દુખાયલ, હૂન્દરાજ (જ. 16 જાન્યુઆરી 1910; લાડકાણા, સિંધ; અ. 2003) : સિંધી ભાષાના રાષ્ટ્રપ્રેમી કવિ. હૂન્દરાજ લીલારામ માણેક તેમનું નામ. આઠ વરસની ઉંમરે પિતાના પ્રોત્સાહનથી ભજનો ગાવાની પ્રેરણા થઈ હતી. તેમના કંઠથી આકર્ષાઈને એક સંન્યાસીએ પિતાને કહ્યું હતું, ‘આ છોકરો કોઈ દુખિયારો આત્મા લાગે છે’. ત્યારથી તેમનું ઉપનામ ‘દુખાયલ’ પડી ગયું હતું. અગિયાર વરસની ઉંમરે તેમનાં ભજનોનો સંગ્રહ ‘કૃષ્ણભજનાવલિ’ પ્રગટ થયો. બાદ ‘આર્યભજનાવલિ’ તથા ગુરુમુખી લિપિમાં ‘ધર્મદાસ જીવન’ની બે હજાર પંક્તિઓનો સંગ્રહ પ્રગટ થયો. રાષ્ટ્રીય કવિ કિશનચંદ ‘બેવસ’ના માર્ગદર્શન તળે પરિપક્વતા મેળવતાં તેમનાં અન્ય પુસ્તકો ‘હરિજન અબળા’, ‘નરસિંહ મહેતા’, ‘પદમણી’, ‘કરિયાવર’, ‘મીરા’, ‘ઉમર મારવી’, ‘અહિંસા’ વગેરે પ્રગટ થયાં. ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને 13 વરસની ઉંમરે 1923માં શાળાકીય અભ્યાસનો ત્યાગ કરીને રાષ્ટ્રીય આંદોલનમાં ઝંપલાવ્યું. ખંજરી લઈને ગામેગામ રાષ્ટ્રીય ભાવના, ખાદી, સ્વદેશી, અહિંસા, હરિજનઉદ્ધાર વગેરેનો પ્રચાર કર્યો. પરિણામે સમયે સમયે જેલના સળિયાઓ પાછળ ધકેલાવું પડ્યું.
મારા જ અંગભાગમાંથી રચાયેલા તારા હાથાએ મને દગો ન દીધો હોત તો રે કુહાડી, તારી તે શી વિસાત કે મારા જેવા વટવૃક્ષને ધરાશાયી કરી શકે ? ‘વૃક્ષ–કુહાડી’ની આ કથા દુખાયલની ખંજરીના તાલે મધુર કંઠથી સિંધના ગામેગામ સ્વાતંત્ર્ય આંદોલન માટેની ચિનગારી બની ગઈ હતી.
જેલમાં તેમણે રાજપૂતોની બલિદાનગાથાઓ લખી તથા ‘ઇન્કલાબ’ અને ‘સ્વરાજ’ નામના કાવ્યસંગ્રહોની રચના કરી, ‘ઝુંઝાર’, ‘કોમી લલકાર’, ‘સંગીત અંજલિ’ (1933) સંગ્રહોની સાથે સિંધી લોકકથાઓને તેમણે કથાકાવ્યનું રૂપ આપીને તેમને વતનપ્રેમ અને રાષ્ટ્રીય ભાવનાનો વળાંક આપ્યો. મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોબા ભાવેની સાથે તેમને ઘનિષ્ઠ સંબંધો રહ્યા હતા. તેઓ સિંધ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પણ બન્યા હતા. રતોદેરો ખાતે તેમણે ગાંધી સેવા આશ્રમની સ્થાપના કરી હતી.
વિભાજન બાદ પાકિસ્તાન સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. 1949માં ભારતમાં આવીને પુનર્વસવાટના કાર્યમાં સેવારત રહ્યા. ગાંધીધામ, આદિપુર અને કંડલાના નિર્માણ અને વિકાસ માટે કાર્યરત બની રહ્યા.
1951 થી 1963 સુધી વિનોબાજીની પદયાત્રામાં સાથે રહીને ભૂદાનનો પ્રચાર કર્યો. વિનોબાજીએ તેમના વિશે કહેલું– ‘દુખાયલના હૃદયમાં માનવમાત્ર પ્રત્યે પ્રેમ રહ્યો છે.’ ગુરુદયાલ મલ્લિકે લખેલું, ‘દુખાયલ મુક્તિનો ગાયક છે.’
આદિપુરથી તેમણે સિંધીમાં ‘ધરતીમાત’ અને હિન્દીમાં ‘ભૂમિદાન’ સાપ્તાહિકોનું સંપાદન કર્યું. કવિ ‘બેવસ’ની સમગ્ર કૃતિઓનું સંકલન કરીને ‘બેવસ સર્વસંગ્રહ’ પ્રગટ કર્યો.
હિન્દીમાં પણ તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયા– ‘લહરેં’, ‘ધરતી કી પુકાર’, ‘શંખનાદ’, ‘હાલરે કોંખા હાલ’, ‘ધરતી કે ગીત’, ‘ગાંધીગાથા’, ‘ગાંવ કી ધરતી ગાંવ કા રાજ’ તથા ‘ધરતીમાતા’ નાટક.
સિંધી ભાષા માટે તેઓ દેવનાગરી લિપિના હિમાયતી રહ્યા હતા અને તે માટેની ઝુંબેશ શરૂ કરીને તેને અંગે પુસ્તકો પણ પ્રગટ કર્યાં હતાં. તેઓ વિવિધ સાહિત્યિક, સેવાકીય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે સંકળાયેલા રહ્યા છે.
ભારત સરકારે તેમને 1984માં ‘પદ્મશ્રી’ના ઇલકાબથી નવાજેલ છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય કવિ તરીકે તેમનું સન્માન કરેલ છે.
જયંત રેલવાણી