દાસ, વાસંતીદેવી ચિત્તરંજન (જ. 1880; અ. 1974) : સ્વાતંત્ર્ય-સેનાની અને સામાજિક કાર્યકર. શ્રીમંત પિતાનાં સંસ્કારી પુત્રી વાસંતીદેવીનું લગ્ન દેશબંધુ ચિત્તરંજનદાસ સાથે થયું. દેશબંધુની પ્રતિષ્ઠા મોટી હતી. તેઓ બૅરિસ્ટરની યોગ્યતા પણ મેળવી ચૂક્યા હતા, પરંતુ તેમના માટે વ્યવસાય નવો હતો. તેઓ હજુ સ્થિર થઈ શક્યા નહોતા, સફળતાની વાત તો દૂર હતી. વાસંતીદેવીએ બદલાયેલી પરિસ્થિતિનો કશા વાંધાવિરોધ વિના સ્વીકાર કર્યો અને પરિવારની સેવામાં લાગી ગયાં. તેમના સ્તરની બીજી મહિલાઓ કપડાં તથા અલંકાર વિશે સભાન હતી, જ્યારે વાસંતીદેવીની સાદગી તેમને બધાંથી જુદાં ઉપસાવતી.
સમય સાથે ચિત્તરંજનબાબુની પ્રતિષ્ઠા જામી. શ્રી અરવિંદ બૉંબકાંડ પછી તેમની ગણના સૌથી સફળ ધારાશાસ્ત્રીઓમાં થવા લાગી. આવકમાં પણ ઘણો વધારો થયો. 1920માં પૂરા થતા દાયકામાં તેમની માસિક આવક અડધા લાખે પહોંચી હતી. પતિનાં આવક અને મોભામાં મોટો વધારો થયા પછી પણ વાસંતીદેવીએ તેમની જીવનરીતિમાં ફેરફાર કર્યો નહિ. તેઓ સાદગીને વળગી રહ્યાં.
બીજું પરિવર્તન ત્યારે આવ્યું, જ્યારે ચિત્તરંજન દાસે વ્યવસાય ત્યજીને રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કર્યું. દંપતીના જીવનમાર્ગે આ મહત્વનો વળાંક હતો. ચિત્તરંજનબાબુના આ નિર્ણયને વાસંતીદેવીના ર્દઢ સમર્થનનું બળ પ્રાપ્ત હતું. ચિત્તરંજનદાસ સ્વભાવથી માનવતાવાદી હતા, દાની હતા. આવકનો મોટો અંશ તે દરિદ્રોની સહાયતામાં આપી દેતા. આમાં પણ વાસંતીદેવીનો તેમને પૂરો સહયોગ મળતો હતો.
148, રુસા માર્ગ, કૉલકાતાના તેમના નિવાસસ્થાને રાજકીય અગ્રણીઓની ભીડ જામવા માંડી. વાસંતીદેવી તેમની ઉષ્માભરી સરભરા કરતાં હતાં.
ગાંધીજીની અસહકારની લડત વાસંતીદેવી માટે અવિસ્મરણીય બની રહી. આંદોલન નિમિત્તે ધરપકડ વહોરનારાં તેઓ પ્રથમ હિંદી મહિલાનું માન પામ્યાં. તે ઘટના કૉલકાતાના બડાબજારમાં 7 ડિસેમ્બર, 1921ના દિવસે બની. નારી કર્મ કુટિરવાળાં તેમનાં સાથી સુનીતાદેવી સાથે તેઓ પણ ખાદીનું વેચાણ કરતાં હતાં. પોલીસે બેઉની ધરપકડ કરી. સમાચાર વીજળીવેગે નગરમાં પ્રસરી ગયા. પોતાની પણ ધરપકડ કરાવવા પોલીસથાણે ટોળેટોળાં ઊમટ્યાં. પરિસ્થિતિ અંકુશ બહાર જવાના ભયે સત્તાવાળાઓએ ડહાપણ વાપરી વાસંતીદેવી તથા બીજી બહેનોને તત્કાળ છોડી મૂક્યાં. એ જ વર્ષે વાસંતીદેવી પતિની સાથે ફરી કારાગૃહે જવા તૈયાર થયાં. પતિએ તેમને બહાર રહી દેશનું કાર્ય આગળ વધારવા સૂચવ્યું. વાસંતીદેવીએ પતિનું કાર્ય ચાલુ રાખ્યું, તેમણે માસિકપત્રિકાનું સંપાદન-પ્રકાશન ઉપાડી લીધું.
ઉષ્મા, મધુરતા, સહિષ્ણુતા અને ભોગ આપવાની તત્પરતાને લીધે વાસંતીદેવી પરિવારમાં જ નહિ, રાષ્ટ્રીય નેતાઓમાં પણ ચાહનાનું પાત્ર બન્યાં. 1925માં પતિનું અકાળ અવસાન તેમના માટે કારમો ઘા હતું. ગાંધીજી તેમને આશ્વાસન આપવા ગયા તે પ્રસંગ તેમની આત્મકથામાં સુરેખ રીતે આલેખ્યો છે. યુવાનો માટે તેઓ પ્રેરણાદાયી માતા હતાં. સુભાષચંદ્ર પણ તેમને ‘મા’ કહીને સંબોધતા હતા. 1922માં રાજ્યસ્તરની પક્ષપરિષદમાં તેમણે બંગાળી પ્રજાને રાષ્ટ્રીય આંદોલન જીવનનું અંગ બનાવવા આહવાન કર્યું. ‘જીવન પૂર્ણપણે ઉદાત્ત બને ત્યારે જ સત્યનું દર્શન થાય છે’, એમ તેમણે સંબોધનમાં કહેલું.
પતિના અવસાન પછી વાસંતીદેવીએ સક્રિય જીવન આટોપવા માંડ્યું. જોકે પતિની ઇચ્છાને માન આપી તેમણે રુસા માર્ગના તેમના ઐતિહાસિક નિવાસસ્થાનને મહિલા આરોગ્યધામમાં પરિવર્તિત કર્યું. હવે તે ‘ચિત્તરંજન-સેવાસદન’ કહેવાયું. પતિના અવસાન પછીના વર્ષે તેમણે એકનો એક પુત્ર ખોયો. પાછળ પુત્રવધૂ અને ત્રણ પૌત્રીઓને હિંમત આપવા તેમણે મન કઠણ કર્યું. રાજકારણને તેમની સેવાનો લાભ આપવા સુભાષચંદ્રે તેમને વિનંતી પર વિનંતી કરી, પણ વાસંતીદેવી અડગ રહ્યાં. 1932માં જોકે ગાંધીજીના અસ્પૃશ્યતા-નિવારણ અને હરિજનોદ્ધાર કાર્યક્રમમાં પૂર્વ બંગાળામાં સાથ આપ્યો, પરંતુ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સક્રિય થવા અનિચ્છા બતાવી. પછીનાં વર્ષોની ઉગ્ર લડતમાં નવાં નામોનો ધોધ વહ્યો, પણ સાચાં સ્વયંસેવિકા વાસંતીદેવીનાં નામ અને કાર્ય ભુલાયાં નહિ.
બંસીધર શુક્લ