દીવા (lamps) : હજારો વર્ષ પૂર્વે જ્યારે સૂર્ય કે ચંદ્રના પ્રકાશનો અન્ય કોઈ વિકલ્પ ન હતો ત્યારે તે પ્રકાશ દરમિયાન મનુષ્યો દિવસે કે રાત્રે વિવિધ કાર્ય કરી શકતા હતા, પરંતુ સૂર્યાસ્ત થતાં કે રાત્રિના અંધકાર દરમિયાન અંધકાર છવાય ત્યારે તેમનાં સમગ્ર કાર્ય બંધ થઈ જતાં.
જૂના ઇતિહાસના આધારે સંશોધન દ્વારા પ્રાપ્ત થયેલી કૃત્રિમ રીતે પ્રકાશ મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ અને સાધનો વિશે વિસ્તૃત માહિતીને આધારે વિવિધ પ્રકારના દીવાની રચના નીચે મુજબ છે :
કોઈ પથ્થર પર પ્રાણીની ચરબી કે સહેલાઈથી સળગી ઊઠે તેવાં પ્રવાહીમાં, વનસ્પતિના તંતુઓની બનાવેલ જાડી દોરીની વાટ, અર્થાત્, દિવેટ ડુબાડી, દિવેટના એક ખુલ્લા છેડાને બે પથ્થર વડે અગ્નિ પ્રગટાવી પ્રજ્વલિત કરતાં, સતત પ્રકાશ પ્રાપ્ત કરી શકાતો હતો. કેશાકર્ષણ(capillarity)ના સિદ્ધાંત અનુસાર વાટ પલળીને સળગતી રહેતી હતી. આ રીતે સૌપ્રથમ કૃત્રિમ રીતે પ્રકાશ મેળવવાની શોધ થઈ, જે દીવાનું પ્રાથમિક રૂપ હતું.
જુદા જુદા દેશના જે તે સમયમાં ઉપયોગમાં લીધેલા દીવાને સંગ્રહાલય(museum)માં સંગૃહીત કરવામાં આવ્યા છે. તેના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે પથ્થરના દીવા પછી માટીના વિવિધ નાળચાંવાળા (એક, બે કે ચાર નાળચાંવાળા) દીવાનો ઉપયોગ થતો હતો. કેટલાક દીવાની અંદરની બાજુએ, કેટલાકની અંદર તેમજ બહારની બંને તરફ કાચ જેવી ચળકતી સપાટી હતી. પાછળથી પ્રથમ સદી દરમિયાન સૂતરના તંતુની ગોળ વાટનો ઉપયોગ કરી વ્હેલ માછલીના તેલ તેમજ વનસ્પતિજન્ય તેલનો ઉપયોગ કરીને દીવા બનાવવામાં આવેલા. સુંદર નકશી તેમજ વિવિધ આકારના માટીના તથા ધાતુના દીવાની રચના થયેલી હતી. ચોથી અને પાંચમી સદી દરમિયાન કાચના દીવા સૌપ્રથમ ઇજિપ્તના ફાયુમ પ્રદેશમાંથી પ્રાપ્ત થયેલા. આ દીવા તરતી વાટવાળા માટીના દીવાને મળતા, રકાબીના આકારના જોવા મળે છે, જ્યારે છઠ્ઠી સદી દરમિયાન ઝુમ્મરમાં તેમજ વૃક્ષના આકારમાં રૂપાંતરિત કરેલા દીવા સુશોભન માટે મંદિરોમાં ઉપયોગમાં લેવાતા.
પૂર્વ તેમજ પશ્ચિમ વિભાગમાં ખ્રિસ્તીઓના દેવળમાં વપરાતા દીવાઓ ‘સેન્ચ્યુરી લૅમ્પ’ કહેવાતા. આ જ પ્રકારના દીવા અગિયારમીથી ચૌદમી સદી દરમિયાન ચીતરેલા જોવા મળે છે, જેમાં ‘કોઈઝા’ નામનું તેલ વાપરવામાં આવતું હતું.
સત્તરમી સદી સુધી પાતળી દોરીની આસપાસ પ્રાણીઓની ચરબી અથવા મધમાખીના મીણના પડની મદદથી મીણબત્તીઓ બનાવવામાં આવતી હતી, જે દીવા રૂપે વપરાતી.
ત્યારબાદ સ્પરમેસેટી, સ્ટરીન અને પૅરેફિન જેવા પદાર્થોની શોધ થતાં મીણબત્તીની બનાવટ તથા ગુણવત્તામાં ઘણી પ્રગતિ થઈ.
મીણબત્તી અનેક આકાર, જાડાઈ અને ઊંચાઈની બનાવવામાં આવે છે; દા.ત., નાની ગોળાકાર ડબ્બી આકારની મીણબત્તીને એકલી સળગાવી શકાય તથા પાણી ભરેલા કાચના પ્યાલાઓમાં તરતી મૂકી ઝૂમરમાં મૂકી શકાય છે. ઉપરાંત લંબગોળ આકારની જુદી જુદી ઊંચાઈ તથા જાડાઈની સમતલ સપાટીવાળી તેમજ ડિઝાઇનવાળી બાહ્ય સપાટી, માછલી આકારની, જન્મદિવસના વર્ષના નંબરના આકારની એમ વિવિધ પ્રકારની મીણબત્તીઓ બનાવવામાં આવે છે, જેનો દીવા તરીકે પણ ઉપયોગ થાય છે.
0.32 સેમી. વ્યાસની; 75.6 ગ્રામ વજનની અને કલાકના લગભગ 7.8 ગ્રામના દરે બળતી તથા ચોખ્ખા સ્પાર્મ મીણમાંથી બનાવેલી મીણબત્તીને ‘પ્રમાણભૂત મીણબત્તી’ કહે છે. તે પ્રકાશના એકમ તરીકે ગણાય છે, જેને ‘કૅન્ડલ-પાવર’ કહે છે.
પ્રકાશના એકમને ‘લ્યૂમેન’ (lumen) કહે છે, જ્યારે પ્રકાશિત સપાટીની તીવ્રતાને ‘દીપ્તિતીવ્રતા’ કહે છે. મેટ્રિક પદ્ધતિમાં તેનો એકમ ‘મીટર કૅન્ડલ’ અથવા ‘લક્સ’ (meter candle or LUX) છે.
ડેવીનો અભય દીવો (Davy’s, Safety Lamp) : પહેલાંના વખતમાં કોલસાની ખાણમાં ઉત્પન્ન થતો માર્શ નામનો વાયુ, મીણબત્તી કે દીવાસળીના સંપર્કમાં આવતાં, ધડાકા સાથે સળગી ઊઠતો અને સેંકડો મજૂરો અકસ્માતમાં મરી જતા. આ અકસ્માતમાંથી મજૂરોને ઉગારી લેવા માટે હમ્ફ્રી ડેવીએ ઈ. સ. 1815માં ‘અભય દીવા’ (Safety Lamp)ની શોધ કરી. તેની તેલની જ્વાળાની ચારે તરફ પ્રતિ ચોરસ સેન્ટિમીટરે 120 છિદ્રવાળી તારની ગોળાકાર જાળીવાળી ચીમનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માર્શ વાયુ ચીમની પાસે આવીને ઘેરાઈ જતો અને જ્યોતને હવા મળતી બંધ થઈ જતાં તે પીળી પડી જતી. આવી પીળી જ્યોતની ચેતવણી મળતાં જ ખાણમાં કામ કરતા મજૂરો ચેતી જતા અને પોતાની સલામતી માટે ખાણની બહાર નીકળી આવતા. હાલમાં ખાણિયાઓ, માથે પટ્ટો બાંધેલી પ્રકાશિત ટૉર્ચ-લાઇટ વાપરે છે.
કેન્દ્રમાં બર્નર હોય એવા દીવાનો વિકાસ અઢારમી સદીમાં થયો. દીવા માટે જાડી ગોળાકાર સૂતરની વાટ (દોરી) અથવા ચપટી લાંબી વાટને ચક્રના પરિભ્રમણ દ્વારા ઊંચેનીચે લઈ જઈ જ્યોતને મોટી-નાની બનાવી વધુ કે ઓછો પ્રકાશ મળે તેવી રચના કરવામાં આવી હતી. આ પ્રકારના દીવાને શરૂઆતમાં કાચની દીવાલવાળા બંધ પાત્રમાં રાખવામાં આવતો હતો, જેથી પવનને કારણે દીવો બુઝાઈ ન જાય. ત્યારબાદ તેના સ્વરૂપમાં ફેરફાર કરીને ગોળાકાર અને લંબગોળાકાર આકારની કાચની ચીમનીની રચના કરવામાં આવી, તથા કાચની ચીમનીનાં તથા ગોળાવાળાં ફાનસ બનાવવામાં આવ્યાં. આવી રચનાને કારણે વધારે પ્રકાશિત અને ચોખ્ખી જ્યોતવાળો સ્થાયી પ્રકાશ સરળતાથી મેળવી શકાયો, જે ‘કેરોસીનના દીવા’ તરીકે ખ્યાતિ પામ્યો.
એઈમ આરગન્ડ નામના સ્વિસ સંશોધકે ઈ. સ. 1784માં ગોળાકાર વાટવાળો લૅમ્પ બનાવ્યો. તેમાં દોરીની જાડી ગોળ નક્કર તેમજ ચપટી દિવેટ કરતાં ઘણો વધારે પ્રકાશ મેળવી શકાયો. ત્યારબાદ આ દીવાની આસપાસ કાચની ચીમની રાખી પ્રકાશની તીવ્રતામાં સારો એવો વધારો કર્યો. વધારે પ્રકાશ મેળવવા માટે ચીમનીની પાછળની બાજુએ ધાતુના ઢોળ ચઢાવેલા પરાવર્તકો તથા પાતળી અરીસાની અનેક પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો.
રાત્રીના સમયે સાઇકલ પર સવારી કરવા માટે કેરોસીનની ટાંકીવાળા નાના ‘સાઇકલ લૅમ્પ’નો ઉપયોગ કરવામાં આવતો. આ દીવાની પાછળની બાજુએ પરાવર્તક અને આગળની બાજુએ લેન્સ મૂકીને વધારે પ્રકાશ મેળવવાની રચના કરવામાં આવી હતી. નિર્દ્રવ કોશ(dry cell)ની શોધ બાદ આ દીવો વધારે સુવિધાભર્યો બન્યો.
અઢારમી સદીમાં અમેરિકનો ગૅસના દીવાનો ઉપયોગ કરતા હતા. શરૂઆતમાં આ દીવાની જ્યોત ભૂરાશ પડતી હતી. પરંતુ વીસમી સદીની શરૂઆતમાં ગૅસના મૅન્ટલની રચનાની શોધ પછી ગૅસના દીવાની ઉપયોગિતા વધારે સુવિધાભરેલી થઈ. આ મૅન્ટલની રચના અસાધારણ ગુણધર્મ ધરાવનાર થોરિયા અને સેરિયા નામના પદાર્થમાંથી બનાવેલ જાળની મદદથી કરી હતી. આ મૅન્ટલને પ્રથમ વાયુની જ્યોત પર ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રકાશિત બની અત્યંત લીલાશ પડતો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આ જ રચનામાં સુધારો કરીને પાછળથી કેરોસીનની મદદથી કાર્યરત મૅન્ટલના ઉપયોગવાળી પૅટ્રોમૅક્સનો વિકાસ થયો જે એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે સગવડભરી હોવાથી હાલ પણ લોકો તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. લગ્નના વરઘોડામાં પણ રોશની તરીકે તેનો ઉપયોગ થાય છે.
કૅલ્શિયમ કાર્બાઇડ (CaC2)ના ટુકડાઓ પર ધીમે ધીમે પાણી નાખીને ઍસેટિલીન વાયુ અથવા પાણી ભરેલા ટૅન્કમાં-પાત્રમાં કૅલ્શિયમ કાર્બાઇડના ટુકડા નાખીને ઍસેટિલીન વાયુ (C2H2) ઉત્પન્ન કરી શકાય છે.
CaC2 + 2H2O → Ca(OH)2 + C2H2
આ રીતે ઉત્પન્ન કરેલા ગૅસનો ઉપયોગ પ્રથમ ઍસેટિલીન ગૅસના દીવા માટે કરવામાં આવ્યો હતો. હાલ તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ વેલ્ડિંગ કરવા માટે તેમજ ધાતુઓને કાપવા માટે કરવામાં આવે છે. જૂના જમાનામાં વપરાતી રોલ્સરૉઇસ મોટરના હેડ લૅમ્પમાં પણ ઍસેટિલીન ગૅસના દીવાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફેરિયાઓ પણ રાત્રિ દરમિયાન પોતાનો માલ વેચવા માટેના જરૂરી પ્રકાશ માટે તેનો ઉપયોગ કરતા.
ગૅસના દીવા પછી વિદ્યુતદીવા શોધાયા તેના મુખ્ય ત્રણ પ્રકાર છે :
(i) કાર્બન કે ટંગ્સ્ટન તારના દીવા
(ii) વાયુ વીજભારવાળા દીવા (discharge tube lamps)
(iii) પ્રતિદીપ્તિશીલ દીવા (fluorescent lamp)
(i) સ્વાન નામના શોધકે બનાવેલો કાર્બન તંતુનો દીવો (carbon filament lamp) આકૃતિમાં દર્શાવ્યા મુજબ હતો. ડાઇનેમાની મદદથી દીવાના બે છેડાઓ વચ્ચે વિદ્યુતપ્રવાહ પસાર કરતાં કાર્બનનો તંતુ અત્યંત ગરમ થઈ પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આ પ્રકારની રચનાવાળો દીવો ટૂંકસમય પૂરતો જ કાર્યરત રહેતો હતો.
ત્યારબાદ થૉમસ આલ્વા એડિસન નામના અમેરિકન શોધકે વધારે સારો અને લાંબા સમય સુધી કાર્યરત રહે તેવો કાર્બનના તંતુવાળો નિર્વાત કરેલો દીવો બનાવ્યો, જેને કારણે તારમાં વિદ્યુતપ્રવાહ પસાર કરી પ્રકાશ મેળવવામાં કાર્બનનો તંતુ બળી જતો નથી. ઈ. સ. 1879માં તેણે બનાવેલ કાર્બન-તારનો દીવો 40 કલાક સુધી સતત વાપરી શકાયો હતો. આ ઉપરથી તેણે નક્કી કર્યું કે ઇલેક્ટ્રિક દીવા વડે પ્રકાશ મેળવવો શક્ય છે.
એડિસને સૌપ્રથમ સીવવાના દોરાને કાર્બન વીંટાળીને કાર્બનનો તાર બનાવ્યો હતો. ઉપરાંત કાગળ, વાળ, લાકડું, પૂઠું તેમજ ઘાસના તાર બનાવીને પણ અનેક પ્રયોગો કર્યા હતા. એક દિવસ તેણે વાંસની પાતળી પટ્ટીનો તાર તરીકે ઉપયોગ કરી દીવો બનાવ્યો, જે 400 કલાક સુધી કાર્યરત રહ્યો.
માત્ર કાર્બનના દીવાની રચના બનાવી બેસી ન રહેતાં એડિસને 1882માં વિદ્યુત-જનિત્ર(generator)ની રચના કરી અને તે જનિત્રની મદદથી વિશ્વમાં સૌપ્રથમ વખતે ન્યૂયૉર્ક શહેરમાં વિદ્યુત-સ્ટેશનની સ્થાપના કરીને શહેરને રોશની પૂરી પાડી. આ જનરેટરોની મદદથી 10 શહેરોને વિદ્યુત પુરવઠો પૂરો પાડીને ઝળહળતાં બનાવ્યાં.
1883માં શિકાગોના વિશ્વમેળામાં લોકોએ સૌપ્રથમ વાર વિદ્યુતપ્રવાહ દ્વારા પ્રકાશની સંરચના જોઈ. આમ, એડિસનની શોધને કારણે 1900ની સાલ સુધીમાં ઘણાં ઘરોમાં ગૅસના દીવાની જગ્યાએ વિદ્યુતના દીવાએ સ્થાન મેળવ્યું.
એડિસને સતત સંશોધનકાર્ય ચાલુ રાખી 1907માં પ્રકાશના ગોળાની રચનામાં કાર્બનના તારને બદલે ટંગ્સ્ટનના તારનો ઉપયોગ કર્યો. તે પછી કાચના ગોળાની અંદર નિષ્ક્રિય વાયુ દાખલ કરી પ્રકાશની તીવ્રતામાં વધારો કર્યો. 1926માં ટંગ્સ્ટનના તારના દીવાની અંદરની બાજુને ઝાકળવાળી કરી પ્રકાશનો ઝળહળાટ ઓછો કર્યો. ત્યારબાદ 1930માં આડકતરી રીતે પ્રકાશિત કરવાની પદ્ધતિ વિકસાવાઈ તેમજ એક જ તારને બદલે ત્રણ તારના તંતુવાળા દીવાની રચના કરાઈ.
ટંગ્સ્ટન તારના ગોળામાં પારાની વરાળને દાખલ કરીને વધારે પ્રકાશ આપતા દીવામાં રૂપાંતરિત કર્યો, જેના કારણે ગોળાની અંદરની સપાટી ઝડપથી કાળી પડતી અટકે છે.
સર વિલિયમ રામસેએ ઈ. સ. 1898માં નિયૉન વાયુની શોધ કર્યા બાદ ચોક્કસ પ્રકારની રચના વડે નિયૉન દીવા(neon lamp)ની શોધ થઈ. સામાન્ય રીતે આ દીવો 10-100 વોલ્ટના વીજદબાણથી કાર્ય કરતો હોવાથી પ્રથમ ડી.સી. પ્રવાહનો ઉપયોગ કરીને વપરાતો હતો. ત્યારબાદ 220 વોલ્ટના એ.સી. પ્રવાહનો ઉપયોગ કરવા માટે દીવાના કૅથોડ સાથે યોગ્ય મૂલ્યના અવરોધને શ્રેણીમાં દાખલ કરવામાં આવ્યો.
વિદ્યુતવિભારની ઘટના પર આધારિત સૌપ્રથમ વાર નિયૉન વિદ્યુતવિભાર નળી ગૅસલર નળીની રચના કરવામાં આવી. આ નળીના બે છેડાએ બે વીજાગ્ર (electrodes) રાખવામાં આવ્યા. જ્યારે તેની અંદર નીચા દબાણે નિયૉન વાયુ દાખલ કરી તેના બે વીજાગ્રો વચ્ચે ‘ઇન્ડક્શન કૉઇલ’ કે ‘સ્ટૅપ-અપ’ ટ્રાન્સફૉર્મર દ્વારા આશરે 5000 વોલ્ટ જેટલું વીજદબાણ આપીને નિયૉનનો પ્રકાશ મેળવવામાં આવ્યો હતો. વચ્ચે રહેલી બારીક છિદ્રવાળી કાચની નળીને કારણે નિયૉનપ્રકાશની તીવ્રતામાં વધારો કરાયો હતો, જેથી તેના વર્ણપટનો અભ્યાસ થઈ શકે. આ જ પ્રમાણે જુદા જુદા વાયુ ભરીને તેમના વર્ણપટોનો અભ્યાસ કરવામાં આવ્યો.
વધારે સારો પ્રકાશ મેળવીને અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરતા તથા રાત્રે નયનરમ્ય બને તેવા વિશિષ્ટ પ્રકારના પારાની બાષ્પના દીવા (mercury vapour lamp) તથા સોડિયમ બાષ્પ દીવા(sodium vapour lamp)માં પારો તેમજ સોડિયમ ધાતુનો ઉપયોગ થાય છે. આ પ્રકારના દીવાનો વપરાશ વધવાનાં મુખ્ય કારણો એ છે કે (i) તે વધુ પ્રકાશ આપે છે અને ઓછી વિદ્યુતઊર્જા વાપરે છે; (ii) આ દીવા સામાન્ય દીવા કરતાં વધુ આયુષ્ય ધરાવે છે અને (iii) સૌથી વધુ અગત્યની બાબત એ છે કે રસ્તા પરના ભેજવાળા કે ધુમ્મસવાળા વાતાવરણમાં ઓછું પ્રકીર્ણન (scattering) થતું હોવાથી રસ્તા પર થતા અકસ્માતની સંખ્યા ઘટે છે. (iv) વળી ચાર કે વધુ રસ્તા મળતા હોય ત્યાં તેમજ રસ્તાના ઢોળાવ પર કે વળાંક પાસે જુદા જુદા રંગના પ્રકાશના દીવા મૂકીને પણ અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય છે.
પાતળી કાચની નળીમાં નિયૉન વાયુ ભરીને જ્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે લાલ રંગનો પ્રકાશ ઉત્સર્જિત થાય છે, જેના કારણે જાહેરાત માટેના ‘નિયૉને સાઇન લૅમ્પ્સ’માં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ જ પ્રમાણે બીજા વાયુઓ દાખલ કરીને ભૂરા અને લીલા પ્રકાશના સાઇન લૅમ્પ્સનો ઉપયોગ થાય છે.
કાર્બન અથવા લોખંડના જાડા અણીવાળા સળિયાઓને ઊંચેનીચે સરકાવી શકાય તેવી રચનામાં ચોક મારફતે વીજપરિપથનો વિદ્યુતપ્રવાહ પસાર કરી પ્રારંભમાં અણીવાળા બંને છેડાઓને સંપર્કમાં રાખતાં તે અત્યંત ગરમ બની વરાળ ઉત્પન્ન કરે છે, જેથી આયનીકરણ ઉદભવતાં છેડા આગળ પ્રકાશ ઉદ્ભવે છે. ત્યારબાદ આ છેડા સહેજ જુદા પાડતાં તેમની વચ્ચે આવેલી હવામાં વિદ્યુતવિભારની પ્રક્રિયા ચાલુ રહે છે. આ રચનાને કાર્બન આર્ક દીવો (carbon arc lamp) કહે છે, જેનો ઉપયોગ ઉદભવતા પ્રકાશના વર્ણપટના અભ્યાસ માટે તથા ધાતુના વેલ્ડિંગકામ માટે થાય છે.
1938થી મરક્યુરી ટ્યૂબલાઇટમાં 61 સેમી.થી 122 સેમી. લાંબી અને આશરે 12.7 મિમી. વ્યાસની નળીની અંદરની સપાટી પર પ્રતિદીપ્તિશીલ (fluorescence) પદાર્થનું આવરણ લગાડી નળીના બંને છેડા પર ગોળાકાર વલય આકારના બે વીજાગ્રની આગળ ધાતુની સમતલ પ્લેટની રચના ગોઠવી ટ્યૂબમાં શૂન્યાવકાશ ઉત્પન્ન કરવામાં આવેલ. તેમાં વાયુરૂપ પારાની વરાળ તથા આર્ગન વાયુ દાખલ કરવામાં આવે છે. આ નવી રચનાથી અત્યંત વધુ પ્રકાશ (day light) – સૂર્યના પ્રકાશ જેવો પ્રકાશ મળે છે. સાધનમાં ‘ચોક’ને કારણે ઓછી વિદ્યુત ઊર્જા વપરાય છે. આ કારણે તે ખૂબ જ પ્રચલિત બનેલ છે. રહેઠાણનાં મકાનો, હૉસ્પિટલો, ઑફિસો, શાળામહાશાળાઓ, રસ્તાઓ તથા સંગ્રહાલયો, રેલવેસ્ટેશન, ઍરોડ્રોમ – એમ વિવિધ સ્થળોએ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. ત્યારબાદ નાની 30.48 સેમી. લંબાઈની તથા ઓછા વ્યાસવાળી આવી ટ્યૂબલાઇટો બનાવી તેનો ટેબલલૅમ્પ તેમજ પૉર્ટેબલ લૅમ્પ તરીકે ઉપયોગ થાય છે. ગોળાકાર વલય આકારની ટ્યૂબ બનાવી તેનો સુશોભન માટે ઉપયોગ થાય છે.
ટંગ્સ્ટન-હેલોજનના વીજાગ્રની આધુનિક શોધખોળને કારણે આશરે 15 સેમી. લાંબી તથા 1 સેમી. વ્યાસની ક્વાર્ટ્ઝ નળીના ઉપયોગ વડે અત્યંત તીવ્રતાવાળો પ્રકાશ મેળવવાનું શક્ય બન્યું છે. નળીની પાછળની બાજુએ પરાવર્તકની ગોઠવણને કારણે પરાવર્તન દ્વારા પ્રકાશનો ફેલાવો દૂરના અંતર સુધી શક્ય બન્યો છે. આ નળી 300 w; 500 w અને 1000 wની ક્ષમતાવાળી બનાવવામાં આવે છે. મોટા ઔદ્યોગિક મેળામાં, પ્રદર્શનોમાં, ગણપતિ-ઉત્સવ તથા નવરાત્રિના તહેવારોમાં નદી કે તળાવના ઘાટ પર, લગ્નમંડપ તેમજ વિવિધ પ્રકારના સામૂહિક મેળાવડામાં વધુ આયોજિત પ્રકાશ મેળવવા માટે તે બહુ જ ઉપયોગી છે. ઑલિમ્પિક જેવા રમતોત્સવ તથા સંગીતના કાર્યક્રમના આયોજનમાં હેલોજન-ટ્યૂબનો પ્રકાશ મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે. તદુપરાંત 12V: 40w(12 volt : 40 watt)ના રિફ્લૅક્ટર સાથેના હેલોજન-બલ્બ બનાવવામાં આવ્યા છે, જેમાં ઓછી વિદ્યુત-ઊર્જા વપરાય છે અને દૂર સુધી પ્રકાશનો ફેલાવો થતો હોવાથી મોટર સાઇકલ, સ્કૂટર તથા મોટરની હેડલાઇટમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.
શુષ્ક કોષ(dry cell)નો ઉપયોગ હૅન્ડ-ટૉર્ચ; ફ્લૅશલાઇટ, વિજ્ઞાનનાં શૈક્ષણિક સાધનો; બાળકોનાં રમકડાં; સાઇકલ-લૅમ્પ; પૉર્ટેબલ રેડિયો તથા કૅસેટ-પ્લેયર વગેરેમાં થાય છે. જ્યારે સંગ્રાહક કોષ(accumulator)નો ઉપયોગ મોટર, મોટર-સાઇકલ, ઍરોપ્લેન, બોટ, ઇમરજન્સી પ્રકાશ-સાધનો (emergency light units), પૉર્ટેબલ ટીવી વગેરેમાં વ્યાપક રીતે થાય છે.
ફોટોવોલ્ટિક કોષની રચના વડે સસ્તા દરે વિદ્યુત મેળવી રણપ્રદેશમાં પ્રકાશ મેળવવાનું આયોજન થાય છે. વળી સિલિકન કોષથી સૂર્યપ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરી અવકાશયાન માટેની જરૂરી વિદ્યુત-ઊર્જા મેળવાય છે.
લેસર (LaserLight Amplification by Stimulated Emission of Radiation)ની 1960માં થયેલી શોધે પ્રકાશ મેળવવાની પદ્ધતિ તથા ઉપયોગમાં ક્રાંતિકારી ફેરફાર કરેલો જોવા મળે છે. લેસરકિરણ લડાયક ટૅન્કોને ભેદી શકે છે, આંખોની શસ્ત્રક્રિયા કરી શકે છે તથા અંગૂઠામાં થયેલ કૅન્સરને મટાડી શકે છે. અવકાશયાત્રીઓ માટે તે બૅટરીનું કાર્ય કરે છે. દીવાદાંડીમાં લેસર-પ્રકાશ વપરાય છે. લેસર-પ્રકાશ દરિયામાં દિશાસૂચક તરીકે તેમજ વાદળોની ઊંચાઈ અને ગતિનું ચોક્કસ માપ મેળવવા માટે પણ ઉપયોગી બને છે. લોહીની ધાર વહેવડાવ્યા સિવાય વાઢકાપ કરી શકે તથા કાપ મૂકેલી જગ્યાને સાંધી પણ શકે તેવી અદ્યતન સાધનોની શોધ, લેસરકિરણને આભારી બની છે. 1996માં અમેરિકાના આટલાન્ટા શહેરમાં યોજાયેલ ઑલિમ્પિક રમતોત્સવ દરમિયાન પ્રકાશનાં વિવિધ સંયોજનો દ્વારા લેસરકિરણોનો મનોરંજનની દુનિયામાં એક નવો જ ચમત્કાર કરી બતાવ્યો હતો. લેસર પ્રકાશના કારણે અદભુત મનોરંજક અને નયનરમ્ય ર્દશ્યો રચી શકાય છે.
આ ઉપરાંત દૂરસંદેશાવ્યવહાર માટે; ડિજિટલ માહિતીની આપલે માટે; હૉલૉગ્રાફી, પ્રિન્ટિંગ વગેરે માટે; કીમતી દસ્તાવેજો પર લગાવેલ હૉલૉગ્રાફ તેમજ બારકોડ નંબર (જુદી જુદી જાડાઈની ઊભી રેખાઓ દોરીને રચેલી સાંકેતિક ભાષા)ના વાચન માટે; ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં વેચાતી વિવિધ વસ્તુઓ પર છાપેલ માલના વર્ણન, નામ તથા કિંમતોના બારકોડને ઉકેલવા માટે લેસર-પ્રકાશનાં કિરણનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.
ચંદ્રકાન્ત કેશવલાલ ત્રિવેદી