દિશાકોણ (bearing) : દિશાકીય સ્થિતિ દર્શાવતો કોણ. કોઈ એક જગાએથી ઉત્તર દિશાના સંદર્ભમાં લેવાતું, ભૂમિચિહન(landmark, object)નું ક્ષૈતિજ સમતલમાં કોણીય અંતર. આ કોણીય અંતરનાં મૂલ્ય પૂર્ણ અંશ(0°થી 360°)માં દર્શાવાય છે, પરંતુ આવશ્યકતા મુજબ તે 30 મિનિટ કે 15 મિનિટના વિભાજન સુધી પણ દર્શાવી શકાય છે. જેમ કે કોઈ ત્રણ ભૂમિચિહનોના દિશાકોણ 45°, 120° અને 253° મળે તો તેમની દિશાકીય રેખાસ્થિતિ ક્ષૈતિજ સમતલમાં અનુક્રમે N 45° E, S 60° E અને S 73° W ની ગણાય. ક્ષેત્રકાર્યમાં સ્થળવર્ણનના નકશા પર સ્થાનનિર્ણય કરવા માટે દિશાકોણનો ઉપયોગ કરવામાં આવે છે. ક્ષેત્રમાંના કોઈ એક અનિશ્ચિત સ્થાનબિંદુ પરથી જુદી જુદી દિશામાં ર્દશ્ય અંતરે રહેલાં ઓછામાં ઓછાં બે – જરૂર પડે તો ત્રણ – ભૂમિચિહનો પસંદ કરી, તેમનાં દિશાકોણમૂલ્ય લઈ, તેમને પ્રતિદિશાકોણમાં ફેરવી, નકશામાં દર્શાવેલાં તે તે ભૂમિચિહનોમાંથી કોણમાપકની મદદથી દિશાકીય રેખાઓ દોરવાથી, તે રેખાઓ જ્યાં એકમેકને છેદે, તે છેદનબિંદુ નકશા પર અનિશ્ચિત સ્થાનનું બિંદુ નક્કી કરી આપે છે. ભૂસ્તરીય સર્વેક્ષણકાર્યમાં જરૂરી સ્થાનોને અથવા ભૂપૃષ્ઠ પર વિવૃત સ્તરસંધિસપાટીઓને નકશામાં રેખાંકિત કરી આપવા માટે ઉપર મુજબની પદ્ધતિ અપનાવવામાં આવે છે.

દિશાકોણ અને પ્રતિદિશાકોણ વચ્ચે 180°નો તફાવત હોય છે. જો દિશાકોણ 180°થી નાનો હોય તો  પ્રતિદિશાકોણ મેળવવા માટે તેમાં 180° ઉમેરવામાં આવે છે, જો દિશાકોણ 180°થી મોટો હોય તો પ્રતિદિશાકોણ મેળવવા માટે તેમાંથી 180° બાદ કરવામાં આવે છે. આ અર્થમાં દિશાકોણને અગ્ર દિશાકોણ (fore bearing) અને પ્રતિદિશાકોણને પશ્ચ દિશાકોણ (back bearing) કહે છે. (જુઓ આકૃતિ.)

આ હેતુ માટે સાદું હોકાયંત્ર, નમનદર્શક હોકાયંત્ર, બ્રુન્ટન હોકાયંત્ર, ત્રિપાર્શ્વકાચી હોકાયંત્ર જેવાં સાધનોનો ઉપયોગ થાય છે. આ પ્રકારનાં સાધનોમાંના ચંદા પર કોઈકમાં ચાર (N, E, S, W), કોઈકમાં આઠ (N, NE, E, SE, S, SW, W, NW), તો કોઈકમાં સોળ (N, NNE, NE, ENE, E, ESE, SE, SSE, S, SSW, SW, WSW, W, WNW, NW, NNW) તેમજ તે પ્રત્યેકની વચ્ચે વચ્ચે બીજી સોળ દિશાઓ પણ દર્શાવેલી હોય છે. ચુંબકીય સોયની મદદથી મળતી ઉત્તર દિશા હમેશાં ચુંબકીય ઉત્તર હોય છે, જે ભૌગોલિક ઉત્તર સાથે એકરૂપ થતી નથી, એટલે જ્યારે નકશાનું અનુસ્થાપન (orientation) કરવાનું હોય ત્યારે દિક્પાત સાથે મેળ બેસાડવો પડે છે.

દિશાકોણ – પ્રતિદિશાકોણ દર્શાવતી રેખાકૃતિ. A, B, C. ભૂમિચિહનો
A કોણીય અંતર 45°, B કોણીય અંતર 120° C કોણીય અંતર 253° = દિશાકોણ. Aનો પ્રતિદિશાકોણ = 45° + 180° = 225°. Bનો પ્રતિદિશાકોણ = 120° + 180° = 300°. Cનો પ્રતિદિશાકોણ = 253° – 180° = 73°

સર્વેક્ષણમાં, ભૂસ્તરીય ક્ષેત્રઅભ્યાસ માટેના નકશાકાર્યમાં, આગબોટ-વહાણોને યોગ્ય દિશામાં હંકારી જવામાં દિશાનિર્ણય કરવાની જરૂર રહે છે. વહાણો માટે બંદર છોડ્યા પછી કે બંદરપ્રવેશ અગાઉ દિશાકોણ લેવાની કે લેતા રહેવાની જરૂર પડતી હોય છે.

વાસ્તવિક દિશાકોણ (true bearing) : ઉપર મુજબ મેળવેલી કોઈ પણ દિશાકીય રેખા અને ભૌગોલિક ઉત્તર-દક્ષિણ વચ્ચેનો કોણ વાસ્તવિક દિશાકોણ કહેવાય છે.

ચુંબકીય દિશાકોણ (magnetic bearing) : કોઈ પણ દિશાકીય રેખા અને ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેના કોણને ચુંબકીય દિશાકોણ કહેવાય છે, જે તે સ્થાનના વખતોવખતના ચુંબકીય વિચલનના ચોક્કસ ખૂણા પર આધારિત હોઈ, તે વાસ્તવિક દિશાકોણથી જુદો પડે છે.

ગિરીશભાઈ પંડ્યા