દાસ, વર્ષા (જ. 9 નવેમ્બર 1942, મુંબઈ) : ગુજરાતી લેખિકા તથા કલાસમીક્ષક. જાણીતા પત્રકાર અને લેખક મોહનલાલ મહેતા (સોપાન) તથા લેખિકા લાભુબહેન મહેતાનાં એ પુત્રી થાય અને ગુજરાતના અગ્રગણ્ય પત્રકાર અમૃતલાલ શેઠનાં દૌહિત્રી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈની ચિલ્ડ્રન્સ એકૅડેમીમાં લીધું. શાળામાં એમના પ્રિય વિષયો હતા ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ તથા ચિત્રકલા. તેઓ શાળાનાં સામયિકો માટે પણ ચિત્રાંકન કરતાં. 1958માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી, મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયાં. કૉલેજના બીજા વર્ષમાં હતાં ત્યારે 1960માં તેમણે બાળકોની માસિક પત્રિકા ‘બાલમાધુરી’નું તંત્રીપદ સંભાળ્યું. 2 વર્ષ એમણે તે માસિકનું સંચાલન કર્યું. 1962માં સંસ્કૃત તથા હિન્દી વિષયો લઈ તેઓ બી.એ. થયાં, તે પછી એ જ વિષયો સાથે 1964માં એમ.એ. થયાં.
એમ.એ. થયાં પછી ‘સુકાની’ સાપ્તાહિકમાં સહાયક તંત્રી તરીકેનું સ્થાન સંભાળ્યું. આ સમયે એમની વય 20 વર્ષની હતી. 4 વર્ષમાં તો તેઓ કલાસમીક્ષકની કામગીરીમાં સુપ્રતિષ્ઠિત થયાં. તેઓ જાણીતા ચિત્રકારોની મુલાકાત લેતાં. ચિત્રકલા વિશેની ઘણી રસપ્રદ હકીકતો તેમની પાસેથી મેળવતાં. 1985માં કેન્દ્રસરકારની લલિતકલા એકૅડેમીના ઉપસચિવ તરીકે ભારત સરકારે એમને નિયુક્ત કર્યાં અને 3 વર્ષ ત્યાં સેવા આપી.
1972માં દિલ્હીના નૅશનલ બુક ટ્રસ્ટમાં સંપાદક તરીકે એમની વરણી થઈ. ત્યાં બાળકો માટે મૌલિક તથા અનૂદિત પુસ્તકો તૈયાર કરાવી પ્રકાશિત કરવાની જવાબદારી એમને સોંપાઈ. એમણે એટલી દીર્ઘર્દષ્ટિ અને કુશળતાથી એનું કામ કર્યું કે એમને ઉત્તરોત્તર ઊંચો હોદ્દો સોંપાતો ગયો. 1995થી એમની નૅશનલ બુક ટ્રસ્ટના ઉપનિદેશક તરીકે નિયુક્તિ થઈ. એ હવે પ્રૌઢશિક્ષણ-વિભાગનાં પણ અધ્યક્ષ હતાં. વળી ભારત સરકારના શિક્ષણ અને સંસ્કૃતિ મંત્રાલયનાં પણ ઉપનિદેશક હતાં. દેશમાં કે વિદેશમાં ગ્રંથનિર્માણ-વિષયક પરિસંવાદો, પરિષદો કે પ્રકાશન-વિષયક કાયદાઓ વિશેનાં સંમેલનો મળે છે ત્યારે ભારતના પ્રતિનિધિ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવે છે. એ રીતે જાપાન, ઇન્ડોનેશિયા, થાઇલડ, બાંગ્લાદેશ, મૉસ્કો, બર્લિન, માલદીવ, ઇઝરાયલ, મૉરેશિયસ – એમ વિશ્વના અનેક દેશોમાં યોજાયેલ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમણે સક્રિય રીતે ભાગ લીધો છે.
વ્યાવસાયિક પ્રવૃત્તિની વ્યસ્તતા છતાં એમની લેખન અને અધ્યયન-પ્રવૃત્તિ વેગીલી રહી છે. નોકરી કરતાં કરતાં એમણે ‘શિક્ષણ અને જનસંચારનાં લોકમાધ્યમો’ પર શોધ-પ્રબંધ તૈયાર કરી 1986માં ઓસ્માનિયા યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વળી બંગાળી અને ઊડિયા ભાષા પર પ્રભુત્વ મેળવી ઊડિયા અને બંગાળી કાવ્યોનાં ગુજરાતીમાં ભાષાંતરો કર્યાં છે. ગુજરાતીમાં ‘કનુપ્રિયા’ વાર્તાસંગ્રહ (1985) ઉપરાંત ‘જગતનાં પાટનગરો’ (1961) પુસ્તક પ્રગટ કર્યું જેને માટે ગુજરાત રાજ્ય તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત હિન્દી પુસ્તકોનો અનુવાદ, ગુજરાતીમાં બાલસાહિત્યનાં પાંચ પુસ્તકો, હિન્દીમાં બાલસાહિત્યની નવ પુસ્તિકાઓ પણ તેમના નામે છે. ગુજરાતીમાં એમનું વિશિષ્ટ કહી શકાય એવું પ્રદાન ‘ભારતની આધુનિક ચિત્રકળા’ (1963) નામક પુસ્તક છે. ‘વિશ્વની શ્રેષ્ઠ લોકકથાઓ’ (1982) પણ એમની નોંધપાત્ર પુસ્તિકા છે. એમણે વિદેશોમાં વાંચેલા નિબંધોમાંથી કેટલાક પ્રકાશિત થયા છે.
ચન્દ્રકાન્ત મહેતા