દુ:શાસન : ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંનો એક. જેને કાબૂમાં રાખવો મુશ્કેલ પડે, નિયંત્રિત ન થઈ શકે, તે દુ:શાસન. જીવનનાં કોઈ મૂલ્યો કે આદર્શોને પણ ન સ્વીકારનાર, ઉદ્દંડ એવું આ મહાભારતનું પાત્ર છે. પોતાના મોટા ભાઈ દુર્યોધનના જેવો જ તે શૂરવીર, પરાક્રમી, મહારથી અને યુદ્ધપ્રેમી હતો.
આમ છતાં સ્વભાવે દુષ્ટ અને નિરંકુશ એવી તેની મનોવૃત્તિ હતી. પાંડવો દ્યૂતમાં બધું જ હાર્યા. યુધિષ્ઠિરે છેવટે પોતાની જાતને અને દ્રૌપદીને પણ હોડમાં મૂકી અને તેને પણ હારી ગયા. આ તકનો લાભ લઈને, દ્રૌપદી સાથે મનદુ:ખ ધરાવતા દુર્યોધનના કહેવાથી તેનો ચોટલો પકડીને અંત:પુરમાંથી ભરી સભામાં દુ:શાસન ઘસડી લાવ્યો. આ વખતે દ્રૌપદી રજસ્વલા હતી તેની પણ દરકાર કર્યા વિના અને મોટી ભાભી એવી દ્રૌપદીની અનેક વિનવણીઓ છતાં, તેણે સભા વચ્ચે, નિર્લજ્જ બનીને, દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવા તેનાં વસ્ત્રો ખેંચ્યાં. કૃષ્ણની અલૌકિક કૃપાથી દ્રૌપદીની મર્યાદા સચવાઈ. દુ:શાસનના હાથ દુખ્યા, તે થાક્યો. તેની આ ઘોર દુશ્ચેષ્ટાથી અત્યંત ક્રોધે ભરાયેલા ભીમે, ભરી સભામાં પ્રતિજ્ઞા કરી કે ‘તેનું લોહી પીશ નહિ ત્યાં સુધી જંપીશ નહિ.’ મહાભારત યુદ્ધના સોળમા દિવસે, દ્વન્દ્વયુદ્ધમાં ભીમે તેને સહેલાઈથી માર્યો અને પ્રતિજ્ઞા પૂરી કરતો હોય તેમ, મન મૂકીને તેનું રુધિર પીધું.
વાસુદેવ પાઠક