દા કુન્હા, ટ્રિસ્ટાઓ બ્રેગાન્ઝા (જ. 2 એપ્રિલ 1891, ચાંદોર, ગોવા; અ. 26 સપ્ટેમ્બર 1958) : ગોવાના ખ્રિસ્તી રાજપુરુષ. ભારતીય રાષ્ટ્રીય મહાસભાને પગલે તેમણે ગોવામાં રાષ્ટ્રવાદી પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો. 1928માં ગોવા કૉંગ્રેસ સમિતિની રચના કરેલી. 1945માં મુંબઈમાં ગોવા યૂથ લીગની સ્થાપના કરેલી. તેમણે પત્રકારત્વમાં પણ ઝંપલાવ્યું. વિવિધ વૃત્તપત્રોનું સંચાલન કરી ગોવામાં સ્વતંત્રતાના સંગ્રામમાં નોંધપાત્ર ફાળો આપ્યો. શાલેય શિક્ષણ પંજીમ ખાતે અને કૉલેજ શિક્ષણ પુદુચેરી ખાતે મેળવ્યું. પુદુચેરીની ફ્રેંચ કૉલેજમાંથી સ્નાતક થઈ પૅરિસ ગયા. ત્યાં સોરબોન યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ ઇજનેર થયા. કૉલેજના ‘રોમા રોલાં સમૂહ’માં જોડાઈ ભારતની આઝાદીની આંદોલનપ્રવૃત્તિમાં અને વિશેષ ગોવાનો પોર્ચુગીઝ શાસન વિરુદ્ધ સક્રિય રહ્યા.
ગોવાને પોર્ચુગીઝ શાસનથી મુક્ત કરાવવા ત્યાં સ્વરાજ્ય માટેનું જે પ્રથમ આંદોલન આરંભાયું તેનું તેમણે નેતૃત્વ કર્યું હતું.
1926માં ગોવા પાછા ફરી 1928માં ગોવા કૉંગ્રેસ સ્થાપી. આ જ સંગઠનને 1938માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે જોડી દીધું. પોર્ચુગીઝ શાસનને વખોડતા લેખો-પુસ્તકો દ્વારા ગોવા સ્વાતંત્ર્ય આંદોલનને વેગ આપ્યો.
1946માં ગોવાના એક પરા મડગાંવ ખાતે રામ મનોહર લોહિયાને આમંત્રિત કરી સ્વતંત્રતા અંગે વ્યાખ્યાનો ગોઠવ્યાં. તેનો હેતુ વ્યાખ્યાનો દ્વારા લોકલડતને વેગ આપવાનો હતો. આ માટે ધરપકડ વ્હોરી, જેલ વેઠી. લશ્કરી ટ્રિબ્યૂનલે તેની પર ખટલો ચલાવી તેમને કોર્ટ માર્શલ કર્યા અને તેમને આઠ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી. આ માટે તેમને પોર્ચુગીઝ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. 1954માં તેમને મુક્ત કરાયા. તેમણે ગોવા આવી ‘ગોવા એક્શન’ કમિટી રચી અને ગોવાની સ્વાતંત્ર્યની લડતમાં ફરી સક્રિય બન્યા.
આ દિશામાં ‘ફ્રી ગોવા’ (સ્વતંત્ર ગોવા) વર્તમાન પત્ર દ્વારા તેઓ સક્રિય રહ્યા. ઉપરાંત ‘કોંકણી સાપ્તાહિક’, ‘આઝાદ ગોઅન’ જેવા પત્રોના તેઓ તંત્રી રહ્યા હતા. ‘ફોર હન્ડ્રેડ યર્સ ઑવ્ ફોરિન રુલ’ અને ‘ડીનેશનલાઇઝેશન ઑવ ગોઅન (1942)’ તેમની પુસ્તિકાઓ છે. તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા એક ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.
બંસીધર શુક્લ
રક્ષા મ. વ્યાસ