દિવાળી : હિંદુઓનો સૌથી લોકપ્રિય તહેવાર. ધર્મશાસ્ત્ર આસો વદ ચૌદશ, અમાસ અને કારતક સુદ પડવો – એ ત્રણ દિવસોને દિવાળીનું પર્વ માને છે. લોકવ્યવહારમાં આસો વદ બારશ – વાઘબારશથી શરૂ કરી કારતક સુદ બીજ સુધીના છ દિવસોનું દિવાળી પર્વ ગણાય છે. આ તહેવાર દીવાનો, અર્થાત્ પ્રકાશનો હોવાથી તેને દિવાળી કહે છે.
દિવાળીનો આરંભ લોકવ્યવહારમાં વાઘબારશથી થાય છે. એ દિવસે વાઘના સ્વરૂપવાળા દૈત્યનો વધ થયો હોવાથી વાઘબારશ કહેવાય છે. આસો વદ 12ના દિવસને ધર્મશાસ્ત્ર ગોવત્સદ્વાદશી પણ કહે છે. તે દિવસે વાછરડા સાથેની ગાયનું પૂજન કરવું એમ ધર્મશાસ્ત્ર કહે છે. આને વાક્-બારસ પણ માનવામાં આવે છે. સરસ્વતીપૂજનનું તે દિવસે મહત્વ છે.
એ પછી આસો વદ તેરશને ધનતેરશ કહે છે. તે દિવસે લોકવ્યવહાર મુજબ ધનનું, લક્ષ્મીનું કે ધનના દેવ કુબેરનું પૂજન કરવામાં આવે છે. વૈદ્યો એ દિવસને ધન્વન્તરિની જન્મજયંતી માને છે. ધર્મશાસ્ત્ર આ દિવસે પાણીમાં દીવાને તરતો મૂકી યમને તેનું દાન કરવાની તથા ગાયના પૂજન સાથે ગોત્રિરાત્રવ્રત કરવાની ભલામણ કરે છે. અલબત્ત, ધર્મશાસ્ત્ર વાઘબારશ અને ધનતેરશનો દિવાળીમાં સમાવેશ કરતું નથી.
આસો વદ ચૌદશને નરક-ચતુર્દશી, રૂપચૌદશ અથવા કાળી ચૌદશ કહે છે. ધર્મશાસ્ત્ર આ દિવસથી દિવાળીનો આરંભ માને છે. આ દિવસે નરકથી બચવા માટે અભ્યંગસ્નાન કરી યમનું તર્પણ અને પિતૃઓ માટે ઉલ્કા એટલે મેરાયાંનું દાન કરવાની ધર્મશાસ્ત્રની આજ્ઞા છે. તાંત્રિકો આ દિવસે સ્મશાનમાં જઈ દેવી અને હનુમાનની ઉપાસના અને મંત્રસિદ્ધિ વગેરે તાંત્રિક વિધિઓ કરે છે. કૃષ્ણે આ દિવસે નરકાસુરનો વધ કરેલો.
આસો વદ અમાસને દિવાળી કહે છે. ધર્મશાસ્ત્રમાં આ દિવસે સવારે દેવ અને પિતૃઓનું પૂજન અને પાર્વણ શ્રાદ્ધ કરવાનું વિહિત છે. દિવસે ઉપવાસ કરી રાત્રિના આરંભે દીવાઓની હાર મૂકી પ્રકાશ કરી લક્ષ્મીનું પૂજન અને પાણીમાં દીવાનું દાન કરવામાં આવે છે. પ્રકાશમાં લક્ષ્મીનું આગમન અને અલક્ષ્મીનું ગમન થાય છે, તેથી તેમ કરવાની ભલામણ કરી છે. લોકવ્યવહાર મુજબ લક્ષ્મીનું સરસ્વતી અને ગણેશ સાથે તથા ચોપડો, કલમ, ખડિયો વગેરે સાથે પૂજન કરવામાં આવે છે. તેને ચોપડાપૂજન કહે છે. દારૂખાનું ફોડી, મિષ્ટ ભોજન કરી આનંદ વ્યક્ત કરવામાં આવે છે. જૈન ધર્મ તો દિવાળીને મહાવીરના મોક્ષ-કલ્યાણક દિવસ તરીકે માને છે. દિવાળી વિક્રમ સંવતનો અંતિમ દિવસ છે.
કારતક સુદ પડવાને બેસતું વર્ષ કહે છે, કારણ કે તે દિવસે વિક્રમના નવા સંવતનો આરંભ થાય છે. ધર્મશાસ્ત્ર મુજબ બેસતા વર્ષે અભ્યંગસ્નાન કરી લક્ષ્મીનું, કુબેરનું, નિધિનું, બલિનું, ગોવર્ધનનું પૂજન કરવામાં આવે છે. વિવિધ વાનગીઓ વડે અન્નકૂટ કરે છે તથા વષ્ટિકા એટલે કુશ અને કાશની બનેલી દોરડીને બે જૂથો સામસામી ખેંચે છે. લોકવ્યવહારમાં લોકો સગાંવહાલાંને ત્યાં જઈ મિષ્ટાન્ન લે છે તથા નવા વર્ષની શુભેચ્છાઓની પ્રત્યક્ષ કે પત્ર દ્વારા આપલે કરે છે. ધર્મશાસ્ત્ર આ દિવસે દિવાળી પૂરી થયેલી માને છે.
કારતક સુદ બીજને યમદ્વિતીયા કે ભાઈબીજ કહે છે. પોતાના ભાઈ યમને બહેન યમુનાએ પૂજા કરી જમાડેલા તેના ઉપલક્ષમાં બહેન ભાઈને પોતાને ઘેર બોલાવી જમાડે છે. આ પૌરાણિક પ્રસંગ પરથી લોકવ્યવહાર પ્રચલિત થયેલો જણાય છે.
દિવાળી એ હિંદુઓના વર્ષાન્ત અને નૂતન વર્ષારંભનું પર્વ હોઈ ખ્રિસ્તીઓના નાતાલ અને પારસીઓનાં પતેતી અને નવરોઝની યાદ અપાવે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી