દુર્ખીમ, એમિલ (જ. 15 એપ્રિલ 1858, એપિનલ, ફ્રાન્સ; અ. 15 નવેમ્બર 1917) : સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વનું પ્રદાન કરનાર ફ્રાંસના સમાજશાસ્ત્રી. વીસમી સદીની શરૂઆતમાં આધુનિક સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોના ઘડવૈયાઓમાં ફ્રાંસના એમિલ દુર્ખીમ અને જર્મનીના મૅક્સવેબરનો સમાવેશ થાય છે.
દુર્ખીમનો જન્મ યહૂદી કુટુંબમાં થયો હતો. દુર્ખીમના પરિવારમાં યહૂદીઓના પુરોહિત તરીકે કાર્ય કરવાની પરંપરા હતી. આ પરંપરાની અસર હેઠળ હિબ્રૂ ધર્મ અને હિબ્રૂ ભાષા તરફની તેમની વિશેષ રુચિ રહી; એટલું જ નહિ, ધર્મ અને સંસ્કૃતિ અંગેના તેમના સમાજશાસ્ત્રીય અભ્યાસમાં એ પરંપરાનો તેઓ ઉપયોગ કરી શક્યા હતા.
દુર્ખીમનું અધ્યાપનકાર્ય 1882માં શરૂ થયું. 1887માં બોર્દ્યૂ યુનિવર્સિટીમાં સામાજિક વિજ્ઞાન અને શિક્ષણના વ્યાખ્યાતા નિમાયા. એ અગાઉ 1885–86માં તેઓ એક વર્ષની રજા લઈને પૅરિસ અને જર્મની ગયા હતા. ત્યાં તેમણે અર્થશાસ્ત્ર, લોકમનોવિજ્ઞાન તથા સાંસ્કૃતિક માનવશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. 1892માં પૅરિસ યુનિવર્સિટીમાંથી તેમણે પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. અધ્યાપક તરીકેની તેમની કારકિર્દી તેજસ્વી હતી અને તેમણે અનેક પુસ્તકો–લેખો લખ્યાં હતાં, છતાં એ જ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક મેળવવા માટે તેમને પંદર વર્ષ રાહ જોવી પડી હતી.
1896માં તેમણે સમાજશાસ્ત્રીય લેખો પ્રગટ કરવા માટેના સામયિક એની ‘લ સોશિયોલૉજિક’ની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો. એ સામયિક થોડા જ સમયમાં સમાજશાસ્ત્રનું એક પ્રતિષ્ઠિત સામયિક બન્યું. દુર્ખીમ તેમાં વારંવાર લખતા હતા. તેમનાં નોંધપાત્ર પુસ્તકોમાં ‘ધ ડિવિઝન ઑવ્ લેબર ઇન સોસાયટી’ (1893), ‘ધ રૂલ્સ ઑવ્ સોશિયોલૉજિકલ મેથડ્ઝ’ (1895), ‘સ્યૂઇસાઇડ’ (1897) અને ‘એલિમેન્ટરી ફૉર્મ્સ ઑવ્ રિલિજિયસ લાઇફ’નો સમાવેશ થાય છે. આમાં ‘ધ ડિવિઝન ઑવ્ લેબર ઇન સોસાયટી’ તેમના પીએચ.ડી. માટેના સંશોધનનું પરિણામ હતું. એ સંશોધનમાં તેમણે સામાજિક વિકાસ અને શ્રમવિભાજનના પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી. સમાજશાસ્ત્રને ભૌતિક વિજ્ઞાનોની સમકક્ષ દરજ્જો મળે તે હેતુથી તેમણે ‘રૂલ્સ ઑવ્ સોશિયોલૉજિકલ મેથડ્ઝ’માં સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. વ્યક્તિ શા માટે આત્મહત્યા કરે છે તેનાં સામાજિક કારણો સમજવા આત્મહત્યા અંગેની ઉપલબ્ધ આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીને તેમણે આત્મહત્યાના દરને, આત્મહત્યા કરનાર લોકોનાં રાષ્ટ્રીયતા, ધર્મ, ઉંમર, રહેઠાણનાં સ્થળ, આર્થિક દરજ્જો, ઋતુઓ, આત્મહત્યાનો દિવસ વગેરે બાબતોના સંદર્ભમાં તપાસ્યો હતો. આ અભ્યાસનું એક પાયાનું પ્રતિપાદન એ હતું કે દેખીતી રીતે અંગત અને વ્યક્તિગત જણાતી આત્મહત્યાની ઘટના એક સામાજિક ઘટના હોય છે. આ અભ્યાસ સમાજશાસ્ત્રીય લખાણોમાં સીમાચિહન બન્યો છે. સમાજના વૈજ્ઞાનિક અભ્યાસમાં સામાજિક તથ્યો મહત્વનાં છે તેવી રજૂઆત કરીને તેમણે સ્થાપિત કર્યું કે સામાજિક તથ્યો વ્યક્તિથી બાહ્ય છે અને તેના પર દબાણનું કામ કરે છે, જેની અસર વ્યક્તિના વર્તન પર પડે છે.
દુર્ખીમનો ઉછેર ફ્રાંસની બૌદ્ધિક પરંપરામાં થયો હતો. એ પરંપરા ઇંગ્લૅન્ડની અનુભવાશ્રિત અને ઉપયોગિતાવાદી પરંપરા તેમજ જર્મનીની આદર્શવાદની પરંપરા માટે સેતુરૂપ હતી. આ પરંપરાનો લાભ દુર્ખીમ દ્વારા સમાજશાસ્ત્રના વિકાસને મળ્યો છે. તેમના ઉપર ઝયાં જેકવી રૂસૉં, સી. એચ. સેંટ સિમૉં અને કાઁત આ બધાનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. દુર્ખીમ દેશભક્ત હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પોતાની સેવા ફ્રાન્સને આપી હતી. 1917માં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.
ગૌરાંગ જાની