દુરાની, સલીમ અઝીઝ (જ. 15 ઑગસ્ટ 1935, કરાંચી) : ક્રિકેટની રમતમાં ભારતનો ડાબોડી ટેસ્ટ ઑલરાઉન્ડર. ઊંચો અને છટાદાર સલીમ દુરાની આગવી શૈલી ધરાવતો ડાબોડી બૅટ્સમૅન, ધીમો પણ અસરકારક ડાબોડી સ્પિનર અને કુશળ વિકેટકીપર ગણાતો હતો. 1953થી ’54માં નિશાળમાં અભ્યાસ કરતો હતો ત્યારે સૌરાષ્ટ્ર તરફથી ગુજરાત સામે પહેલી રણજી ટ્રૉફી મૅચ રમ્યો, જેમાં સલીમ દુરાનીએ 108 રન કર્યા હતા. 1954થી ’55માં અને 1955થી ’56માં ગુજરાત તરફથી અને 1956થી ’57 રાજસ્થાન તરફથી રણજી ટ્રૉફી સ્પર્ધામાં રમ્યો હતો.
રણજી ટ્રૉફી સ્પર્ધામાં સલીમ દુરાનીએ સાત સદી (સર્વોચ્ચ અણનમ 137 વિ. વિદર્ભ, 1958થી ’59) સાથે કુલ 3,617 રન નોંધાવ્યા હતા અને કુલ 237 વિકેટો ઝડપી હતી. મુંબઈ સામે 1960થી ’61માં 99 રનમાં 8 વિકેટો ઝડપી દુરાનીએ એક દાવનો શ્રેષ્ઠ બૉલિંગ-દેખાવ કર્યો હતો. આ જ 1960થી ’61ની રણજી મોસમમાં તેણે કુલ 35 વિકેટો ઝડપી હતી.
દુલિપ ટ્રૉફી સ્પર્ધામાં તેણે બે સદી (સર્વોચ્ચ 119, પશ્ચિમ વિભાગ સામે, 1964થી ’65) સાથે કુલ 1,380 રન નોંધાવ્યા હતા અને 66 વિકેટો (સર્વોત્તમ બૉલિંગ, પશ્ચિમ વિભાગ, 1971–72માં 44માં 6 વિકેટો) ઝડપી હતી. 1971–72ની દુલિપ ટ્રૉફી મોસમમાં 22 વિકેટો ઝડપી હતી.
દુરાનીએ 1–1–1960ના રોજ મુંબઈ ખાતે બ્રેબૉર્ન સ્ટેડિયમ પર પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. 1961–62 અને 1970–71માં તેણે વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ ખેડ્યો હતો. 1961–62માં પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે ચોથી ટેસ્ટમાં દુરાનીએ શાનદાર સદી નોંધાવી 104 રન નોંધાવ્યા હતા. અને શ્રેણીમાં 17 વિકેટો ઝડપી હતી.
દુરાની ઘરઆંગણે 1959–60 અને 1964થી ’65માં પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે, 1961થી ’62, 1963થી ’64 અને 1972થી ’73માં પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે તથા 1964થી 65માં પ્રવાસી ન્યૂઝીલૅન્ડ સામે રમ્યો હતો.
1961થી ’62માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટશ્રેણી સલીમ દુરાનીએ ગજવી મૂકી હતી. આ શ્રેણીમાં 27.04ની સરેરાશથી તેણે 23 વિકેટો ઝડપી હતી. કૉલકાતા ખાતે ચોથી ટેસ્ટમાં તેણે 113 રનમાં 8 વિકેટો તથા ચેન્નાઈ ખાતે પાંચમી ટેસ્ટમાં 177 રનમાં 10 વિકેટો ઝડપી હતી.
1964થી ’65માં પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે કાનપુર ખાતે દુરાનીએ 29 મિનિટમાં અર્ધી સદી (50 રન) ફટકારવાની સિદ્ધિ મેળવી હતી.
1960માં દુરાની ઇંગ્લૅન્ડમાં લૅંકેશાયર લીગ ક્રિકેટમાં સ્ટૉકપૉર્ટ ક્લબ તરફથી રમ્યો હતો.
ફિલ્મી કલાકાર જેવી સોહામણી પ્રતિભા ધરાવતા સલીમ દુરાનીને 1962માં ‘અર્જુન ઍવૉર્ડ’ એનાયત થયો હતો. ફિલ્મમાં પણ કામ કર્યું હતું. અને ‘આસ્ક ફૉર ધ સિક્સ’ નામની આત્મકથા લખી છે. 2011માં બીસીસીઆઈ તરફથી સી. કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત થયો હતો.
જગદીશ બિનીવાલે