દીપ્તિ-અવધિ સંબંધ (period-luminosity relationship) : સેફીડ નામના પરિવર્તનશીલ (cepheid variable) તારાઓ માટે તેમની અવધિ અને દીપ્તિ વચ્ચેનો સંબંધ. સેફીડ તારાનું કદ અમુક અવધિ દરમિયાન નિયમિત રીતે, હૃદયની જેમ, ફૂલે છે અને સંકોચાય છે અને એ દરમિયાન તેની દીપ્તિમાં પરિવર્તન થાય છે. દીપ્તિ-પરિવર્તનના એક પૂરા ચક્ર માટેની અવધિ સેફીડ તારાની સરેરાશ તેજસ્વિતા ઉપર આધાર રાખે છે. જેમ અવધિ લાંબી તેમ તેજસ્વિતા વધારે. આ અવધિ 2–40 દિવસો જેટલી હોય છે અને એ સમય દરમિયાન તેજસ્વિતા લગભગ એક પરિમાણ (magnitude) જેટલી બદલાય છે. 1912માં હેનરીએટ્ટા લેવિટ નામની મહિલા ખગોળશાસ્ત્રીએ નાના મેગેલેનિક ક્લાઉડ (small magellanic cloud) નામના તારાવિશ્વના સેફીડ તારાઓનો અભ્યાસ કરીને દીપ્તિ અને અવધિ વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો હતો. આ બધા તારા લગભગ એકસરખા અંતરે હોવાથી દીપ્તિ અને અવધિ વચ્ચેનો સંબંધ દેખીતા પરિમાણ (apparent magnitude) અને અવધિ વચ્ચેના સહ-સંબંધ (corelation) દ્વારા જોવા મળે છે.

આકાશગંગા તારાવિશ્વના સેફીડ તારાઓના સંખ્યાશાસ્ત્રીય (statistical) અભ્યાસ દ્વારા હાર્લો શૅપલી નામના ખગોળશાસ્ત્રીએ એ તારાનાં નિરપેક્ષ પરિમાણ (absolute magnitude નક્કી કર્યાં હતાં. લેવિટ અને શૅપલીનાં કાર્યોનો સમન્વય કરીને સેફીડ તારાની અવધિ ઉપરથી તેમનાં નિરપેક્ષ પરિમાણ શોધી શકાય છે, તથા નિરપેક્ષ અને દેખીતા પરિમાણની સરખામણી દ્વારા તેમનું અંતર નક્કી કરી શકાય છે. 1929માં એડવિન હબલે દેવયાની (Andromeda) તારાવિશ્વના સેફીડ તારાના દેખીતા પરિમાણ ઉપરથી સાબિત કર્યું હતું કે એ તારાવિશ્વ આપણા આકાશગંગા તારાવિશ્વની બહાર છે. નજીકના તારાવિશ્વનાં અંતર નક્કી કરવા માટે સેફીડ તારાનો દીપ્તિ-અવધિ સંબંધ સૌથી ચોક્કસ રીતે ગણવામાં આવે છે.

પરંતપ પાઠક