દૂતકાવ્ય : દૂતકાવ્ય અથવા સંદેશકાવ્ય તરીકે જાણીતો કાવ્યપ્રકાર. સંસ્કૃતમાં તે ખૂબ ખેડાયો છે. સુદીર્ઘ રચનાઓમાં કોઈ ને કોઈની સાથે સંદેશ મોકલવાની પ્રણાલી પ્રસિદ્ધ હતી. નળે હંસ સાથે ‘નલોપાખ્યાન’માં કે ‘રામાયણ’માં હનુમાન સાથે રામે સીતાને સંદેશ મોકલ્યો હતો તેનું નિરૂપણ થયેલું છે. કવિ કાલિદાસના ‘મેઘદૂત’માં મેઘ સાથે યક્ષ પોતાની પત્નીને સંદેશ મોકલે છે એનું મનોહર વર્ણન છે. ‘મેઘદૂત’ના અનુકરણમાં ‘પવનદૂત’, ‘હંસદૂત’, ‘ઇન્દુદૂત’ એમ અનેકો દ્વારા મોકલાતા સંદેશાનાં કાવ્યો રચાયાં છે. લોકસાહિત્યમાં અને મધ્યકાલીન સાહિત્યમાં મેઘની જેમ કુંજલડી સાથે નાયિકા પોતાના વહાલમને સંદેશો મોકલે છે. પંખી પોતાની પાંખ ઉપર સંદેશો લખી આપવાનું નાયિકાને કહે છે એ ધ્યાન ખેંચે છે. આ રીતે ‘બારમાસી’ જેવા કાવ્યપ્રકારમાં કે અન્યત્ર પોપટ, સૂડલો, કાગડો અને ભ્રમર, પવન વગેરે સાથે સંદેશા મોકલાયા હોવાની રચનાઓ થઈ છે. ‘ભ્રમરગીતા’માં કાળા રંગના ભ્રમરને સંબોધીને ગોપીઓ શ્યામવર્ણ કૃષ્ણને અન્યોક્તિ સંભળાવે છે. ‘ઉદ્ધવસંદેશ’નાં કાવ્યોમાં માનવી સાથે – ઉદ્ધવ સાથે કૃષ્ણ વિરહાકુલ ગોપીઓને અને વળતાં ગોપીઓ કૃષ્ણને જે સંદેશા મોકલે છે એનું કાવ્યાત્મક આલેખન થયેલું છે. ‘ઓધવજીના સંદેશા’ની ગરબીઓ પણ લખાઈ છે. કેટલીક લોકવાર્તાઓ – પદ્યવાર્તાઓમાં પણ સમસ્યા રૂપે, અન્યોક્તિ રૂપે કે પ્રભાવક બિન્દુઓને સ્પર્શીને આવા સંદેશા વણાયેલા છે. ‘સંદેશરાસક’ જેવી પ્રાચીન રચનામાં નાયિકા પથિક-મુસાફરનો દૂત તરીકે ઉપયોગ કરીને પતિ પ્રત્યે સંદેશો મોકલે છે. ‘મેઘદૂત’ની જેમ આ પ્રકારનાં દૂતકાવ્યોમાં વર્ણનોની સમૃદ્ધિ વેરાયેલી છે. ‘માધવાનલ-કામકંદલાપ્રબંધ’માં પવન સાથે કામકંદલા માધવને સંદેશો મોકલે છે. કવિ વજિયાની રચના ‘સીતાસંદેશ’માં સીતા હનુમાનને રામને માટે સંદેશો કહે છે એનું વર્ણન છે. અર્વાચીન કાવ્યસાહિત્યમાં હરિલાલ હ. ધ્રુવનું ‘માલતીસંદેશકાવ્ય’, શ્રી કૃષ્ણ શર્માનું ‘મધુપદૂતકાવ્ય’ અને મણિલાલ છબારામ ભટ્ટનું ‘અનિલદૂત’ કાવ્ય જાણીતાં છે. છેલ્લું કાવ્ય એની ભાષા-શૈલીની શિષ્ટતાને કારણે વિશેષ ધ્યાન ખેંચે છે. વલ્લભદાસ ભ. ગણાત્રાનું ‘મેઘસંદેશ’, એક જેલવાસી વિદ્યાર્થી ગાંધીજીને મેઘ દ્વારા સંદેશો મોકલે છે અને એમાં સત્યાગ્રહના વર્ણનને આવરી લે છે એથી સુંદર લાગે છે. શ્રી મનસુખલાલ ઝવેરીનું ‘ચંદ્રદૂત’ કાવ્ય ‘મેઘદૂત’નું અનુસર્જન લાગે. તેમ છતાં એમાં આવતાં પ્રૌઢિયુક્ત અને કલ્પનાસભર વર્ણનો, સૌરાષ્ટ્રને સ્ત્રી રૂપે કલ્પીને કરેલું વર્ણન અને અન્ય જામનગર, કનકની દ્વારિકા વગેરેનાં વર્ણન કવિત્વભર્યાં છે.

ચિમનલાલ ત્રિવેદી