દુર્વાસા : પરશુરામની જેમ જ, પોતાના અત્યંત ક્રોધી સ્વભાવને લીધે જાણીતા અને શિવના અંશરૂપ મનાતા મહાન ધર્મનિષ્ઠ ઋષિ. તે મહર્ષિ અત્રિ અને અનસૂયાના પુત્ર હતા. તે ઔર્વ મુનિની કંદલી નામની પુત્રી સાથે પરણ્યા હતા. વિવાહ સમયની પ્રતિજ્ઞા અનુસાર, કંદલીના સો અપરાધ માફ કર્યા અને પછી વધુ એક અપરાધ થતાં તેને પણ ભસ્મ કરી દીધી. આ જ રીતે કુપિત થઈને તેમણે શ્રીકૃષ્ણને, ઇન્દ્રને, ભક્તરાજ અંબરીષને, પતિના ચિંતનમાં રત એવી શકુન્તલાને એમ અનેક દેવો અને માનવોને શાપ આપ્યા હતા. એ જ રીતે કૃષ્ણ અને રુક્મિણીની કસોટી કરીને તેમને જેમ ઇચ્છિત વરદાન આપેલું, તેમ અનેકને વરદાન પણ આપ્યાં છે. મધ્યરાત્રિ બાદ પણ યુધિષ્ઠિરને ત્યાં પોતાની અને શિષ્યોની થયેલી ઉદરતૃપ્તિથી પ્રસન્ન થઈ યુધિષ્ઠિરને કલ્યાણના આશીર્વાદ પણ તેમણે જ આપ્યા હતા. માતા કુંતી અને દુર્યોધન પણ, આવા ક્રોધી અને પ્રસન્ન કરવા મુશ્કેલ ઋષિને રીઝવી શક્યાં હતાં. ‘દુર્વાસા’ એ શિવ(રુદ્ર)નું પણ એક નામ છે. તેમનું અંતર મહર્ષિનું અને કલ્યાણસાધક વૃત્તિવાળું જ રહ્યું છે.
‘દુર્વાસા-પુરાણ’ નામનું એક ઉપ-પુરાણ છે. ભાગલપુર જિલ્લામાં, કલહંગાંવથી બેએક કિમી. દૂર, દુર્વાસા નામે પર્વત ઉપર, દુર્વાસા આશ્રમ છે. રજૌલીથી અગ્નિખૂણે, તે પંદર કિમી. દૂર આવેલો છે.
વાસુદેવ પાઠક