દીપસ્તંભ : અનેક દીવાઓની ગોઠવણી માટેનો સ્તંભ. ખાસ કરીને દક્ષિણનાં મંદિરોમાં દીપોત્સવ માટે – અસંખ્ય દીવાઓની ગોઠવણી માટે ખાસ સ્તંભોની રચના કરવામાં આવતી. મંદિરના આગળના ભાગમાં – પ્રાંગણમાં સ્તંભ બાંધવામાં આવતો.
આવો દીપસ્તંભ અથવા દીપમાલાનો સ્તંભ વર્તુળાકાર અથવા અષ્ટકોણાકાર ઘેરાવાવાળો રચાતો. તેની બધી બાજુઓએ દીવા મૂકવા માટે જોગવાઈ કરવામાં આવતી. આવી દીપમાલા દક્ષિણના લગભગ દરેક મંદિરમાં પ્રવેશતાં જ જોવા મળે છે. ડાકોર ખાતેના મંદિરમાં આવો દીપસ્તંભ છે.
રવીન્દ્ર વસાવડા