રોફોનને સમાવી લેવામાં આવ્યાં તથા ફોનના ડાયલને રાઉન્ડ બેઝ પર બેસાડવામાં આવતું હતું
1937માં બનેલા ‘ટાઇપ 300’ ફોન આકૃતિ 6 માં બેઝ ચોરસ તેમજ મોટા કદનું બનાવીને ઘંટડી તેમજ ડાયલ બંને ફોન બેઝમાં જ આવી જાય તેવી ગોઠવણ કરવામાં આવી.
અગાઉના ફોન કરતાં આ મૉડલ ઘણું સગવડભર્યું સાબિત થયું. ઘંટડી, ડાયલ, હૅન્ડસેટ વગેરે તમામ ભાગો બેઝ ઉપર જ અથવા બેઝ અંદર હોવાથી આખા ટેલિફોનને ઊંચકીને રૂમમાં થોડાક અંતર સુધી આઘોપાછો કરી શકાતો હતો. ‘ટાઇપ 300’ ફોનમાં સુધારાવધારા કરી ગુણવત્તા તેમજ દેખાવમાં પણ વધુ સારો એવો ‘ટાઇપ 500’ ફોન 1954માં બનાવવામાં આવ્યો.
આ ફોનમાં ડાયલ પ્રમાણમાં મોટું હોવાથી આંકડા સહેલાઈથી વાંચીં શકાય છે. હૅન્ડસેટમાંથી બેઝમાં જતા ત્રણ કે ચાર તાર એક જ પ્લાસ્ટિકની પોલી ભૂંગળીમાંથી આરપાર પરોવી બેઝમાં દાખલ કરેલા હતા. ઉપરાંત આ પ્લાસ્ટિકની ભૂંગળીને ખાસ ક્રિયા વડે વળ ચઢાવવામાં આવેલો હોય છે, જેથી હૅન્ડસેટ ઉપાડતાં તાર લાંબો થઈ શકે છે પરંતુ હૅન્ડસેટને બેઝ ઉપર મૂકતાં તે તાર આપોઆપ સંકોચાઈ જાય છે. આપમેળે સંકોચ પામતા તાર (retractable cord) તેમજ સમગ્ર ટેલિફોન વિવિધ રંગમાં ઉપલબ્ધ હોવાથી આ મૉડલ ઘણું પ્રચલિત બન્યું.
1968માં ટેલિફોન સર્કિટને ઘણી નાની બનાવી, તે સર્કિટ તથા ટેલિફોન ડાયલ બંને હૅન્ડસેટમાં જ સમાવી લેવામાં આવ્યાં. આવો ‘ટ્રિમલાઇન’ ફોન આકૃતિ 8માં બતાવ્યો છે.
ટ્રિમલાઇન ફોનના હૅન્ડસેટમાં ડાયલ, માઇક્રોફોન વગેરે તમામ વિભાગો સમાઈ જતા. આ ફોનના હૅન્ડસેટને તેટલા જ વિસ્તારવાળી સપાટી ધરાવતી લગભગ 3 સેમી. ઊંચા બેઝ પર મૂકવામાં આવે છે જેમાં ફોનની ઘંટડી રાખવામાં આવે છે. એકથી બીજે સ્થળે લઈ જવા ટ્રિમલાઇન-ફોન સૌથી વધુ સગવડભર્યો સિદ્ધ થયો.
આ આરસામાં ઘુમાવવાના ડાયલ(rotary dial)ને બદલે લગભગ 6 સેમી. × 8 સેમી. × 1 સેમી. કદની પ્લાસ્ટિકની ડબ્બીમાં સમાતો તેમજ ડબ્બીના ઢાંકણ પર આપેલાં કુલ 12 પુશબટન સ્વિચ બહાર આવતાં હોય તેવો ઇલેક્ટ્રૉનિક પુશબટન ડાયલિંગ સર્કિટ શોધાયો જે આકૃતિ 9 માં બતાવ્યો છે. 12 પૈકીનાં 10 પુશબટન પર 1,2,3…. અને 0 એમ દસ આંકડા આપેલા છે જ્યારે તે જ આકૃતિ-9માં તીર x અને y વડે દર્શાવેલાં બે પુશબટન અમુક ખાસ સંજોગોમાં વાપરવા માટે આપેલાં હોય છે. કોઈ પણ નંબર જેવા કે 5501930 જોડવા તે નંબરમાંના આંકડા (digit) છાપેલા હોય તે તે પુશબટન નિશ્ચિત ક્રમમાં દબાવી છોડી દેતાં ઘુમાવવાના ડાયલની માફક જ નંબર જોડી શકાય છે. ઉપરાંત પુશબટન-ડાયલિંગ, ઘુમાવવાના ડાયલિંગ કરતાં ઘણું ઝડપી હોવાથી ઘુમાવવાના ડાયલને બદલે પુશબટન-ડાયલ ધરાવતા ટ્રિમફોન ઘણા વધુ લોકપ્રિય બન્યા. ઉપરાંત 1990 પછીથી બધા દેશની સરકારોએ ખાનગી કંપનીઓને પણ ટેલિફોન વગેરે બનાવવા પરવાના આપ્યા હોવાથી વિવિધ સગવડ ધરાવતા, નાના, રંગીન તથા આકર્ષક ફોન મળતા થયા છે. આકૃતિ 11માં ભારતની એક ખાનગી કંપનીએ વિકસાવેલો આધુનિક ટેલિફોન દર્શાવ્યો છે :
આ ઉપરાંત ઇલેક્ટ્રૉનિક ઍૅમ્પ્લિફાયર જેવાં ઉપકરણો ઘણા નાના કદમાં બનાવી શકાતાં હોવાથી કેટલીક કંપનીઓ સ્પીકર-ફોન તરીકે ઓળખાતો ખાસ પ્રકારનો ફોન બનાવે છે, જેમાં એક નાનું ઍમ્પ્લિફાયર તથા લાઉડસ્પીકર ગોઠવેલું હોય છે જેથી એક ખાસ સ્વિચ દબાવવાથી દૂરના ફોન પરની વ્યક્તિ y નો અવાજ જે સામાન્ય રીતે ફોન ઉપાડનાર વ્યક્તિ x ના કાનમાં જ સંભળાય છે તે ફોનના સ્પીકરમાંથી બહાર આવવા લાગે છે તથા x ઉપરાંત ફોનની આસપાસ બેઠેલા તેના બે-ચાર મિત્ર પણ સાંભળી શકે છે. ઉપરાંત ફોન પર રાખેલા માઇક્રોફોનને લીધે ફોનના હૅન્ડસેટ પર વાત કરનાર વ્યક્તિ x ઉપરાંત આસપાસના મિત્રોનો અવાજ પણ yને પહોંચે છે. ઉપરાંત આવા સ્પીકર-ફોનમાંનું ઍમ્પ્લિફાયર, માઇકમાં આવતો અવાજ મંદ હોય તો તેનું વધારે વિવર્ધન આપે જ્યારે તીવ્ર હોય તો ઓછું વિવર્ધન આપે તેવી યોજના ધરાવતું ઑટોલેવલ ઍમ્પ્લિફાયર હોવાથી એક તરફના ફોનધારક x તથા તેની આસપાસ ટેલિફોનથી ઓછેવત્તે અંતરે બેઠેલા તમામ મિત્રોના અવાજ દૂરના છેડા પરની વ્યક્તિ yને તો એકસમાન તીવ્રતાથી સંભળાય છે. મોટા કુટુંબમાં ત્રણચાર ભાઈઓ, બહેનો તથા માતાપિતા હોય અને તે પૈકી કોઈ એક ભાઈ અમેરિકા કે યુરોપમાં ધંધાર્થે સ્થાયી થયો હોય તેવાં કુટુંબો માટે આવો ફોન અત્યંત ઉપયોગી સિદ્ધ થયો છે.
ટેલિફોનના વિકાસની પ્રક્રિયાઓ ચાલુ હતી તે જ વર્ષોમાં સંકલિત પરિપથ (integrated circuit) તરીકે ઓળખાતી તદ્દન નવા પ્રકારની ઇલેક્ટ્રૉનિક ઉપકરણો બનાવવાની તંત્રવિદ્યાની શોધ થઈ, જે IC ટૅકનૉલૉજી કહેવાય છે તથા તેના ઉપયોગથી વિશિષ્ટ પ્રકારની યંત્રસામગ્રી વડે સિલિકોન ધાતુના એક જ નાના ચોસલા(કદ આશરે 2.5 સેમી. × 1.25 સેમી. × 0.5 સેમી.)માં આશરે દસ ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર તેમજ કૅપૅસિટર અને ઇન્ડક્ટર જોડી બનાવી શકાતું આખું રેડિયો-રિસીવર અને/અથવા ટ્રાન્સમીટર કે ઍમ્પ્લિફાયર બનાવી શકાય છે. એક જ સિલિકોન જેવા ટુકડાનું રૂપાંતર સીધું જ રેડિયો-રિસીવર, ટ્રાન્સમીટર કે ઍમ્પ્લિફાયરમાં કરવાનું શક્ય બનવાને લીધે તમામ ઇલેક્ટ્રૉનિક ઉપકરણ કદમાં અત્યંત નાનાં બનાવી શકાય છે. આવા સૂક્ષ્મ ઉપકરણને ચિપ નામથી ઓળખવામાં આવે છે. ચિપના રૂપમાં મળતાં રેડિયો-રિસીવર તેમજ ટ્રાન્સમીટર વાપરી 1989માં કૉર્ડલેસ ફોન બનાવવામાં આવ્યો, જેમાં બેઝ-યુનિટ તેમજ હૅન્ડસેટ વચ્ચે કોઈ પ્રકારના તારનું જોડાણ હોતું નથી (જુઓ આકૃતિ 12, 1989નો કૉર્ડલેસ ફોન). જ્યારે બેઝ યુનિટમાંથી બહાર આવતી ફોનલાઇન-ઍક્સચેન્જમાં જાય છે. આવા ફોનમાં બેઝ-યુનિટ તેમજ હૅન્ડસેટ વચ્ચે જરૂરી વિદ્યુતસંકેતનો વિનિમય આ બંને વિભાગોમાં રાખેલા સૂક્ષ્મ (miniature) રેડિયો-રિસીવર તથા ટ્રાન્સમીટરનો ઉપયોગ કરી રેડિયો-સંકેત મારફતે થાય છે, તથા બંને વિભાગના પ્રેષક તેમજ ગ્રાહક, તે બે વચ્ચે 60 મી.થી 90 મી. જેટલું અંતર હોય ત્યાં સુધી સ્પષ્ટ વાર્તાલાપ માટે જરૂરી કાર્યશક્તિનું વિકિરણ કરે છે.
દોરડા વિનાના (cordless) ફોનમાં ડાયલિંગ-પૅડ હૅન્ડસેટ ઉપર હોય છે, જેથી બેઝ-યુનિટ ઘરમાં રાખેલું હોય તોપણ ફોનધારક ઘર બહાર બાગમાં, કે બીજા કોઈ રૂમમાંથી બહારના ફોન સાથે જોડાણ મેળવવા હૅન્ડસેટ પરની જે તે આંક દર્શાવેલ પુશબટન-સ્વિચ દબાવે ત્યારે ઉદભવતા વિદ્યુતસ્પંદ (pulse), રેડિયોસંકેત દ્વારા બેઝ-યુનિટમાં દાખલ થઈ, બેઝ-યુનિટમાંના રેડિયો-રિસીવર વડે ઝિલાઈ ઍક્સચેન્જમાં પહોંચે છે તથા ધારકના ફોનનું જોડાણ ઇચ્છિત ફોન-નંબર સાથે થાય છે. તે જ રીતે જોડાણ થયા બાદ બે વ્યક્તિ વચ્ચેનો વાર્તાલાપ પણ કૉર્ડલેસ ફોનનાં બેઝ તેમજ હૅન્ડસેટ વચ્ચેની મુસાફરી રેડિયો-સંકેત મારફત કરે છે. કૉર્ડલેસ ફોનના હૅન્ડસેટ તેમજ બેઝ-યુનિટ વચ્ચે આવજા કરતા રેડિયો-સંકેત, ઘરમાં ચાલતા રેડિયો કે ટીવીના કાર્યમાં વિક્ષેપ ન કરે તે માટે કૉર્ડલેસ ફોનમાં વપરાતા રેડિયો-સંકેત, રેડિયો કે ટી.વી.માં ઉપયોગમાં લેવામાં આવતી નથી તેવી ચૅનલ 1, 2 અથવા 3 ની આવૃત્તિનો ઉપયોગ કરે છે.
મલ્ટિપલ લાઇન ટેલિફોન : કેટલીક વ્યાપારી પેઢીઓ ફોન-કંપની પાસેથી બે (કે વધુ) ફોન-લાઇનો ભાડે લે છે જેથી તે કંપનીનો સંપર્ક એકસાથે એક કરતાં વધુ ગ્રાહકો કરી શકે. આવા કિસ્સામાં ફોન-કંપની ગ્રાહક પેઢીને શક્ય હોય ત્યાં બે ક્રમિક ફોન-નંબર (જેવા કે, 492032 તથા 492033) આપે છે. તેથી પેઢીનો સંપર્ક બે પૈકી ગમે તે એક નંબર ડાયલ કરવાથી થઈ શકે છે, તથા બે નંબરને અનુરૂપ બે ટેલિફોન-સેટ પણ તેવી પેઢીને આપે છે. પરંતુ પેઢીના મુખ્યકર્તાના ટેબલ પર બે ફોન રાખવામાં અગવડ પડતી હોય તો ખાનગી કંપનીએ વિકસાવેલા બે લાઇન ફોનનો ઉપયોગ થાય છે, જેમાં એક જ ફોનમાં બંને ફોનની લાઇનો દાખલ થતી હોય છે તથા બહારથી આવતો ફોન પહેલા કે બીજા નંબર પર આવે તોપણ તેવા એક જ ફોનમાં ઘંટડી વાગે છે તથા પહેલી લાઇન પર કે બીજી લાઇન પર ફોન આવે છે તે ટેલિફોન પરના ઇન્ડિકેટર લૅમ્પ દ્વારા માલૂમ પડે છે. આવા ફોન પર પહેલી લાઇન પર વાતચીત ચાલુ હોય તે દરમિયાન બીજી લાઇન પર ફોન આવે તો ઘંટડી વાગી બીજો ઇન્ડિકેટર લૅમ્પ ચાલુ થાય છે. આમ થાય તો ફોનધારક વ્યક્તિ પહેલી લાઇન પરની વ્યક્તિને એકાદ મિનિટ થોભી જવાનું કહી, ફોન પરની ખાસ સ્વિચ દબાવી બીજી લાઇન પરની વ્યક્તિને પણ થોભી જવા કહી, ફરીથી પહેલી લાઇન પરની વાત ચાલુ હોય તે પૂરી કરી, બીજી લાઇન પરની વ્યક્તિનો સંપર્ક કરી શકે છે. આવા ફોનનો મોટામાં મોટો ફાયદો એ છે કે ફોનધારક A, પ્રથમ પહેલી લાઇન પસંદ કરી વ્યક્તિ Xનો સંપર્ક કરી તેને ફોન ચાલુ રાખવાનું કહી બીજી લાઇન પર વ્યક્તિ Yનો સંપર્ક કરી, X અને Y બંને સાથે એક જ સમયે વાર્તાલાપ યોજી શકે છે. વ્યક્તિ A ભારતમાં, X અમેરિકામાં અને Y ઇંગ્લૅન્ડમાં હોય તોપણ આવી કૉન્ફરન્સ યોજી શકાય છે. આંતરરાષ્ટ્રીય કે આંતરદેશીય શાખાઓ ધરાવતી પેઢીઓ માટે આવા ફોન ખાસ ઉપયોગી સિદ્ધ થયા છે.
ટેલિફોન જોડાણ માટેની પદ્ધતિઓ (Telephone Switching Systems) : 1879માં ટેલિફોનપદ્ધતિ શરૂ થઈ ત્યારે પ્રત્યેક મોટા શહેરમાં પણ માત્ર 15થી 20 ટેલિફોન-ધારકો હોય તેમ બનતું; દા. ત., ઑગસ્ટ, 1879માં બ્રિટનમાં શરૂ થયેલી વ્યાપારી કંપની ધ ટેલિફોન કં. લિ. માત્ર 10 ટેલિફોનધારકોને સેવા આપતી. તે પ્રમાણે 1880માં આયર્લૅન્ડના ડબ્લિન શહેરમાં શરૂ થયેલું પહેલું ટેલિફોન ઍક્સચેન્જ, માત્ર પાંચ ધારકોને જોડતું, પરંતુ પછીનાં 15 વર્ષોમાં તેમજ અત્યારે પણ નાનાં ગામો જ્યાં ટેલિફોનની સંખ્યા 25 આસપાસ હોય ત્યાં એક ટેલિફોન-ધારકને બીજાનો સંપર્ક કરવા ટેલિફોન ખાતાના કર્મચારી(operator)ની મદદ લેવી પડે છે. આવા સંજોગમાં તમામ ટેલિફોન-લાઇનો હાથે ચલાવવાનાં સ્વિચબૉર્ડ અથવા ઍક્સચેન્જમાં દાખલ કરી, મૅન્યુઅલ ઍક્સચેન્જનાં એક એક કાણાં સાથે જોડવામાં આવે છે. સૉકેટ પર ફોન-ક્રમાંક લખેલો હોય છે. આવા સૉકેટમાં, જેમાંથી બે તાર બહાર કાઢેલા હોય તેમાં બંધબેસતો ખીલો (jack) દાખલ કરી શકાય છે. આવા ઍક્સચેન્જમાં જોડાયેલી ફોનધારક વ્યક્તિ Aને ફોનનંબર 25 ધરાવતી વ્યક્તિ Bનો સંપર્ક કરવો હોય તો તેણે પોતાનો હૅન્ડસેટ ઉપાડી ટેલિફોન સાથે જોડેલા એક નાના ડાઇનેમોનું હડલ હાથથી ફેરવવું પડે છે. આ ડાઇનેમોમાં ઉદભવતો વોલ્ટેજ ઍક્સચેન્જમાં પહોંચી Aના ફોન-સૉકેટ ઉપરનો લૅમ્પ ચાલુ કરે છે, જેથી ઑપરેટરનું ધ્યાન ખેંચાય છે. ઑપરેટર પોતે કાયમ પહેરી રાખેલા હૅન્ડસેટનો જૅક તે સૉકેટમાં નાખી વ્યક્તિ Aને કયો નંબર જોઈએ છે તે પૂછી, પોતાના હૅન્ડસેટનો જૅક 25 નંબરના સૉકેટમાં નાખી ડાયલ ફેરવી વ્યક્તિ Bના ફોન નંબર 25 ની ઘંટડી વગાડી તેને જાણ કરી, જેના બંને છેડે ટેલિફોન જૅક હોય તેવા જોડાણ માટેના લાંબા તાર વડે A અને Bનાં ટેલિફોન સૉકેટો વચ્ચે જોડાણ કરી આપે છે. પરંતુ આ રીતમાં ટેલિફોન-ધારકોને ઇચ્છિત નંબર મેળવવામાં સારો એવો સમય વ્યતીત થતો. ઉપરાંત ટેલિફોન-ધારકોની સંખ્યા ઘણી વધી જતાં મૅન્યુઅલ ઍક્સચેન્જ દ્વારા ફોનજોડાણ કરી આપવું ટેલિફોન કંપનીઓ માટે લગભગ અશક્ય થઈ ગયું.
ઑટોમૅટિક ટેલિફોન ઍક્સચેન્જ : ત્યારબાદ 1889માં સ્ટ્રૉજર નામના શોધકે બનાવેલી ખાસ પ્રકારની સ્વિચ પર આધારિત ઑટોમૅટિક ઍક્સચેન્જ બનાવવામાં આવ્યાં, જેમાં ટેલિફોન-ધારક પોતાના ફોન પર આપેલું, ફરી શકે તેવું ડાયલ (rotary dial) ઘુમાવીને ઍક્સચેન્જમાંની સ્વિચિંગ સામગ્રી કાર્યાન્વિત કરીને પોતાના ફોનને ઇચ્છિત નંબર ધરાવતા બીજા કોઈ પણ ફોન સાથે, પોતે જ જોડી શકે છે.
સ્ટ્રૉજર સ્વિચની રચના તથા કાર્ય (આકૃતિ 13) : સ્વિચનો મુખ્ય ભાગ ઊર્ધ્વધરી PQ આસપાસ, Z1 થી Z2 અથવા Z2 થી Z1 તરફ કોણાવર્તન પામી શકતો ધાતુનો સળિયો AB તેમજ તેના Q તરફના છેડા નજદીક ચુસ્ત રીતે જડેલો બે એકબીજા તરફ દબાતી રહેતી તાંબાની પટ્ટીઓથી બનતો વિદ્યુતજોડાણ માટેનો હાથો જેને વાઇપર W કહેવાય છે, તેમને ગણી શકાય. સળિયા AB તથા વાઇપરને કૅરેજ કહેવાય છે. સ્વિચમાં બે યોગ્ય સ્થળે વિદ્યુતચુંબકો (eletromagnets) રાખેલાં છે, જેમાંના પહેલા વિદ્યુતચુંબકમાં ડી.સી. વિદ્યુતપ્રવાહના ક્ષણિક સ્પંદ મોકલી સળિયા ABને Y1Y2 દિશામાં ઉપર ખેંચી શકાય છે, અથવા તો બે, ચાર કે વધુ સ્પંદ મોકલી બે, ચાર અથવા વધુ સોપાન જેટલે ઊંચે ખેંચી શકાય છે. તે પ્રમાણે બીજા વિદ્યુતચુંબકમાં સ્પંદ મોકલી સળિયો AB જે સામાન્ય રીતે છેડાની ડાબી તરફ મરડાયેલો રહે છે તેને Z1Z2 દિશામાં ક્રમે ક્રમે એક, બે કે વધુ તબક્કા જેટલો કોણાવર્તિત કરી શકાય છે. આકૃતિ 13માં ગતિ આપતાં વિદ્યુતચુંબકો બતાવ્યાં નથી.
આ ઉપરાંત સ્ટ્રૉજર સ્વિચમાં એબોનાઇટ જેવા અવાહક પદાર્થનાં બનાવેલાં સમક્ષિતિજ સપાટ તેમજ એકબીજાની ઉપર નિશ્ચિત અંતરે આવેલાં કુલ 10 પાટિયાં હોય છે. આ પાટિયાં પર કુલ 10 અર્ધવર્તુળ દોરેલાં હોય છે જે તમામનાં કેન્દ્ર સળિયા ABની ધરી PQ પર આવે છે. પ્રત્યેક અર્ધવર્તુળના પરિઘ પર નિશ્ચિત કોણીય અંતરે સુવાહક ધાતુના 10 ચોરસ કૉન્ટૅક્ટ ચુસ્ત રીતે ચોંટેલા હોય છે તથા પ્રત્યેક કૉન્ટૅક્ટ પરથી રેણ (solder) કરી એક એક તાર સ્વિચમાંથી બહાર કાઢેલો હોય છે. સ્વિચમાંના સૌથી નીચેના અર્ધવર્તુળને આકૃતિ 13(a)માં દર્શાવ્યા મુજબ પહેલી કૉન્ટૅક્ટ-બૅન્ક ગણી ક્રમાંક 1 આપેલો છે જ્યારે Y1Y2 દિશામાં ઉપર તરફ જતાં આવતી જોડાણ-બૅન્ક અનુક્રમે બીજી, ત્રીજી….વગેરે ગણાય છે. સૌથી ઉપરની કૉન્ટૅક્ટ-બૅન્કના ડાબા છેડાના સૌથી પહેલા બહાર જતા તારનો ક્રમાંક 11, ત્યારબાદ તે જ બૅન્કના તરત આવતા બીજા તારને ક્રમાંક 12…. વગેરે જ્યારે જમણા છેડાના છેલ્લા તારનો ક્રમાંક 20 ગણાય છે. આ પ્રમાણે સ્ટ્રૉજર સ્વિચની 10 કૉન્ટૅક્ટ બૅન્કમાંથી આવતા તમામ વાયરો સંખ્યામાં 10 10 = 100 થાય છે તેમજ તેમને આપેલા ક્રમાંક 11થી શરૂ થઈ 110 સુધી જાય છે.
આકૃતિ 13(a)માં સ્ટ્રૉજર સ્વિચના વિવિધ ક્રમાંકના કેટલાક બહારના તારને અડકતા તીર વડે તેમના ક્રમાંક બતાવ્યા છે. બહારના તારના ક્રમાંક નિયમ મુજબ આપવા ખાસ આવશ્યક છે તથા જે તે બહાર જતો તાર સ્ટ્રૉજર સ્વિચ પરથી પ્રથમ આકૃતિ 14ના વિતરણ (ડિસ્ટ્રિબ્યુશન) બોર્ડ પરના યોગ્ય કાણામાં જોડી દેવામાં આવે છે (અર્થાત્ ટર્મિનેટ કરવામાં આવે છે). આ ઉપરાંત સ્ટ્રૉજર સ્વિચના સળિયા ABને જોડેલો તાર દાખલ થતો તાર કહેવાય છે, જે વિતરણ બોર્ડના સૉકેટ SI માં પ્રવેશે છે. ટેલિફોન જોડાણની ક્રિયામાં જે ફોન કૉલ શરૂ કરે તેની લાઇન નિવેશ (inlet) સાથે જોડાય છે તથા તે ટેલિફોન પરના ડાયલના ભ્રમણ અનુસાર AB પરનો વાયર સ્ટ્રૉજર સ્વિચના 100 બહાર જતા પૈકી ઇચ્છિત ક્રમાંકના તાર સાથે જોડાણ કરે છે અર્થાત્ સ્ટ્રૉજર સ્વિચ એક નિવેશ તથા 100 નિર્ગત ધરાવતી પસંદગીયુક્ત સ્વિચ છે જેને લખાણમાં ટૂંકમાં બતાવવા [1 I./L.100 O/L] એમ કૌંસ વપરાય છે.
સ્વસંચાલિત ઍક્સ્ચેન્જ સાથે જોડવામાં આવતા તમામ ટેલિફોનના બેઝ-યુનિટ પર (પ્લાસ્ટિક જેવા પદાર્થની બનાવેલી) એક વર્તુળાકાર તક્તી, તેના ભૌમિતિક કેન્દ્ર o આસપાસ સ્થિર અવસ્થામાંથી અમુક મર્યાદા સુધી સમઘડી દિશામાં મુક્ત ફરી શકે તેમ ટેકવેલી હોય છે. વળી તેની કિનારી પર આકૃતિ 15માં દર્શાવ્યા પ્રમાણે દસ કાણાં પાડેલાં હોય છે. આ તક્તીને ફોનનું ડાયલ કહે છે. તથા તેનાં દસ કાણાંમાં અંદર નજર કરતાં આકૃતિ 15માં દર્શાવ્યા મુજબના ક્રમમાં, નીચેની સ્થિર તક્તી પર છાપેલા 1,2,3…..8,9 અને શૂન્ય આંક વંચાય છે. શૂન્ય આંક દર્શાવતા કાણાની તરત નજીક એક ધાતુની ઠેસી S આવેલી હોય છે, જેને ફિંગર-સ્ટૉપ કહે છે. આ ઠેસીને લીધે સામાન્ય સ્થિતિમાં ફોનનું ડાયલ આકૃતિમાં બતાવેલી સ્થિતિમાં જ રહે છે તથા સમઘડી દિશામાં જ, બતાવેલા તીરની દિશામાં ફેરવી શકાય છે. આવા મુક્ત રીતે ફરી શકતા ડાયલને રોટરી ડાયલ કહેવાય છે.
માનો કે આકૃતિ 13માંની સ્ટ્રૉજર સ્વિચ ધરાવતું તંત્ર કુલ 70 ફોન ધરાવે છે તથા તેમાંના ફોનનંબર 25 ને ફોન-નં. 57 સાથે જોડાણ જોઈએ છે. આ સંજોગમાં સૌપ્રથમ ફોનનંબર 25નો ધારક પોતાનો હૅન્ડસેટ ઊંચકી કાન પર મૂકશે. આમ કરતાંની સાથે જ ફોનનંબર 25ની લાઇન ઍક્સ્ચેન્જમાં સ્ટ્રૉજર સ્વિચની પસંદગીયુકત ભુજા AB સાથે જોડાઈ જશે તથા તે સ્વિચનો બહારનો તાર બની જશે.
હવે ફોનનંબર 57 જોડવા ફોનનંબર 25 નો ધારક પોતાના ફોનના ડાયલના જે કાણામાંથી આંક 5 દેખાતો હોય તે કાણામાં આંગળી નાખી ડાયલને સમઘડી દિશામાં, તે આપોઆપ અટકી જાય ત્યાં સુધી ફેરવી છોડી દે છે, જેથી ડાયલને આકૃતિ 15ની સામાન્ય સ્થિતિમાં રાખતી સ્પ્રિંગમાં અમુક પ્રમાણમાં વળ ચઢે છે તેમજ ડાયલ આપોઆપ મૂળ સ્થિતિમાં પાછું આવે છે. આ ક્રિયાને ‘આંક 5 ડાયલ કરવાની ક્રિયા’ કહેવાય છે. આંક 5 ડાયલ કર્યા બાદ ડાયલ મૂળ સ્થિતિમાં આવે તે દરમિયાન ડાયલની ગતિને કારણે બેઝમાં રાખેલા એક દંતચક્રના પાંચ દાંતા સતત ડી.સી. વીજપ્રવાહ જતો હોય તેવા વિદ્યુત-પરિપથમાં આવેલી એક પુશબટન-સ્વિચ ઉપરથી પસાર થઈ જાય છે, જેથી તે વિદ્યુત-પરિપથમાંનો વિદ્યુતપ્રવાહ એક પછી એક એમ પાંચ વખત કપાઈ જઈ ફરીથી ચાલુ થાય છે; અર્થાત્, વિદ્યુતપ્રવાહમાં પાંચ વિક્ષેપ પડે છે અને અંતે ફરી ચાલુ થાય છે.
આ વિદ્યુત-પરિપથમાં પ્રેરક ગૂંચળું રાખેલું હોવાથી, પ્રત્યેક વિક્ષેપની ક્ષણે એક અલ્પ સમયનો પણ પ્રમાણમાં મોટો પ્રેરિત વોલ્ટેજ ઉદભવે છે જે ફોનલાઇન મારફતે ઍક્સ્ચેન્જમાં જઈ સ્ટ્રૉજર સ્વિચના સળિયાને ઊર્ધ્વ દિશામાં આકર્ષતા વિદ્યુતચુંબકને કાર્યાન્વિત કરી સળિયા ABને મૂળ સ્થિતિ આકૃતિ 13 (a)માંથી એક પછી એક 5 સ્ટેપ ઉપર ચઢાવી પાંચમી કૉન્ટૅક્ટ-બૅન્કની સપાટીમાં લાવીને મૂકે છે. આવા વોલ્ટેજ-સ્પંદને ડાયલિંગ-સ્પંદ કહે છે; અર્થાત્, ફોનનો પ્રારંભ કરનાર ધારકના ડાયલ પરથી ડાયલ થયેલા પહેલા આંક(digit)ની અસર નીચે સળિયો Y1Y2 દિશામાં પાંચ સ્ટેપ ખેંચાઈ, પાંચમી કૉન્ટૅક્ટ-બૅન્કની સપાટીમાં આવી જાય છે. ત્યારબાદ ડાયલ કરવામાં આવતો બીજો આંક 7, તે જ ફોન-લાઇન મારફતે બીજા 7 ડાયલિંગ-પલ્સ મોકલે છે; પરંતુ આ સાત ડાયલિંગ-પલ્સ સ્ટ્રૉજર સ્વિચમાંના બીજા વિદ્યુત-ચુંબકમાં જાય છે જે સળિયા ABને Z1 Z2ની દિશામાં 7 સ્ટેપ જેટલું સમઘડી કોણાવર્તન આપે છે, જેથી હવે પસંદગી કરનાર સળિયાનું વાઇપર W 5મી કૉન્ટૅક્ટ-બૅન્કના 7મા કૉન્ટૅક્ટ પર સ્થિર થાય છે; અર્થાત્, હવે ફોનનંબર 25, ફોનનંબર 57 સાથે જોડાઈ જાય છે તથા તે બે ફોન જોડાયેલી અવસ્થામાં જ રહે છે, કારણ કે પસંદગી કરનાર ભુજાને Z2 Z1 તરફ પાછા ફરી, Y2 થી Y1 દિશામાં આપોઆપ નીચે ઊતરી જતો રોકવા સ્ટ્રૉજર સ્વિચમાં એક ખાસ દબાણ આપતી ઠેસી રાખેલી હોય છે. ફોનનંબર 25 તથા 57ના ધારકો વચ્ચેનો વાર્તાલાપ સંપૂર્ણ થાય તથા બંને ફોનના હૅન્ડસેટ બેઝ-યુનિટ પર પાછા મૂકવામાં આવે ત્યારે, બંને ફોનની હૂક-સ્વિચ એકસાથે અથવા એકબે સેકંડ વહેલી મોડી દબાય ત્યારે સળિયો AB મુક્ત થઈ જાય છે તેમજ આકૃતિ 13(a)માં દર્શાવેલી પ્રારંભિક સ્થિતિમાં આવી જાય છે તથા તેની સાથે જ ફોનનંબર 25ની સળિયા AB સાથે જોડાયેલી ફોનનંબર 25ની લાઇન તથા વાઇપર W વડે પકડાયેલી ફોન નંબર 57ની લાઇન પણ છૂટી પડી, સળિયો AB, આકૃતિ 13(a)માં દર્શાવેલી નિષ્ક્રિય સ્થિતિમાં પાછો આવી જાય છે. એક વાર્તાલાપને અંતે સ્ટ્રૉજર સ્વિચના સળિયા AB તથા વાઇપરને આકૃતિ 13(a)ની નિષ્ક્રિય સ્થિતિમાં પાછા આવી જવાની ક્રિયા ઑટોમૅટિક હોમિંગ કહેવાય છે.
આ ક્રિયાને લીધે એક વાર્તાલાપ પૂરો થયા બાદ બીજા બે ફોન વચ્ચે વાર્તાલાપ કરવા પણ તે સ્ટ્રૉજર સ્વિચ વાપરી શકાય છે. ઉપર દર્શાવેલા ફોન 25 તથા ફોન 57 વચ્ચેના વાર્તાલાપ દરમિયાન કૉલ શરૂ કરનાર ફોનની લાઇન સળિયા AB પર જાય છે જ્યારે ગ્રહણ કરનાર ફોનની લાઇન AB સળિયાના નીચેના ભાગમાં આવેલા વાઇપર W વડે પકડાય છે; અર્થાત્, આ સાદા ઍક્સ્ચેન્જમાં બે ફોન જોડવા માટે સળિયો AB તથા તેના નીચેના છેડે લગાડેલા વાઇપરથી બનતો એક જ રસ્તો (connecting link) ઉપલબ્ધ છે; તેથી તેનો ઉપયોગ કરતા ફોન 25 અને 57 વચ્ચેનો વાર્તાલાપ પૂરો થઈ તે બેને જોડતી કડી (link) મુક્ત થાય ત્યાં સુધી, કોઈ પણ બીજા બે ફોન એકમેકનો સંપર્ક કરી શકતા નથી. આ મુશ્કેલી દૂર કરવા વ્યવહારમાં વપરાતા ઓછામાં ઓછા 1000 ટેલિફોનને સેવા આપતા તેમજ પૂરતા પ્રમાણમાં બે ફોનના જોડાણ માટેની કડી ધરાવતા પ્રમાણભૂત (standard) ઍક્સ્ચેન્જમાં કુલ 1000 લાઇનો દાખલ થાય છે તેમજ કોઈ એક જ ક્ષણે એક તરફના 24 ફોન બીજી તરફના 24 ફોનનો સંપર્ક કરી શકે છે.
1000 ફોન ધરાવતું પ્રમાણભૂત એક્સચેન્જ : આ પ્રમાણભૂત એક્સચેન્જ ડેન્માર્કના ઇજનેર એર્લાંગનાં અવલોકન તેમજ ગણતરી પર આધારિત છે તેમજ 1000 ફોનધારકોને સંતોષકારક સેવા આપતું જણાયું છે. એર્લાંગે કરેલા ટેલિફોન-ઍક્સ્ચેન્જ પરના અવલોકન પરથી તેને જણાયું કે 1000 ફોન ધરાવતા ઍક્સ્ચેન્જમાં કોઈ પણ એક જ ક્ષણે વધુમાં વધુ પસાર થતા ફોન-કૉલની સંખ્યા 19–20થી ક્યારેય વધતી નથી તથા સરેરાશ ફોન વાર્તાલાપ માત્ર ત્રણથી પાંચ મિનિટ ચાલે છે; તેથી ઍક્સ્ચેન્જમાં માત્ર 24 ફોન લિંક રાખવામાં આવે તો કોઈ પણ ક્ષણે ફોન ઉપાડનારને એક મુક્ત કડી હમેશાં મળી જ રહે છે. સંજોગવશાત્ જો બધી કડીઓ ઉપયોગમાં હોય તો કૉલ શરૂ કરનારે વધુમાં વધુ બેત્રણ મિનિટ થોભી જવું પડે છે; પરંતુ તેટલા સમયમાં ઓછામાં ઓછી બેત્રણ કડીઓ ખાલી પડે છે તેથી ફોનધારક બેત્રણ મિનિટ બાદ નવેસરથી ફોન પ્રારંભ કરે તો તેને જરૂરી જોડાણની કડી મળી રહે છે. આવા ઍક્સ્ચેન્જની સંજ્ઞા આકૃતિ 16માં બતાવી છે. પ્રથમ તો જે 1000 ફોનને ઍક્સ્ચેન્જ સેવા આપે છે તેને મોટા લંબચોરસ ABCD વડે બતાવ્યું છે, જેમાં તમામ 1000 ફોનની 1000 લાઇનો દાખલ કરેલી હોય છે. સરળતા માટે ઍક્સ્ચેન્જમાં માત્ર એક જ ફોન Tx દાખલ થતો બતાવ્યો છે. ઉપરાંત ઍક્સ્ચેન્જમાંથી પસાર થતી 24 ટેલિફોન લિન્કને બદલે માત્ર પહેલી, બીજી તેમજ 24મી કડી ત્રણ સમક્ષિતિજ રેખા I1,O1,I2,O2 તથા I24 O24 વડે દર્શાવી છે. વળી I સંજ્ઞા પ્રત્યેક કડી માટે દાખલ થતો છેડો છે જ્યારે O બહાર જતો છેડો છે. આ પ્રકારની તમામ 24 કડીઓમાં એક પછી એક, ક્રમમાં ત્રણ સ્વિચ S1S2 અને S3 રાખવી આવશ્યક છે જેમને અનુક્રમે પહેલું, બીજું અને અંતિમ પસંદગી કરનાર જૂથ કહેવાય છે. S1S2 અને S3 – ત્રણેય પસંદગી કરનાર સ્વિચો એક નિવેશ તેમજ 200 નિર્ગત ધરાવે છે; અર્થાત્, તે [1 I. L./200 0.L.] પ્રકારની છે. તેમાં સામાન્ય સ્ટ્રૉજર સ્વિચની માફક એક મધ્યનો પસંદગી કરનાર સળિયો AB તેમજ તેને છેડે તાંબાની પટ્ટીનું બનાવેલું વાઇપર W આપેલું છે. આઉટલેટ વાયર બહાર કાઢવા તેમને સામાન્ય સ્ટ્રૉજર સ્વિચની માફક એક ઉપર એક એમ 10 સમાંતર સંપર્ક બૅન્ક પરની ધાતુની પટ્ટીઓ પરથી બહાર કાઢેલા છે; પરંતુ જૂથ-પસંદગીયુક્ત સ્વિચમાંથી કુલ 200 નિર્ગત તાર આવતા હોવાથી પ્રત્યેક અર્ધવર્તુળમાં ગોઠવાયેલી સંપર્ક-બૅન્ક પરથી 200 તાર બહાર કાઢેલા હોય છે.
પહેલા અને બીજા ગ્રૂપ-સિલેક્ટર (S1 અને S2) દ્વારા યોગ્ય જોડાણ મેળવવા તેના વાઇપરને સામાન્ય સ્ટ્રૉજર સ્વિચની માફક પ્રથમ એક સ્પંદ, જે ડાયલ દ્વારા આવતું હોય તેની મદદથી કોઈ પણ ક્રમાંકની સંપર્ક-બૅન્ક પાસે ખેંચી લાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ જરૂરી કોણાવર્તન આપી તે સંપર્ક-બૅન્કના 20 સંપર્ક પૈકી જે સંપર્ક પર કોઈ વાઇપર પડેલ ન હોય તેવો સંપર્ક શોધવા S1 અને S2 ના વાઇપરને તેમની સ્વંતત્ર મોટર ઉપયોગમાં ન હોય તે વાપરી ફોન Tx નો સંપર્ક કરે છે.
ઍક્સ્ચેન્જ ABCD તરીકે તેમજ તેમાંની 24 કડીઓ L1L2….L24 પૈકીની માત્ર ત્રણ કડીઓ I1O1,I2O2 તથા I24O24 સમક્ષિતિજ રેખાઓ વડે બતાવી છે. પ્રત્યેક રેખામાં I તે કડીનો દાખલ થતો તથા O બહાર જતો છેડો છે.
પ્રત્યેક કડીમાં તેના માર્ગમાં આવતી યોગ્ય ફોન પસંદ કરવા જરૂરી ત્રણ જૂથપસંદગી કરનાર સ્વિચ S1,S2,S3 દર્શાવી છે, જેમને અનુક્રમે પહેલું, બીજું અને અંતિમ પસંદગી કરનાર જૂથ કહે છે
S1,S2 અને S3 ત્રણેય સ્વિચ એક નિવેશ તેમજ 200 નિર્ગત ધરાવતી સ્વિચ છે તથા દરેકમાં એક ઉપર બીજી એમ કુલ 10 સંપર્ક-બૅન્ક હોય છે. પરંતુ દરેક સંપર્ક-બૅન્ક પર સામાન્ય સ્ટ્રૉજર સ્વિચમાં 10 સંપર્ક હોય છે તેને બદલે 20 સંપર્ક હોય છે, જેથી પસંદગી કરનાર જૂથનું વાઇપર પ્રથમ આવતા ફોન ડાયલ-પલ્સની સંખ્યા જેટલું અધ્ધર ચઢી કોઈ એક સંપર્ક બૅન્કની સપાટીમાં આવે છે; પરંતુ ત્યારબાદ તે બૅન્કના 20 સંપર્ક પૈકી મુક્ત સંપર્ક પર જોડાણ કરવા જરૂરી સમઘડી ભ્રમણ પસંદગી કરનાર જૂથની પોતાની મોટર દ્વારા થાય છે. વાઇપર કોઈ પણ મુક્ત સંપર્ક પર આવે ત્યારે તેની પર દબાણથી ચોંટી જાય છે; અર્થાત્, પસંદગી કરનાર જૂથને યોગ્ય સંપર્ક શોધવા એક ડાયલ કરેલા આંકની જરૂર પડે છે તેમજ તેની પોતાની મોટર વડે થતા આપોઆપ ભ્રમણની જરૂર પડે છે. S2ની બાબતમાં પણ તેમ જ છે.
છેલ્લી સ્વિચ S3ને જોડાણ માટે શોધવામાં આવતા ફોનના ચાર આંકના ફોનનંબર પૈકી છેલ્લા બે આંકડા માત્રની જરૂર પડે છે. સ્વિચ S3 ને ચાલક મોટરની જરૂર નથી હોતી.
મુક્ત કડીની પસંદગી : કોઈ ક્ષણે ઍક્સ્ચેન્જમાં જોડાયેલા 1000 ફોન પૈકી કોઈ ફોન Txનો ધારક x, કૉલ કરી Tyના ધારક Y સાથે વાત કરવા માગતો હોય તો Tx અને Ty નું જોડાણ તે ઍક્સ્ચેન્જમાંની 24 કડીઓ પૈકીની જે કડી તે ક્ષણે મુક્ત હોય તે દ્વારા થશે. આ ક્રિયામાં Txનું U/S ભાગ લે છે. Tx નો હૅન્ડસેટ ઉઠાવતાં તરત જ ફોન Txના સિલેક્ટરનું વાઇપર Wx (પટ્ટી P1P2) ધરી P1 ની આસપાસ આપોઆપ સમઘડી દિશામાં ફરવા માંડે છે જેથી મુક્ત છેડો P2 અર્ધવર્તુળ RSનાં તમામ જોડાણ 1,2……24 ઉપરથી પસાર થાય છે તથા જે જોડાણ પર કોઈ વાઇપર અડકેલું હોય તેને વિક્ષેપ કર્યા વગર, એક મુક્ત જોડાણ (માનો કે 12) પર આવી દબાણથી તેને ચોંટી જાય છે; અર્થાત્, ફોન Txને આગળ વધવા મુક્ત કડી L12 મળી જાય છે, આમ થતાં હવે વાઇપર Wx ફરતું અટકી જાય છે તથા હવે ફોન Tx ના ધારકને ડાયલટોન સંભળાય છે, જે જરૂરી ફોનના નંબરનો પ્રથમ અંક ડાયલ કરવાનું Xને સૂચન કરે છે. આ તબક્કે ફોન Txની લાઇનની અવસ્થા આકૃતિ 18માં બતાવ્યા પ્રમાણેની હોય છે તથા પ્રારંભે કરેલો કૉલ ફોન Txની લાઇન Lx,U/S EFGHમાં થઈને મુક્ત કડી L12 માં થઈ 12મી કડીના પહેલા પસંદગી કરનાર જૂથ S1ના નિવેશ I1 સુધી આવી ગયો હોય છે, જે અવસ્થા આકૃતિ 18માં દર્શાવી છે. માનો કે ફોન Tyનો ફોનનંબર 5739 એ ચાર આંકડાનો બનેલો છે, જેથી X1 હવે આંક 5 ડાયલ કરશે જેથી પહેલા પસંદગી કરનાર જૂથની ભુજા પાંચ તબક્કા ઉપર ચઢીને પસંદગી કરનાર પાંચમી સંપર્ક-બૅન્ક પર આવશે તથા તેમાં 20 સંપર્ક હોવાને લીધે પસંદગી કરનારની પોતાની મોટર આ ભુજા અથવા વાઇપરને ભ્રમણ આપી અંક 5થી શરૂ થતા ટેલિફોન જે આ બૅન્ક પરથી આવે છે તેમને તપાસી એક મુક્ત સંપર્ક પર જોડાણ કરશે જેથી પહેલું અને બીજું પસંદગી કરનાર જૂથ AB માર્ગે જોડાઈ હવે કૉલ બીજા પસંદગી કરનાર જૂથની ભુજા I2 પર આવે છે તથા આ ક્ષણે ડાયલ થતા આંક 7ને લીધે, પહેલા પસંદગી કરનાર જૂથ આગળ થતી હતી તેવી જ ક્રિયા મારફતે, બીજા જૂથની 7મી સંપર્ક બૅન્ક પરથી આવતો વાયર A2B2 ફોન નંબરમાં પહેલા બે આંક 57 હોય તેવા ફોન સાથે જ છેલ્લે જોડાશે. અત્રે અંતિમ પસંદગીકર્તા તાર A2B2 ને સૌથી છેલ્લે ડાયલ થતા બે આંક 39 હોય તેવા ફોન સાથે જોડે છે, જેથી ફોન Tx હવે ફોનનંબર 5739 સાથે જોડાય છે. આ જોડાણ પૂરાં થતાં તરત જ ત્રીજું પસંદગીકર્તા જૂથ ફોન-નંબર 5739માં ઘંટડી વગાડવા જરૂરી વાદનપ્રવાહ (ringling current) મોકલી તે ફોનની ઘંટડી વગાડે છે જ્યારે તે જે વિદ્યુતપ્રવાહનો ઘણો નાનો અંશ ફોન Tx ના ઇયરપીસમાં મોકલે છે જેને વાદન-ટોન કહેવાય છે જે ફોન પ્રારંભ કરતા ધારકને જોડાણ સંપૂર્ણ થયાનું સૂચન પણ કરે છે.
ચાર આંકડાના ફોન ધરાવતા ઍક્સ્ચેન્જમાં કૉલ પ્રારંભ કરનાર ફોન Tx તથા ગ્રહણ કરનાર ફોનનંબર 5739 જોડાઈ જાય ત્યારે તેમની સ્થિતિ આકૃતિ 18માં દર્શાવી છે.
ઇલેક્ટ્રૉનિક ટેલિફોન ઍક્સ્ચેન્જ : સ્ટ્રૉજર સ્વિચ પર આધારિત પદ્ધતિમાં તમામ ક્રિયાઓ યાંત્રિક સ્વિચ દ્વારા થતી હોવા છતાં, વિશ્વના તમામ દેશોમાં 50 વર્ષ સુધી તો કોઈ ખાસ મુશ્કેલી અનુભવ્યા સિવાય આ જ પદ્ધતિ પર દૂરવાણી-વ્યવહાર ચાલુ રહ્યો; પરંતુ 1961 પછી વિકસેલા અત્યંત સૂક્ષ્મ કદમાં સંકલિત એવા ઇલેક્ટ્રૉનિક પરિપથ-(integrated electronic circuits)નું મોટા પાયા પર ઉત્પાદન કરવાની અદ્યતન ટૅક્નૉલૉજી વિકાસ પામવાથી ક્રમશ: ટેલિફોન ઍક્સ્ચેન્જમાં થતી તમામ ક્રિયાઓ; જેવી કે, કોઈ ફોનધારક ફોનનો હૅન્ડસેટ ઊંચકે કે તરત તેને જોડાણ માટે મુક્ત કડી (free phone link) શોધવી, કૉલનો પ્રારંભ કરનાર ફોનના ડાયલિંગ-સ્પંદ મુજબ, સ્ટ્રૉજર સ્વિચની હારમાળાને ક્રિયાશીલ કરીને કૉલ કરનાર ફોનધારકને, ઇચ્છિત ફોન સાથે જોડી, તેમાં વાદનપ્રવાહ મોકલવો વગેરે તમામ ક્રિયાઓ માટે યોગ્ય ઇલેક્ટ્રૉનિક ઉપકરણ અસ્તિત્વમાં આવ્યાં. તેથી સ્ટ્રૉજર સ્વિચ પર આધારિત ટેલિફોન ઍક્સ્ચેન્જને બદલે વિશ્વના તમામ દેશોમાં, હાલ ઇલેક્ટ્રૉનિક ઍક્સ્ચેન્જ વપરાશમાં આવ્યાં છે.
વિશ્વના તમામ દેશોએ ઇલેક્ટ્રૉનિક ઍક્સ્ચેન્જ તથા તેના ઉપયોગ દરમિયાન સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય કાર્યપદ્ધતિ અપનાવી લેવાને કારણે, વિશ્વના ગમે તે એક ફોનને સમગ્ર વિશ્વના બીજા કોઈ પણ સ્થળે આવેલા ફોન સાથે ફોનધારક જાતે જ જોડી શકે છે.
આંતરરાષ્ટ્રીય ટેલિફોન-કૉલ, દરિયાપારના દેશો વચ્ચે પણ થઈ શકે છે, જેને માટે ટેલિફોન કૉલ શક્ય હોય ત્યાં સુધી દેશના સીમાડા સુધી તાર દ્વારા પહોંચાડી ત્યારબાદ અવકાશમાં તરતા મૂકવામાં આવેલા ટેલિફોન સંદેશા માટેના ખાસ કૃત્રિમ ઉપગ્રહ (communication satellite) તરફ રેડિયોસંકેત મારફતે મોકલવામાં આવે છે. આવતા રેડિયોસંકેતનું વિવર્ધન કરીને, આવા ઉપગ્રહ, દૂરના દેશના ભૂમિસંપર્ક મથક (satellite earth station) તરફ મોકલે છે. ત્યારબાદ ટેલિફોન-કૉલ, ટ્રંક કેબલ દ્વારા જે તે શહેરના ટેલિફોન-ઍક્સ્ચેન્જમાં થઈને છેલ્લે ગ્રહણ કરનાર ફોનધારકને પહોંચે છે. આની ઉપરાંત 1956માં સમુદ્રને તળિયે પડી રહેતું ટેલિફોનનું દોરડું (trans-oceanic telephone cable અથવા submarine cable) આટલાંટિક સમુદ્રમાં નાખવામાં આવ્યું તથા યુરોપ અને અમેરિકા વચ્ચે સબમરીન-કેબલ દ્વારા ટેલિફોન વ્યવહાર શરૂ થયો. આવા કેબલ અત્યંત ખર્ચાળ હોવા છતાં ગુણવત્તાની ર્દષ્ટિએ કેબલ દ્વારા આવતા ફોનસંદેશ ઊંચા પ્રકારના હોવાથી શક્ય હોય ત્યાં સુધી દરિયાપારનો ફોનવ્યવહાર રેડિયોસંકેતને બદલે સબમરીન કેબલ દ્વારા થાય છે.
આમાં કેબલની લંબાઈ સામાન્યત: 5,600થી 6,400 કિમી. હોય છે. આટલાંટિક તેમજ પૅસિફિક સમુદ્રમાં ઘણાં રાષ્ટ્રો વચ્ચે નાખવામાં આવ્યાં છે. સબમરીન-કેબલમાં આગળ વધતો ટેલિફોન-કૉલ અંતર વધે તેમ તેમ તીવ્રતામાં ઘટતો જાય છે તેથી આવા સબમરીન કેબલમાં પ્રત્યેક 32 કિમી.થી 64 કિમી. અંતરે વચ્ચે વચ્ચે વિશિષ્ટ બનાવટના વિવર્ધકો મૂકેલા હોય છે જે કેબલ મારફતે પસાર થતા જમણીથી ડાબી કે ડાબીથી જમણી તરફ જતા સંદેશાનું વિવર્ધન કરે છે. આવા વિવર્ધકને ‘રિપીટર’ કહે છે અને સામાન્ય રીતે 10 વર્ષ માટે કોઈ સારસંભાળ સિવાય, પોતાનું કાર્ય સતત કરતા રહે છે. હાલ આટલાંટિક સમુદ્રમાં કુલ 14 સબમરીન-કેબલ ઉપયોગમાં છે જ્યારે પૅસિફિક સમુદ્રમાં 10 સબમરીન-કેબલ ઉપયોગમાં છે. તમામ દેશના વૈજ્ઞાનિકો એવો મત ધરાવે છે કે દરિયાપારના ફોનવ્યવહાર માટે સબમરીન-કેબલ તેમજ કૉમ્યુનિકેશન સેટેલાઇટ – એ બંને વ્યવસ્થા સંભાળપૂર્વક ચાલુ રાખવી તે વિશ્વનાં સમગ્ર રાષ્ટ્રોના હિતમાં છે.
કૅરિયર ટેલિફોની : 1975 સુધી કોઈ પણ બે ઔદ્યોગિક શહેરો વચ્ચેનો ટેલિફોન વ્યવહાર બે શહેરોને જોડતાં ખાસ દોરડાં, ટ્રંક-કેબલ મારફતે થતો હતો. વળી સામાન્ય ટ્રંક-કેબલમાં 100 તાર સમાવી લેવાતા; અર્થાત્, બે તારની 50 જોડ (50 pairs) સમાઈ જતી. તેથી એક વાર ટ્રંક-કેબલ નાખ્યા પછી, બે શહેર વચ્ચે એકસાથે 50 ટેલિફોનના વાર્તાલાપ થઈ શકતા. તેમ છતાં પ્રત્યેક શહેરમાંની ફોનધારકની સંખ્યા 25,000 ઉપરાંત વધી જતાં ટ્રંકકૉલ-પદ્ધતિ દ્વારા બે શહેર વચ્ચે એકસાથે, સો, બસો કે વધુ વાર્તાલાપનો વિનિમય થઈ શકે તેવી યોજના કરવી અનિવાર્ય બની.
આ યોજના ‘કૅરિયર ટેલિફોની’ કહેવાય છે, જેમાં હકીકતમાં શહેર A અને Bની બે વ્યક્તિ A1 તથા B1 વચ્ચેનો વાર્તાલાપ, ચોક્કસ આવૃત્તિ ધરાવતા રેડિયોતરંગ દ્વારા લઈ જવામાં આવે છે, પરંતુ વાર્તાલાપ લઈ જતો રેડિયોતરંગ, અવકાશમાં મુસાફરી કરી Aથી B જવાને બદલે તે બે શહેર વચ્ચે નાખેલા ટ્રંક-કેબલ જેમાં સામાન્ય રીતે બે તારની 50 જોડી; અર્થાત્, કુલ 100 તાર હોય છે તે પૈકી ગમે તે એક જોડીનો ઉપયોગ કરી શહેર Aથી B પહોંચે છે. કૅરિયર ટેલિફોનીમાં નીચેની 12 આવૃત્તિઓ વપરાય છે. તથા તેમને ચૅનલ 1, ચૅનલ 2….વગેરે નામ આપવામાં આવ્યાં છે જે આ સાથેના કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણેના હોય છે :
કૅરિયર ટેલિફોનીમાં વપરાતા રેડિયોસંકેતની આવૃત્તિઓ
ક્રમ |
નામ | વપરાતા રેડિયોતરંગની આવૃત્તિ |
1.
2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. |
ચૅનલ 1
ચૅનલ 2 ચૅનલ 3 ચૅનલ 4 ચૅનલ 5 ચૅનલ 6 ચૅનલ 7 ચૅનલ 8 ચૅનલ 9 ચૅનલ 10 ચૅનલ 11 ચૅનલ 12 |
108 કિલોહર્ટ્ઝ 104 કિલોહર્ટ્ઝ 100 કિલોહર્ટ્ઝ 96 કિલોહર્ટ્ઝ 92 કિલોહર્ટ્ઝ 88 કિલોહર્ટ્ઝ 84 કિલોહર્ટ્ઝ 80 કિલોહર્ટ્ઝ 76 કિલોહર્ટ્ઝ 72 કિલોહર્ટ્ઝ 68 કિલોહર્ટ્ઝ 64 કિલોહર્ટ્ઝ |
આ યોજનામાં વાહક આવૃત્તિ 108 કિલોહર્ટ્ઝ વાપરતી ચૅનલ 1 પર શહેર Aની વ્યક્તિ A1 તથા Bની વ્યક્તિ B1 વાર્તાલાપ કરી શકે છે તથા તે કુલ 50 લાઇન ધરાવતા ટ્રંક-કેબલની (માનો કે) પહેલી ટ્રંકલાઇન વાપરે છે. આ સંજોગમાં બીજી બે વ્યક્તિઓ A2 અને B2, ચૅનલ નં. 2 (વાહક આવૃત્તિ 104 કિલોહર્ટ્ઝ) વાપરી વાર્તાલાપ કરી શકશે તથા આ બીજો વાર્તાલાપ પણ ટ્રંક-કેબલની 50 પૈકીની પહેલી ટ્રંકલાઇનનો જ ઉપયોગ કરી શકે છે તેમજ A1B1 અને A2B2 વચ્ચેનો વાર્તાલાપ ભેળસેળ થઈ જશે નહિ; કેમ કે બંને શહેરમાં ટ્રંક-કેબલના છેડાઓ આગળ જુદી જુદી આવૃત્તિના રેડિયોસંકેત અલગ કરનાર આવૃત્તિ વિભેદક પરિપથ (frequency discriminator circuit) રાખેલા છે. 108 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર આવતો-જતો સિગ્નલ વ્યક્તિ A1ના ટેલિફોન TA1 અને વ્યક્તિ B1ના ટેલિફોન TB1 વચ્ચે જ આવજા કરે છે જ્યારે 104 કિલોહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતી ચૅનલ 2 મારફતે થતો વાર્તાલાપ, વ્યક્તિ A2 અને B2 ના ટેલિફોન TA2 તથા TB2 વચ્ચે જ આવજા કરે છે. હકીકતમાં 12 ચૅનલ પર થતા 12 વાર્તાલાપ ટ્રંક-કેબલની 50 સ્વતંત્ર ટ્રંકલાઇનો પૈકી એક જ લાઇન વાપરે છે. આ પદ્ધતિનો વિસ્તાર કરી 50 ટ્રંકલાઇનના એક જ કેબલ દ્વારા 12 x 50 = 600 વાર્તાલાપ એકસાથે બે શહેર વચ્ચે કરી શકાય છે. વ્યવહારુ કૅરિયર ટેલિફોનીમાં બે શહેર વચ્ચે એકસાથે 300 ચૅનલ દ્વારા 300 વાર્તાલાપના વિનિમયની યોજના કરવામાં આવે છે. તે માટે પ્રત્યેક ટ્રંકલાઇન 12 ચૅનલનો વિનિમય કરે તેમ ગોઠવી તેવી કુલ 25 ટ્રંકલાઇનો (50 તાર) ધરાવતું ટ્રંક કેબલ બે શહેર વચ્ચે નાખવામાં આવે છે. 300 ચૅનલનો વિનિમય કરતા ટ્રંકકેબલને 1 માસ્ટરગ્રૂપ પસાર કરતું કેબલ કહેવાય છે.
સેલ્યુલર ટેલિફોની : ભારતમાં જાન્યુઆરી, 1997 આસપાસ શરૂ કરવામાં આવેલી સેલ્યુલર ટેલિફોન સેવા, વેપારધંધા તેમજ કુદરતી આપત્તિઓના સમયે ઉપયોગી થઈ શકે તેવી કોઈ પણ દેશ માટે ઘણી જ ઉપકારક યોજના છે. જોકે અમેરિકા જેવા દેશમાં સેલ્યુલર ફોન છેલ્લાં 20 વર્ષથી વપરાતા આવ્યા છે.
સેલ્યુલર ટેલિફોન સેવા દ્વારા, ગતિશીલ વાહન અથવા ઊડતા વિમાનમાંનો ફોનધારક અથવા તો દૂર નિર્જન સ્થળે બેઠેલો ફોનધારક, વિશિષ્ટ પ્રકારના ટેલિફોન-ઉપકરણ – સેલ્યુલર ટેલિફોન(cellular telephone, સંજ્ઞા Tc)નો ઉપયોગ કરી, પોતાની આસપાસના અમુક ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળના વિસ્તારમાં આવેલા કોઈ પણ ફોનધારક સાથે વાર્તાલાપનો પ્રારંભ કરી શકે છે અથવા તો પોતાના ફોન તરફ આવતા સંદેશા ગ્રહણ કરી શકે છે. આવો સેલ્યુલર ટેલિફોન કોઈ જાતના તારના જોડાણથી ક્યાંયે જોડેલો હોતો નથી. આવો ફોનધારક મોટે ભાગે પોતાનો ફોન ઑફિસે લઈ જવાની બૅગમાં રાખી શકે છે.
આવી યોજનામાં જે તે રાજ્યના સમગ્ર વિસ્તારને મર્યાદિત ક્ષેત્રફળ ધરાવતા નાના વિભાગો – સેલ(cell)માં વહેંચી નાખવામાં આવ્યો હોય છે જેને કારણે ‘સેલ્યુલર ફોન’ શબ્દ પ્રચલિત બન્યો છે. પ્રત્યેક સેલમાં એક રેડિયો-ટ્રાન્સમીટર રાખવામાં આવેલું હોય છે, જે તે સેલમાંના પ્રત્યેક સેલ્યુલર ફોન સાથે બે નિશ્ચિત સ્વતંત્ર રેડિયો-આવૃત્તિથી જોડાયેલું હોય છે તેમજ પ્રત્યેક ફોનનો (ફોન)નંબર, તે ફોનની મેમરીમાં જ હોય છે. આવું ટ્રાન્સમીટર તે સેલના ટેલિફોન-ઍક્સ્ચેન્જ સાથે પણ જોડાયેલું હોય છે. ટ્રાન્સમીટરને ઘણી વાર બેઝ-ટ્રાન્સમીટર (base transmitter, સંજ્ઞા B.T.) કહે છે.
(1) રેડિયો ટ્રાન્સમીટર(B.T.)થી ફોન સુધી બહાર જતો માર્ગ forward path કહેવાય છે; જે માર્ગે જતાં ધ્વનિ તેમજ બીજા સંકેત જેવા કે ઘંટડી વગાડવા જરૂરી સિગ્નલ વગેરે માટે એક રેડિયો-આવૃત્તિ F1 વપરાય છે.
(2) ફોનથી, B.T. તરફ જતાં ધ્વનિ તેમજ ડાયલિંગ-સ્પંદ વગેરેનો માર્ગ વળતો માર્ગ (return path) કહેવાય છે. આ માર્ગ પરના સિગ્નલ બીજી આવૃત્તિ F2 વાપરે છે.
વળી બહાર જતા માર્ગ પરનો સિગ્નલ વળતા માર્ગે આવતા સિગ્નલ કરતાં હમેશાં ઓછો પ્રબળ હોય છે.
સેલ સ્વિચિંગ : વ્યવહારમાં સેલ્યુલર ટેલિફોનની પદ્ધતિમાં ઉદભવતી મુશ્કેલી એ છે કે કોઈ સેલ્યુલર ફોન TA, નિશ્ચિત સેલ CA સાથે તેના બેઝ-ટ્રાન્સમીટર BTA મારફતે જોડાયેલો હોય અને ફોનધારક તે સેલની મર્યાદા બહાર ચાલી જાય તો સેલ્યુલર ફોનથી થતો સંદેશાવ્યવહાર ઘણો મંદ પડી જાય છે; પરંતુ આધુનિક સેલ્યુલર ફોન તક્નીકમાં આ પ્રશ્ન ઉદભવતો નથી. ફોન TA, સેલ CAની મર્યાદા ઓળંગવા સુધી પહોંચે ત્યારે સેલ્યુલર ફોનમાંથી આવતા વળતા માર્ગના સંદેશા ઘણા મંદ પડી જાય ત્યારે પ્રત્યુત્તર રૂપે આવતા સંદેશાની તીવ્રતા સતત માપતું મૉનિટરિંગ કમ્પ્યૂટર, જે પ્રત્યેક ઝોનમાં રાખેલું હોય છે તે, સેલ્યુલર ફોન TA જે સેલ Aના બેઝ ટ્રાન્સમીટર BTA સાથે જોડાયેલું હતું તેને આપોઆપ હવે નજદીકના સેલ B માટેના બેઝ-ટ્રાન્સમીટર BTB સાથે જોડી દે છે. આ વ્યવસ્થાને કારણે એક સેલ્યુલર ફોનધારક દેશના એક રાજ્યના સમગ્ર વિસ્તારમાં મુક્ત રીતે હરીફરી શકે છે તેમજ તમામ ફોનધારકના સંપર્કમાં રહે છે.
હવે અમેરિકા જેવા પશ્ચિમના દેશોમાં ર્દશ્ય-ટેલિફોન(visual telephone)ની વ્યવસ્થા ઉપલબ્ધ છે જેમાં ટેલિફોન કરનાર અને સામે છેડે ગ્રહણ કરનાર પોતાની વાતચીત દરમિયાન એકબીજાના ચહેરા અને હાવભાવ જોઈ શકે છે.
મોબાઇલ : મોબાઇલ દૂરવાણીએ જોતજોતાંમાં જગતમાં ક્રાંતિ લાવી દીધી છે. આજે યુવાનોથી માંડીને વૃદ્ધો, શ્રમજીવીઓથી માંડી માલેતુજારો, શ્રમજીવી મહિલાથી માંડી ફિલ્મ-અભિનેત્રીઓ વગેરેને મોબાઇલ વિના ચાલતું નથી. મોબાઇલ બીજું કશું જ નથી. રિસીવર અને ટ્રાન્સમીટર ધરાવતી ઇલેક્ટ્રૉનિક્સની પ્રયુક્તિ છે. જેવી રીતે રેડિયો-રિસીવર અને રેડિયો-ટ્રાન્સમીટર રેડિયો-તરંગોની આપલે કરી સંચાર કરે છે તેવી રીતે અત્રે રિસીવર અને ટ્રાન્સમીટર સૂક્ષ્મ તરંગો(માઇક્રોવેવ)ની આપલે કરી સંચાર કરે છે. સૂક્ષ્મ તરંગો સીધા જ પ્રસરતા હોઈ ઠેર ઠેર રીલે ટાવર ઊભાં કરવામાં આવે છે. વળી તેમને ક્ષીણ થતા રોકવા તેને બળવત્તર બનાવવામાં આવે છે એટલે કે તેનું વિવર્ધન (Amplication) કરવામાં આવે છે. તે માટે વિવિધ ટૅક્નૉલૉજી વિકાસ પામી છે, ઉત્તરોત્તર તેની પેઢીઓ (Generations) વિકસી છે. તેને ‘G’ કહે છે. 1Gથી 5G ટૅક્નૉલૉજી અસ્તિત્વમાં આવી છે. ‘G’ વધારે માળખાકીય સુવિધા સાથે લાગેવળગે છે અને ડેટાના દર (data rates) સાથે ઓછું લાગેવળગે છે. હવા ઉપરનો ડેટા-રેટ આંતરમાળખાની વ્યવસ્થાપનને કારણે ઝડપથી આગળ વધે છે.
1G એેટલે પ્રથમ જનરેશન (પેઢી) ‘વાયરલેસ ઍનેલૉગ ટૅક્નૉલૉજી સ્ટાન્ડર્ડ્ઝ’. તેનો ઉદભવ 1980ના દાયકામાં થયો. 1G નૅરોબૅન્ડ ઍનેલૉગ વાયરલેસ નેટવર્કનો ઉપયોગ થાય છે. તેની મદદથી અવાજથી વાતચીત થઈ શકે અને લિખિત સંદેશા પણ મોકલી શકાય.
2G એ દ્વિતીય જનરેશન પ્રણાલી છે તે ડિજિટલ છે. તેમાં બે ટૅક્નૉલૉજી છે. બેમાંથી એકનો ઉપયોગ થાય છે. એકનો ટીડીએમએ (Time Division Multiple Assess) છે અને બીજી સીડીએમએ (Code Division Multiple Assess) છે. યુરોપિયન જીએસએમ (Global System for Mobile Communications) 2G ડિજિટલ સેવા છે. તેને પોતાની ટીડીએમએ પદ્ધતિઓ છે. 2G ડિજિટલ સેવાઓ 1980ના દાયકામાં દેખાવા લાગી. તેની ક્ષમતા વિસ્તૃત થઈ હતી. Caller ID જેવી વિશિષ્ટ સેવા હતી. Call forwardingની સુવિધા હતી અને ટૂંકા સંદેશા(SMS)ની સુવિધા હતી. તેમાં રોમિંગની સુવિધા પણ હતી.
3G તેના IMT2000 (International Mobile Communication – 2000)નાં લક્ષણોને કારણે તેને ‘ગ્લોબલ સ્ટાન્ડર્ડ’ લાગુ પાડી શકાયા. 3G પ્રણાલી ઘણી નવી સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. તેમાં ગ્લોબલ રોમિંગ, વાઇડ બૅન્ડ વોઇસ ચૅનલ જેના લીધે નાનકડાં ગામડાં કે વ્યક્તિને શોધી કાઢવા માટે સંદેશો મોકલવા મદદરૂપ થશે. 3Gમાં અવાજ સ્પષ્ટ આવે છે. મનોરંજન જેવું ઇન્ટરસેટ, મોબાઇલ ટીવી, વીડિયો કૉન્ફરન્સ, વીડિયો કૉલ, મલ્ટિમીડિયા, મેસેજિંગ સર્વિસ (MMS), 3ડી રમતો, મલ્ટિગેમિંગ વગેરે સહેલાઈથી ઉપલબ્ધ થાય છે.
4G ખરેખરી હાઇસ્પીડ ડેટા-સર્વિસીઝ પૂરી પાડશે. 4Gમાં 3G કરતાં કેટલાંક વધારાનાં લક્ષણો હશે. તેમાં મલ્ટિમીડિયા ન્યૂઝપેપર, વધારે સ્પષ્ટ ટીવી કાર્યક્રમો જોઈ શકાશે. ડેટાને ઝડપથી મોકલી શકાશે.
5G એટલે 5મી જનરેશનની વાયરલેસ સિસ્ટમ છે. મોબાઇલ સંચારનો તે હવે પછીનો તબક્કો છે. તેને 2020ની ટૅક્નૉલૉજી પણ કહે છે.
સૂ. ગી. દવે