દૂતાંગદ : સંસ્કૃત કવિ સુભટનું રચેલું રામાયણ પર આધારિત એકાંકી રૂપક. રામના દૂત તરીકે અંગદ રાવણ પાસે જઈ વાત કરે છે એ પ્રસંગને પ્રધાન રીતે વર્ણવતું હોવાથી દૂતાંગદ એવું શીર્ષક નાટ્યકારે આપ્યું છે. સુભટ કવિએ તેની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ પછી આવેલા રાજા કુમારપાળ (1088થી 1172) દ્વારા કરાયેલી યાત્રાના પ્રસંગે આ રૂપક રચાયેલું. આ રૂપકના નાંદીશ્લોકને રુદ્રટના ટીકાકાર નમિસાધુએ પોતાની ટીકામાં ટાંક્યો છે. સોમેશ્વરે પોતાના ‘કીર્તિકૌમુદી’ મહાકાવ્યમાં સુભટની પ્રશંસા કરી છે. આ એકાંકી રૂપકમાં શંખ અને રામની સ્તુતિ નાંદીશ્લોકોમાં કર્યા પછી રાજા ત્રિભુવનપાળના દરબારીઓની વિનંતિથી આ રૂપક ભજવાઈ રહ્યાની વાત કરી છે. આ એકાંકીના આરંભમાં લક્ષ્મણની સૂચનાથી રામ અંગદને દૂત તરીકે મોકલે છે. બીજા ર્દશ્યમાં રાવણ સીતાને પાછી સોંપવાનું કહેનાર મંદોદરીને અંત:પુરમાં અને વિભીષણને રામ પાસે જવાનું કહે છે. ત્યાં જ અંગદ દૂત તરીકે આવી પહોંચતાં બનાવટી સીતા બતાવીને રાવણ અંગદને છેતરવા પ્રયત્ન કરે છે; પરંતુ સાચી સીતા ફાંસો ખાઈને મરવાનો પ્રયત્ન કરવાના સમાચાર સાંભળી અંગદ છેતરાતો નથી. અંગદ રાવણને ચેતવણી આપી વિદાય લે છે. ત્યારબાદ રાક્ષસોની બચાવવાની બૂમો સાંભળી રાવણ યુદ્ધમાં તેમને બચાવવા જાય છે. ત્રીજા ર્દશ્યમાં હેમાંગદ અને ચિત્રાંગદ નામના ગંધર્વો વધ પામેલા રાવણને વર્ણવે છે. અંતે પુષ્પક વિમાનમાં બેઠેલા રામ સીતાને લંકાની યુદ્ધભૂમિ બતાવી લંકાથી અયોધ્યા પહોંચે છે. અંતિમ શ્લોકોમાં પોતાનું એકાંકી રસાઢ્ય હોવાનો તથા પૂર્વકવિઓના શ્લોકો સ્વીકારી પોતાના મૌલિક શ્લોકો વડે આ રચના કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પરિણામે દૂતાંગદ છાયાનાટક હોવાનો કવિએ કરેલો દાવો સાચો ઠરે છે. બીજાની શ્લોકરચનાનો આધાર લઈને આ એકાંકી રચાયું હોવાથી તે છાયાનાટક છે. ભવભૂતિ, રાજશેખર, વિષ્ણુશર્મા, નારાયણ વગેરે લેખકોના શ્લોકો આ એકાંકીમાં સ્થાન પામ્યા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી